શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો

શું ધર્મ બદલવાથી વર્ષો જૂની જાતિ અને તેના પર થતા અત્યાચારો અટકી જાય છે? જાણો સુપ્રીમ કોર્ટે દલિતમાંથી ખ્રિસ્તી પાદરી બનેલી વ્યક્તિને SC દરજ્જો કેમ ન આપ્યો.
religion will end SC status says Supreme Court

સુપ્રીમ કોર્ટે એક કેસમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયનો અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તેનો અનુસૂચિત જાતિ (SC) તરીકેનો દરજ્જો તાત્કાલિક અસરથી સમાપ્ત થઈ જાય છે. જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશને માન્ય રાખતા જણાવ્યું હતું કે બંધારણીય જોગવાઈઓ મુજબ જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને પાદરી બની ગઈ હોય, તે અનુસૂચિત જાતિ માટેના આરક્ષણ કે અત્યાચાર નિવારણ ધારા (SC/ST Act) હેઠળ મળતી સુરક્ષાનો હકદાર રહેતી નથી. જો કે, આ ચૂકાદો આપતી વખતે કોર્ટે એક મહત્વની બાબતને અવગણી હોય તેમ જણાય છે.

કાયદાકીય મર્યાદાઓ અને બંધારણીય આદેશ 1950

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં બંધારણ (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950 ના ક્લોઝ 3નો ઉલ્લેખ કર્યો હતો. આ કાયદાકીય જોગવાઈ અત્યંત સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર એવા જ લોકોને મળી શકે છે જેઓ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. કોર્ટે અવલોકન કર્યું કે એકવાર વ્યક્તિ અન્ય ધર્મમાં પરિવર્તિત થાય છે ત્યારે તે આપોઆપ તે વિશેષાધિકારો ગુમાવે છે જે તેને અગાઉની ધાર્મિક ઓળખના આધારે મળ્યા હતા. આ મામલામાં અરજદારે દલીલ કરી હતી કે તેની પાસે સત્તાવાર જાતિ પ્રમાણપત્ર છે, પરંતુ અદાલતે તેને નકારી કાઢી હતી. અદાલતના મતે વ્યક્તિ એકસાથે બે વિરોધાભાસી ઓળખ જાળવી શકતી નથી. જો કોઈ ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે, તો તે જાતિના આધારે મળતા કાયદાકીય લાભોનો દાવો કરવા માટે સક્ષમ નથી.

આ પણ વાંચો: દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી

સામાજિક વાસ્તવિકતા કાયદાની ભાષા કરતા અલગ!

કોર્ટનો ચુકાદો ભલે કાયદાના અક્ષરશઃ પાલન પર આધારિત હોય, પરંતુ તેની પાછળની સામાજિક વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ભારત જેવા દેશમાં જાતિવાદ અને અસ્પૃશ્યતા એ માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ એક ઊંડે ઉતરેલું સામાજિક અનિષ્ટ છે. ઘણીવાર દલિત સમાજના લોકો જાતિવાદના ડંખ અને અસ્પૃશ્યતાના અપમાનથી બચવા માટે ધર્મ પરિવર્તનનો માર્ગ પસંદ કરે છે. જોકે, કડવી વાસ્તવિકતા એ છે કે ધર્મ બદલ્યા પછી પણ સામાજિક દ્રષ્ટિકોણ બદલાતો નથી. કથિત સવર્ણ માનસિકતા ધરાવતા તત્વો તે વ્યક્તિને તેના નવા ધર્મથી નહીં, પણ તેની જૂની જાતિ ઓળખથી જ ઓળખે છે અને તેની સાથે તેવો જ પૂર્વગ્રહયુક્ત વ્યવહાર ચાલુ રાખે છે.

ધર્મ પરિવર્તન કર્યા પછી પણ ભેદભાવ યથાવત રહે તો?

આ કેસમાં પીડિત વ્યક્તિ ખ્રિસ્તી બનીને પાદરી બન્યો હતો, તેમ છતાં તેની સામે જાતિગત નિવેદનો અને ઉત્પીડન કરવામાં આવ્યું હતું. આ ઘટના સાબિત કરે છે કે અત્યાચાર કરનાર માટે પીડિતનો નવો ધર્મ ગૌણ છે અને તેની મૂળ જાતિ જ મુખ્ય નિશાન છે. જ્યારે અદાલત કાયદાકીય ટેકનિકલ કારણોસર આવી વ્યક્તિને SC/ST એક્ટ હેઠળ રક્ષણ આપવાનો ઈનકાર કરે છે, ત્યારે તે વ્યક્તિ એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. તે નવા ધર્મમાં ગયા પછી પણ સામાજિક સ્તરે ‘અસ્પૃશ્ય’ જ રહે છે, પરંતુ કાયદાની નજરમાં તે હવે ‘સુરક્ષિત’ રહેતી નથી. આ સ્થિતિમાં બંધારણીય રક્ષણનું જે કવચ છે તે છીનવાઈ જવાથી સામાજિક અન્યાય સામે લડવાની પીડિતની શક્તિ નબળી પડે છે.

આ પણ વાંચો: કબૂતરોને દાણાં ખવડાવનારાઓ સામે એફઆઈઆર નોંધો: સુપ્રીમ કોર્ટ

ધર્મ બદલતા સામાજિક રક્ષણ ગુમાવવાની શરત કેમ?

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભવિષ્યમાં ધર્મ પરિવર્તનને લગતા ઘણા વિવાદો ઊભા કરી શકે છે. એક તરફ બંધારણ ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે, તો બીજી તરફ ધર્મ બદલતાની સાથે જ સામાજિક રક્ષણ ગુમાવવાની શરત મૂકે છે. જો કોઈ વ્યક્તિ પર (દલિત, આદિવાસી)જાતિના આધારે જ હુમલો થયો હોય, તો માત્ર તેનો ધર્મ બદલાયો હોવાથી તેને ન્યાય ન મળવો તે નૈતિક રીતે ચર્ચાનો વિષય છે.

તાર્કિક રીતે જોઈએ તો, જ્યાં સુધી સમાજમાંથી જાતિવાદી માનસિકતા નાબૂદ ન થાય ત્યાં સુધી માત્ર ધર્મ બદલવાથી ભેદભાવ અટકતો નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે એ પ્રશ્ન વધુ પ્રબળ બન્યો છે કે શું માત્ર કાયદાકીય જોગવાઈઓ સામાજિક સમાનતા લાવવા માટે પૂરતી છે ખરી?

આ પણ વાંચો: ‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x