સ્વીડનની યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગ સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત વી-ડેમ (Varieties of Democracy) ઇન્સ્ટિટ્યુટ દ્વારા તાજેતરમાં ‘ડેમોક્રેસી રિપોર્ટ ૨૦૨૬: અનરવેલિંગ ધ ડેમોક્રેટિક એરા’ શીર્ષક હેઠળનો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ અહેવાલ વિશ્વમાં લોકશાહીની વર્તમાન સ્થિતિનું અત્યંત ચિંતાજનક અને વિશ્લેષણાત્મક ચિત્ર રજૂ કરે છે. અહેવાલ મુજબ, 2025ના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે લોકશાહી દેશોની સરખામણીએ સરમુખત્યારશાહી શાસન ધરાવતા દેશોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ભારત માટે આ અહેવાલ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ભારત 2017થી સતત ‘ચૂંટણીલક્ષી સરમુખત્યારશાહી’ (Electoral Autocracy) ની કેટેગરીમાં સામેલ છે અને આ વર્ષે પણ તેને આ કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યું છે. આ રિપોર્ટ વિશ્વ સ્તરે લોકશાહીના વિવિધ પાસાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરે છે.
દુનિયાભરમાં લોકશાહી પર ખતરો
વી-ડેમ ઇન્સ્ટિટ્યુટના ડેટા અનુસાર, 2025ના અંત સુધીમાં વિશ્વમાં 92 એવા દેશો હતા જ્યાં સરમુખત્યારશાહી (Autocracy) શાસન પ્રવર્તી રહ્યું હતું, જ્યારે લોકશાહી વ્યવસ્થા ધરાવતા દેશોની સંખ્યા માત્ર 87 સુધી મર્યાદિત રહી હતી. આ આંકડા સ્પષ્ટ કરે છે કે હવે લોકશાહી દેશો લઘુમતીમાં આવી ગયા છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સરેરાશ વિશ્વના નાગરિક માટે લોકશાહીનું સ્તર હવે ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. 1974માં પોર્ટુગલથી શરૂ થયેલી ‘લોકશાહીકરણની ત્રીજી લહેર’ દરમિયાન જે વૈશ્વિક પ્રગતિ હાંસલ કરવામાં આવી હતી, તે હવે લગભગ સંપૂર્ણપણે ભૂંસાઈ ગઈ છે. વર્તમાન સમયમાં વિશ્વની આશરે 74% વસ્તી એટલે કે બહુમતી લોકો કોઈને કોઈ પ્રકારના સરમુખત્યારશાહી શાસન હેઠળ જીવન પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: કીર્તિ આઝાદે વર્લ્ડ કપ ટ્રોફી મંદિરે લઈ જવા બદલ ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને ‘લિબરલ ડેમોક્રેસી’ એટલે કે ઉદાર લોકશાહીની શ્રેણીમાં ગણવામાં આવ્યું નથી. અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકામાં પણ નિરંકુશ પ્રવૃત્તિઓ તેજ બની છે અને તે સરમુખત્યારશાહીની દિશામાં આગળ વધી રહ્યું છે.
વૈશ્વિક રેન્કિંગમાં ભારતનું પતન
ભારતને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા એવા દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે જ્યાં ‘ચૂંટણીલક્ષી સરમુખત્યારશાહી’ પ્રવર્તે છે. 2017માં ભારતને આ શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું અને 2026ના અહેવાલ મુજબ ભારત હજુ પણ તે જ સ્થિતિમાં છે. ભારતનું સ્થાન વિવિધ લોકશાહી સૂચકાંકોમાં સતત ગગડતું જોવા મળ્યું છે. 179 દેશોની યાદીમાં ભારત લિબરલ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં 105મા સ્થાને છે, જે અગાઉના વર્ષના 100મા સ્થાન કરતા નીચે ગયું છે. તેવી જ રીતે, ઇલેક્ટોરલ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત 106મા સ્થાને ફેંકાયું છે.
આ પણ વાંચો: જંગલેશ્વરમાં બુલડોઝર નીચે કચડાયાં ગરીબોનાં સપનાં, હજારો પરિવારો બેઘર

અન્ય મહત્વના પાસાઓની વાત કરીએ તો, લિબરલ કમ્પોનન્ટ ઇન્ડેક્સમાં ભારત 99મા સ્થાને, સમાનતાલક્ષી એટલે કે એગેલિટેરિયન કમ્પોનન્ટ ઇન્ડેક્સમાં 138મા સ્થાને અને ડિલિબરેટિવ કમ્પોનન્ટ ઇન્ડેક્સમાં 100મા સ્થાને છે. પાર્ટિસિપેટરી કમ્પોનન્ટ ઇન્ડેક્સમાં ભારત 83મા ક્રમે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતની લોકશાહીના પાયાના મૂલ્યોમાં વૈશ્વિક સ્તરે મોટી ઓટ આવી છે.
લોકશાહી સંસ્થાઓને સુનિયોજિત રીતે ખતમ કરાઈ રહી છે?
