આદિવાસી મહિલાને ‘ડાકણ’ કહી ટોળાએ માર મારી-મારીને પતાવી દીધી!

Adivasi News: આદિવાસી મહિલાને ગામલોકોએ 'ડાકણ' ગણાવી, તે જાદુટોણાં કરતી હોવાની અફવા ફેલાવી ટોળાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.
Adivasi News

Adivasi News: આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધા કઈ હદે પગદંડો જમાવી ગઈ છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટના પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની છે. અહીંના રામપુરહાટની બેલિયા આદિવાસી વસ્તીમાં ૭૦ વર્ષીય વૃદ્ધા ચુર્કી હેમ્બ્રમ પર જાદુ-ટોણા અને તંત્ર-મંત્ર વિદ્યા કરતી હોવાનો આરોપ લગાવી તેની માર મારી-મારીને હત્યા કરી દેવામાં આવી છે. વૃદ્ધા પર પથ્થર અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આદિવાસી સમાજમાં શિક્ષણના અભાવનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વો વ્યક્તિગત અદાવત કાઢવા માટે પણ આવા રસ્તા અપનાવતા હોય છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું ઝેર કેટલું ઊંડે સુધી પ્રસરેલું છે.

તંત્ર-મંત્રનો વહેમમાં ટોળાશાહીનો આતંક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી શિબલાલ કિસ્કુ અને તેના પરિવારને શંકા હતી કે વૃદ્ધા જાદુ-ટોણા કરે છે, જેના કારણે તેમના પરિવારમાં મુશ્કેલીઓ આવી રહી છે. શુક્રવારે સાંજે આ જ બાબતે વિવાદ થયો અને જોતજોતામાં ટોળું ઉશ્કેરાઈ ગયું. આરોપીઓએ વૃદ્ધા પર દયા બતાવવાને બદલે તેને સમાજ માટે ખતરો માનીને તેને રહેંસી નાખવાનો રસ્તો પસંદ કર્યો. આ માત્ર એક હત્યા નથી, પરંતુ ‘ડાકણ પ્રથા’ (Witch-hunting) જેવા સામાજિક દૂષણનું વરવું પ્રદર્શન છે, જેમાં ભીડ પોતે જ ન્યાયાધીશ અને જલ્લાદ બની જાય છે. જ્યારે કોઈ સમાજમાં તર્ક કરતાં વહેમ વધારે શક્તિાળી બને છે, ત્યારે આવી લોહીયાળ ઘટનાઓ જન્મે છે.

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!

બંગાળમાં આવી ઘટનાઓ વારંવાર બને છે

પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. બીરભૂમ હોય કે માલદા, અંધશ્રદ્ધાના નામે થતી હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. સવાલ એ થાય છે કે શિક્ષણ અને વિજ્ઞાનના યુગમાં પણ આ વિસ્તારોમાં કોઈ જાગૃતિ કેમ નથી આવતી? શું સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર માત્ર કાગળ પર જ જાગૃતિના કાર્યક્રમો ચલાવે છે? જ્યારે કોઈ પણ વ્યક્તિને ટોળું ભેગું કરીને ‘ડાકણ’ જાહેર કરી દેવામાં આવે છે, ત્યારે ત્યાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે મૌન જોવા મળે છે. ટોળાશાહીને મળતું છૂટું પ્રોત્સાહન ગુનેગારોના મનમાં કાયદાનો ડર ખતમ કરી રહ્યું છે અને આવી કુપ્રથાઓને પોષી રહ્યું છે.

પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

આ ઘટના બાદ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને ગામમાં ભારે પોલીસ બળ તૈનાત કર્યું છે, પરંતુ આ માત્ર ‘પોસ્ટ-મોર્ટમ’ જેવી કાર્યવાહી છે. સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે કે, કેમ હજુ સુધી ડાકણ પ્રથા વિરુદ્ધ કડક સામાજિક ઝુંબેશ ચલાવવામાં નથી આવી? શા માટે આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિઓ માત્ર શહેરો પૂરતી મર્યાદિત છે? જો પોલીસ તંત્ર અને સ્થાનિક ગુપ્તચર વિભાગ સજાગ હોત, તો ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદની જાણ થઈ હોત અને એક નિર્દોષ જીવ બચાવી શકાયો હોત. માત્ર ધરપકડ પૂરતી નથી, પરંતુ આવા માનસિક વહેમોને જડમૂળથી ઉખેડવા માટે સામાજિક ક્રાંતિ અનિવાર્ય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ

આદિવાસી પટ્ટામાં ડાકણ પ્રથાથી છુટકારો ક્યારે?

બીરભૂમની આ ઘટના એક ગંભીર ચેતવણી છે. જો સરકાર અને સામાજિક સંસ્થાઓ યુદ્ધના ધોરણે જાગૃતિ નહીં લાવે, તો અંધશ્રદ્ધાના નામે લોહી વહેતું રહેશે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની તાતી જરૂર છે. આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી તે અન્ય લોકો માટે દાખલારૂપ બને. જ્યાં સુધી સમાજ પોતે જાગૃત નહીં થાય અને તંત્ર ટોળાશાહી સામે કડક પગલાં નહીં ભરે, ત્યાં સુધી ચુર્કી હેમ્બ્રમ જેવી નિર્દોષ વૃદ્ધા અંધશ્રદ્ધાની બલિ ચડતી રહેશે. માનવ અધિકારોનું આ હનન અટકાવવું એ સમગ્ર સભ્ય સમાજની જવાબદારી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x