રાજકોટની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત પ્રકરણમાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપી વિદ્યાર્થીઓ – પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી (ત્રણેય રાજસ્થાન), નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) અને આયુષ યાદવ (ભરૂચ) – જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે, તેમને આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા.
આ તમામ આરોપીઓ MBBS ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ છે. જેલવાસ દરમિયાન તેમની કારકિર્દી ન બગડે તે હેતુથી તેમણે કોર્ટમાં પરીક્ષા આપવાની મંજૂરી માંગી હતી, જે ગ્રાહ્ય રાખવામાં આવતા આજે પોલીસના હથિયારધારી જાપ્તા હેઠળ આ ભવિષ્યના ગણાતા તબીબોને પરીક્ષા અપાવવામાં આવી રહી છે. જે હાથોમાં સ્ટેથોસ્કોપ હોવું જોઈએ, ત્યાં આજે કાયદાનો લોખંડી પહેરો છે.

ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા
ગઈકાલે રવિવાર એટલે કે 15 માર્ચના રોજ પોલીસે આ કેસમાં ઝડપી ગતિએ કાર્યવાહી કરી હતી. રતનકુમારના પિતા મોહનલાલ મેઘવાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરી હતી. રવિવારે જ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવાને બદલે નામદાર કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. રાજકોટ SC-ST સેલના ACP ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરી છે, જેમાં મૃતકના મોબાઈલ ફોન, ટેબલેટ અને ઇન્સ્ટાગ્રામ પરની ૧૮ પાનાની સુસાઈડ નોટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બકરી બાંધવા મુદ્દે ભીલ યુવક પર હુમલો કરનારને 12 વર્ષની જેલ
ઘટના શું હતી?
આ સમગ્ર મામલાની શરૂઆત 14 માર્ચ 2026ના રોજ વહેલી સવારે થઈ હતી. રાજસ્થાનના જેસલમેરનો વતની અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી MBBSનો અભ્યાસ કરતો રતનકુમાર મેઘવાલ 13 માર્ચની રાત્રે જ વતનથી રાજકોટ પરત ફર્યો હતો. 14 માર્ચની વહેલી સવારે અંદાજે 4.00 વાગ્યાની આસપાસ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર રેલવે ટ્રેક પાસે તેણે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. રતનકુમારના મૃતદેહ પાસેથી પોલીસને તેની બેગ મળી આવી હતી, જેમાં તેની ડાયરીમાં 17 થી 18 પાનાનું મરણોત્તર નિવેદન (Dying Declaration) લખેલું હતું. આ સુસાઈડ નોટમાં તેણે સ્પષ્ટપણે લખ્યું હતું કે, “આ નોટને મારું અંતિમ નિવેદન માનવામાં આવે.” તેણે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી આ નોંધમાં આ પાંચેય આરોપીઓના નામ જોગ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ તેને કઈ રીતે શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા.
18 પેજની સુસાઈડ નોટમાં છુપાયેલું જાતિવાદનું ઝેર
રતનકુમારે આપઘાત કરતા પહેલા આ સુસાઈડ નોટ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ પોસ્ટ કરી હતી. આ સુસાઈડ નોટમાં એક ‘નીલમ’ (નામ બદલ્યું છે) નામની સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ છે. રતનકુમાર અને નીલમ વચ્ચેના સંબંધોની શંકાના આધારે આરોપી પ્રણવ પાલીવાલ અને અન્ય સાથીદારોએ રતનકુમાર પર જાન્યુઆરી 2026થી અત્યાચાર શરૂ કર્યો હતો. રતનકુમારે આક્ષેપ કર્યો હતો કે પ્રણવે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને તેની સાથે ‘ગેમ’ રમી હતી. તેને જાતિસૂચક અપશબ્દો બોલીને નીચો દેખાડવામાં આવતો હતો અને તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવતી હતી. આ એક તેજસ્વી દલિત યુવાનની વ્યથા હતી, જેણે સિસ્ટમમાં રહીને ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું, પણ તેને તેના જ સહપાઠીઓના અસહિષ્ણુ અને જાતિવાદી વલણે મોત તરફ ધકેલી દીધો.

