રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. દોઢ મહિનામાં બીજી વખત પ્રયાસ કરી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ.
Dalit intern doctor at AIIMS Rajkot commits suicide
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ: ગુજરાતની પ્રતિષ્ઠિત રાજકોટ AIIMS હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ઈન્ટર્નશિપ કરી રહેલા એક તેજસ્વી દલિત યુવાન ડૉક્ટરે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે. મૂળ રાજસ્થાનના જેસલમેરના વતની અને દલિત સમાજમાંથી આવતા આશાસ્પદ ડૉક્ટર રતનકુમાર મોહનલાલ મેઘવાલે આજે 14 માર્ચના રોજ વહેલી સવારે પરાપીપળીયા રેલવે ફાટક પાસે અંતિમ પગલું ભર્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતે માનસિક રીતે અસ્વસ્થ (મેન્ટલી ડિસ્ટર્બ) હોવાને કારણે જીવન ટૂંકાવી રહ્યા હોવાનું લખ્યું છે. આ ઘટનાથી એક તરફ પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે, તો બીજી તરફ મેડિકલ ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણ અને સામાજિક પરિસ્થિતિઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.

વહેલી સવારે 4 વાગ્યે હોસ્ટેલમાંથી નીકળી ગયા હતા

ઘટનાની વિગતો મુજબ, 25 વર્ષીય ડૉ. રતનકુમાર મેઘવાલ આજે વહેલી સવારે આશરે 4:00 વાગ્યે પોતાની મેડિકલ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ 4:45 વાગ્યાની આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન નીચે તેમણે ઝંપલાવ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને રેલવે તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસને મૃતકની તલાશી લેતા તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે તેમની સુસાઇડ નોટ હોવાનું મનાય છે. આ નોટમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા અને આ સ્થિતિ સહન ન કરી શકતા હોવાથી આત્મહત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો: દ્રષ્ટિહીન યુવકે UPSCમાં દેશભરમાં 20મો રેન્ક મેળવી ઈતિહાસ રચ્યો

અગાઉ પણ એકવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો

આ દુખદ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ડૉ. રતનકુમારે આ પહેલા પણ એકવાર આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગત 28 જાન્યુઆરીના રોજ પણ તેઓ વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળીને આ જ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતા. જોકે, તે સમયે પરાપીપળીયા ગામના જાગૃત ગ્રામજનોની નજર તેમના પર પડી ગઈ હતી અને તેમણે સમયસૂચકતા વાપરીને આ યુવાનને મોતના મુખમાંથી બચાવી લીધો હતો. તે સમયે AIIMS તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને રતનકુમારનું વિશેષ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમને સારવાર અને આરામ માટે તેમના માતા-પિતા સાથે રાજસ્થાન વતન મોકલી દેવામાં આવ્યા હતા.

Dalit intern doctor at AIIMS Rajkot commits suicide

આપઘાતને લઈને અનેક તર્કવિતર્ક

જોકે, આ બાબતે વિરોધાભાસી વિગતો પણ સામે આવી રહી છે. AIIMS તંત્રનું કહેવું હતું કે યુવાન કેમ્પસમાં રહેતો ન હતો, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મેડિકલ હોસ્ટેલમાં જ રોકાયો હતો. હોસ્ટેલના વોર્ડન દ્વારા જ મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે તેઓ ફરીથી હોસ્ટેલમાં પરત ફર્યા હતા. દલિત સમાજના આ તેજસ્વી યુવાને શા માટે આટલું આત્યંતિક પગલું ભર્યું અને તેમની માનસિક અસ્વસ્થતા પાછળના મૂળ કારણો શું હતા, તે હવે તપાસનો વિષય બન્યો છે. શું તેમને હોસ્પિટલ કે હોસ્ટેલમાં કોઈ અન્ય સમસ્યાઓ નડતી હતી? શું અભ્યાસનું ભારણ કે સામાજિક કારણો જવાબદાર હતા? આ તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભાજપ નેતાએ દલિત પરિવારને માર મારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

દલિત પરિવારના યુવકનું ડોક્ટર બનવાનું સપનું રોળાયું

ઘટનાની જાણ થતા જ જેસલમેર રહેતા રતનકુમારના માતા-પિતા અને પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા છે. એક મધ્યમવર્ગીય દલિત પરિવાર માટે પોતાના પુત્રને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન આ રીતે અધૂરું રહી જશે અને તે પણ ઈન્ટર્નશિપના છેલ્લા તબક્કે, તે વિચારીને જ સમગ્ર સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે. હાલ મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. પરિવારના સભ્યોના આવ્યા બાદ જ અંતિમ વિધિ કરવામાં આવશે.

ગાંધીગ્રામ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને સુસાઇડ નોટની તપાસ ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેથી આપઘાત પાછળના સાચા કારણો પરથી પડદો ઊંચકાઈ શકે. આ ઘટના ફરી એકવાર મેડિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમને મળતી સુવિધાઓ પર ચર્ચા જગાવી રહી છે.

આ પણ વાંચો: જન્મ સમયે ‘પથ્થર’ કહી ધિક્કારી હતી, તે દલિત દીકરી પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x