અહેવાલ મુજબ, ભારતમાં 2009થી શરૂ થયેલી લોકશાહી સંસ્થાઓના પતનની પ્રક્રિયા અત્યંત પદ્ધતિસર અને ધીમી ગતિએ ચાલી રહી છે. સત્તાધારી બહુલવાદ વિરોધી અને હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી તથા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકશાહી સંસ્થાઓ નબળી પડી હોવાના અનેક ઉદાહરણો રિપોર્ટમાં આપવામાં આવ્યા છે. જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયાની આઝાદીમાં નોંધપાત્ર ઘટાડો, સરકારની ટીકા કરનારા પત્રકારોની હેરાનગતિ, અને નાગરિક સમાજ તથા વિરોધ પક્ષો પર સતત વધતું જતું દબાણ મુખ્ય છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ભારત એવા દેશોમાં પણ સામેલ છે જ્યાં સંસદ દ્વારા સરકારના કાર્યોની અસરકારક તપાસ કરવાની ક્ષમતા સતત નબળી પડી રહી છે. ભારત અને અમેરિકા બંને દેશોમાં સક્રિય નાગરિક સમાજનું સ્તર પણ સતત ઘટી રહ્યું હોવાનું નોંધાયું છે.
દક્ષિણ અને મધ્ય એશિયામાં તાનાશાહીનો પ્રભાવ
દક્ષિણ અને મધ્ય એશિયામાં લોકશાહીના વલણો ખૂબ જ મિશ્ર રહ્યા છે, પરંતુ સરેરાશ નાગરિક માટે અહીં તાનાશાહીનું જોખમ સૌથી વધુ છે. અહેવાલ મુજબ આ પ્રદેશમાં માત્ર 2% લોકો જ લોકશાહીનો લાભ ઉઠાવી રહ્યા છે, જેઓ મુખ્યત્વે નેપાળ અને શ્રીલંકામાં વસે છે. જ્યારે અંદાજે 85% વસ્તી ભારત, પાકિસ્તાન અને કઝાકિસ્તાન જેવા દેશોમાં રહે છે જે ચૂંટણીલક્ષી સરમુખત્યારશાહી હેઠળ છે. 13% વસ્તી અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા પૂર્ણ સરમુખત્યારશાહી દેશોમાં રહે છે.
આ પણ વાંચો: ગટરની સફાઈ કરતા માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચ્યો
2025માં બાંગ્લાદેશ પણ આ પૂર્ણ સરમુખત્યારશાહીની શ્રેણીમાં સામેલ થઈ ગયું છે. શ્રીલંકા આ ક્ષેત્રનો એકમાત્ર દેશ છે જે લોકશાહીકરણ તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે ભારત, અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન અને પાકિસ્તાન એવા ચાર દેશો છે જે તાનાશાહી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આ રિપોર્ટ બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વરણી પહેલા તૈયાર થયો હોવા છતાં ત્યાંની સ્થિતિ અંગે સચોટ અંદાજ આપે છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયા સેન્સરશિપ
અહેવાલના સૌથી ગંભીર નિષ્કર્ષોમાંનો એક એ છે કે વિશ્વભરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે. 2025માં વિશ્વના 44 દેશોમાં આ આઝાદીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ જણાવે છે કે મીડિયા સેન્સરશિપ એ નિરંકુશતા તરફ વધતી સરકારોનું એક મુખ્ય હથિયાર બની ગયું છે. વિશ્વના 32 દેશો એટલે કે લગભગ 73% એવા છે જ્યાં સરકારો મીડિયા પર નિયંત્રણ અને સેન્સરશિપનો બેરોકટોક ઉપયોગ કરી રહી છે. 22 દેશોમાં પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ મીડિયામાં જોવા મળતા વિવિધ દ્રષ્ટિકોણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યા છે, જ્યારે 21 દેશોમાં સરકારના નિર્ણયોની ટીકાત્મક સમીક્ષા કરવાની પ્રક્રિયા પણ નબળી પડી છે. આ યાદીમાં અમેરિકાનું નામ પણ સામેલ છે, જે એક સમયની મજબૂત લોકશાહીના પતન તરફ ઈશારો કરે છે.
ભાવિ સંકેતો ખૂબ જ ખતરનાક
વી-ડેમ ઇન્સ્ટિટ્યુટનો 2026નો આ અહેવાલ વૈશ્વિક લોકશાહી માટે લાલબત્તી સમાન છે. 2025માં લોકશાહી સાથે જોડાયેલા વૈશ્વિક સૂચકાંકો ફરીથી 1976ના સ્તર સુધી પાછા ગયા છે. વિશ્વનો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ હોવાને કારણે ભારત આ વૈશ્વિક લોકશાહી પતનમાં સૌથી મહત્વની અને મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં વધતી જતી સરમુખત્યારશાહી પણ લોકશાહીના નબળા પડવામાં મોટો ફાળો આપી રહી છે.
પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ સરેરાશ નાગરિકો માટે લોકશાહીનું સ્તર છેલ્લા 50 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. 2025માં અમેરિકા સહિત 10 નવા દેશોની ઓળખ કરવામાં આવી છે જે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે. મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેતા પહેલા જાહેર પરામર્શ અને જાહેર વિચારવિમર્શની પ્રક્રિયા પણ દુનિયાભરમાં મર્યાદિત થઈ રહી છે, જે લોકશાહીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!











