આપણા દેશમાં પોલીસની છાપ સામાન્ય માણસમાં રક્ષક કરતા ભક્ષકની વધુ છે. પોલીસની આવી છાપ શા માટે છે તેની સાબિતી આપતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસે રક્ષક બનવાને બદલે ભક્ષક બનીને એક દલિત વરરાજાની જાન પર લાઠીચાર્જ કરીને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વરરાજા સહિત અનેક જાનૈયાઓ ઘાયલ થઈ ગયા હતા.
મામલો મધ્યપ્રદેશના કટની જિલ્લાના કુઠલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રાનગરનો છે. અહીં એક દલિત યુવકના લગ્ન હતા, એક તરફ જ્યાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા ત્યાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. દલિત ચૌધરી સમાજના લગ્ન પ્રસંગમાં પોલીસ અને જાનૈયાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પોલીસે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી.

ખુશીનો માહોલ માતમના માહોલમાં ફેરવાયો
મળતી માહિતી મુજબ, મૈહર જિલ્લાના અમદરા ગામથી એક જાન કટનીના ઇન્દ્રા નગર આવી હતી. લગ્નની વિધિ પૂર્વે જ્યારે જાન રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને જાનૈયાઓ ડીજેના તાલે નાચતા-ગાતા લગ્ન મંડપે જઈ રહ્યા હતા, ત્યારે કોઈ બાબતે પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે પોલીસકર્મીઓએ જાનૈયાઓ પર લાકડીઓથી હુમલો કરી દીધો હતો. પોલીસે જાનૈયાઓને ગુનેગારની જેમ રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો, જેમાં જાનૈયાઓ ઉપરાંત કન્યા પક્ષના લોકો પણ લોહીલુહાણ થયા હતા.
આ પણ વાંચો: સાધુએ પાંચ વર્ષ સુધી મહિલાને સાથે રાખીને શોષણ કર્યું
પોલીસના હુમલામાં વરરાજા ઘાયલ થયા
આ હિંસક ઘટનામાં આશ્ચર્યજનક બાબત એ છે કે પોલીસે વરરાજાને પણ નહોતા છોડ્યા. જ્યારે વરરાજાએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસકર્મીઓએ તેમના પર પણ લાઠીઓ ચલાવી હતી. કન્યા પક્ષના આકાશ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે પહેલા રસ્તા પર માર માર્યો અને ત્યારબાદ ઘરે આવીને પણ તોડફોડ અને હુમલો કર્યો હતો. પોલીસની આ હેવાનિયતને કારણે લગ્ન પ્રસંગ અધવચ્ચે અટકી ગયો હતો અને પરિવારે પોલીસ અધિક્ષક (SP) કચેરીએ ન્યાયની ગુહાર લગાવી હતી.
પોલીસનો બચાવ: જાનૈયા નશામાં હતા, પથ્થરમારો કર્યો
આ ઘટના અંગે કટનીના એડિશનલ એસપી ડો. સંતોષ ડહરિયાએ પોલીસનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, જાનૈયાઓ નશામાં ધૂત હતા અને મોડી રાત સુધી હાઈ ડેસિબલ પર ડીજે વગાડી રહ્યા હતા. પડોશીઓની ફરિયાદ પર જ્યારે 112 ડાયલની ટીમ ત્યાં પહોંચી, ત્યારે જાનૈયાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસની બર્બરતા સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસના દાવાઓ પર સવાલ ઉઠાવે છે.

આ પણ વાંચો: મંદબુદ્ધિ દલિત યુવકને ટોળાએ ઘઉં ચોરીના આરોપમાં ઝાડ સાથે બાંધીને માર્યો
પીડિત પક્ષના ગંભીર આક્ષેપો
વરરાજાના ભાઈ અજય ચૌધરીએ જણાવ્યું કે પોલીસે માત્ર મારામારી જ નથી કરી, પરંતુ જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રક્ષકો જ જ્યારે ભક્ષકો બનીને સામાન્ય નાગરિકો પર તૂટી પડે ત્યારે કાયદો અને વ્યવસ્થાનું શું તે સવાલ છે. હાલમાં આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉમરગામના મામલતદારે ‘મોટા માથાઓના’ દબાણથી આપઘાત કર્યો?