આ પણ વાંચો: શિક્ષકે કહ્યું, ‘તું ચમાર છે, તમે માત્ર ટોઈલેટમાં પાણી ભરવાને લાયક છો!’
રતનકુમારે અગાઉ પણ બે વાર આપઘાતનો પ્રયત્ન કર્યો હતો
આ કેસનું સૌથી ગંભીર પાસુ એ છે કે રતનકુમારે અગાઉ બે વાર મરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ પ્રયાસ 28 જાન્યુઆરી 2026ના રોજ કર્યો હતો, જ્યારે તે પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન નીચે પડવા ગયો હતો પણ પોલીસે તેને બચાવ્યો હતો. તે સમયે પણ તેણે આ આરોપીઓના નામ આપ્યા હતા. જો કે, તે સમયે પોલીસે માત્ર કાઉન્સિલિંગ કરીને તેને પરિવારને સોંપી દીધો.
ત્યારબાદ રતનકુમાર જેસલમેર ગયો, ત્યાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો તે સમયે (જાન્યુઆરીમાં) પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એટ્રોસિટી એક્ટ અને રેગિંગ વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી હોત, તો કદાચ આજે રતનકુમાર આપણી વચ્ચે જીવિત હોત અને પરીક્ષા આપી રહ્યો હોત. પોલીસની ‘સમજાવટ’ અને ‘પરિવારની ફરિયાદ ન હોવાની’ દલીલે એક હોનહાર યુવાનનો ભોગ લીધો છે.
શિક્ષણ સંસ્થાઓમાં ચાલતા જાતિવાદે ફરી ફેણ માંડી
રતનકુમારના પિતા મોહનલાલ મેઘવાલ જેસલમેરમાં ઘડિયાળ રિપેરિંગનું નાનું કામ કરીને પોતાના એકના એક દીકરાને ભણાવતા હતા. એક ગરીબ પિતાએ પોતાના લોહીનું પાણી કરીને દીકરાને ડૉક્ટર બનાવવા મોકલ્યો, પણ તેને રાજકોટ એઈમ્સમાં જે મળ્યું તે હતું – જાતિવાદ, માનસિક પ્રતાડના અને છેલ્લે મોત. આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં હજુ પણ જાતિવાદી માનસિકતા કેટલી હદે હાવી છે? ભવિષ્યમાં જે લોકોએ માનવતાની સેવા કરવાની છે, તેવા મેડિકલ વિદ્યાર્થીઓ જ જો એક દલિત વિદ્યાર્થીને આપઘાત સુધી લઈ જાય, તો આ શિક્ષણ વ્યવસ્થા અને સમાજ માટે સૌથી મોટો પરાજય છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓ શરૂ થશે
યુજીસીના નવા નિયમો લાગુ થાય તે જરૂરી
હાલમાં એસીપી ચિંતન પટેલ આ મામલે બીએનએસની કલમ 108 (આપઘાત માટે દુષ્પેરણ), ૩(૫) અને એટ્રોસિટી એક્ટ(SC-ST ACT) હેઠળ ઊંડી તપાસ કરી રહ્યા છે. આરોપીઓ જેલમાંથી પરીક્ષા આપી રહ્યા છે, પણ બીજી બાજુ રતનકુમારનું ડૉક્ટર બનવાનું સપનું કાયમ માટે ચિતામાં હોમાઈ ગયું છે. આ કેસમાં માત્ર ધરપકડ પૂરતી નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળતા માનસિક ત્રાસ સામે એક કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.
રતનકુમારની 18 પેજની વ્યથા એ માત્ર એક યુવાનનો આક્રોશ નથી, પરંતુ સેંકડો વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયનો પડઘો છે. સુપ્રીમ કોર્ટે હાલ યુજીસી એક્ટના નવા નિયમો પર રોક લગાવી દીધી છે, જેના કારણે દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી છે. જે લોકો યુજીસીના નવા નિયમોનો વિરોધ કરી રહ્યાં છે તેમની સામે રતનકુમાર મેઘવાળનું ઉદાહરણ સામે છે.
આ પણ વાંચો: રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો














Aa loko Hindu jatankvadi ane aatankvadi ni paidash che tene college mathi dismissed karo ane kayam mate Doctor ni Degree mathi suspend karo ane ,,, manav vadh,,,, no guno Dakhal kari ne fanshi aapi ,, ya,,, aajivan jail ma nakhi,,,