ગુજરાતની હિંદુ રાષ્ટ્રમાં માનતી ભાજપની સરકાર કઈ હદે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના હોનહાર યુવાનોને તેમના હકોથી વંચિત રાખવા કાવાદાવા કરે છે તેની આ ઘટના સાબિતી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહિલા અનામત સંદર્ભે બહાર પાડવામાં આવેલા એક વિવાદાસ્પદ પરિપત્રના કારણે વર્ષો સુધી અન્યાયનો ભોગ બનેલી ત્રણ બહુજન યુવતીઓને આખરે કાયદાકીય ન્યાય મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આ ત્રણેય યુવતીઓને આગામી 6 અઠવાડિયામાં સરકારી નોકરી પર હાજર કરવાનો રાજ્ય સરકારને કડક હુકમ કર્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 1 ઓગસ્ટ, 2018ના રોજ બહાર પાડવામાં આવેલા રાજ્ય સરકારના એક જીઆર (GR) થી થઈ હતી. આ પરિપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે SC, ST અને OBC કેટેગરીની મહિલા ઉમેદવારો વધુ માર્ક્સ ધરાવતી હોય અને ઓપન મેરિટમાં સ્થાન મેળવવા પાત્ર હોય, તેમ છતાં તેમને ઓપન કેટેગરીમાં સમાવવાને બદલે માત્ર અનામત બેઠકો પર જ મર્યાદિત રાખવામાં આવશે.

આ પણ વાંચો: આદિવાસી દીકરીએ ખેતરમાં મજૂરી કરીને દેશની સૌથી અઘરી પરીક્ષા JEE પાસ કરી
સરકારની આ મનસ્વી નીતિને કારણે સેનેટરી ઈન્સપેક્ટરની ભરતી પ્રક્રિયામાં અંકિતા પરમાર, રમીલા વાઘેલા અને સુધા વરણ નામની ત્રણ પ્રતિભાશાળી યુવતીઓ લાયકાત હોવા છતાં નોકરીથી વંચિત રહી ગઈ હતી. આ વિવાદાસ્પદ પરિપત્ર સામે તે સમયે રાજ્યભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયા હતા અને દલિત, આદિવાસી તથા બક્ષીપંચ સમાજની દીકરીઓને થતા અન્યાય સામે ગાંધીનગરમાં પરિપત્રની નકલો સળગાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મામલો હાઈકોર્ટમાં પહોંચતા અગાઉ કોર્ટે આ પરિપત્રને રદ કર્યો હતો, જેના પગલે રાજ્ય સરકારે નમતું જોખીને 2 સપ્ટેમ્બર, 2020ના રોજ નવો પરિપત્ર જાહેર કરી તમામ અનામત વર્ગના ઉમેદવારોને ઓપન મેરિટમાં પ્રવેશ આપવાની ખાતરી આપી હતી. જોકે, જે તે સમયે અન્યાયનો ભોગ બનેલી આ ત્રણ યુવતીઓએ પોતાની હકની નોકરી મેળવવા માટે 6 વર્ષ સુધી લાંબી કાનૂની લડત ચાલુ રાખી હતી.
આ પણ વાંચો: દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો

હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને નિર્દેશ આપ્યો છે કે તેઓ આગામી બે અઠવાડિયામાં આ ત્રણેય યુવતીઓની તરફેણમાં સરકાર સમક્ષ સત્તાવાર ભલામણ કરે. સાથોસાથ, રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે હુકમના 6 અઠવાડિયાની અંદર આ ત્રણેય દીકરીઓને ફરજ પર હાજર કરી દેવામાં આવે. કોર્ટે પીડિત યુવતીઓની તરફેણમાં વધુમાં જણાવ્યું છે કે આ ત્રણેય અરજદારોની નોકરીમાં સિનિયોરિટી પણ તેમની મૂળ ભરતીના સમયથી જ ગણવામાં આવે, જેથી તેમને પાછલા વર્ષોના લાભો મળી શકે.
આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે સરકારી પરિપત્રોના ખોટા અર્થઘટન અને મનસ્વી અમલીકરણને કારણે લાયક ઉમેદવારોએ વર્ષો સુધી માનસિક અને આર્થિક યાતના ભોગવવી પડી છે. 6 વર્ષના લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીત બહુજન સમાજની મહિલા ઉમેદવારોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
આ પણ વાંચો: જન્મ સમયે ‘પથ્થર’ કહી ધિક્કારી હતી, તે દલિત દીકરી પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની











