ગાંધીનગરમાં આવતીકાલે દલિત સાહિત્યપ્રેમીઓ માટે એક વિશેષ બૌદ્ધિક અને સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “ગ્રંથ-પ્રત્યક્ષ” ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં દલિત સમાજના દિગ્ગજ લેખકો, કવિઓ ઉમટી પડશે. કાર્યક્રમ તારીખ 27/06/2026, શનિવારના રોજ સાંજે 5:30 કલાકે સમિતિ ખંડ, ડૉ. આંબેડકર ભવન, સેક્ટર-12, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં દલિત સાહિત્યના બે મહત્વના પુસ્તકો પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા અને વક્તવ્ય રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ જાણીતા પ્રાધ્યાપક, લેખક અને વિવેચક ડૉ. રાજેશ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બે પ્રમુખ દલિત કૃતિઓ પર આધારિત વિવેચન પ્રક્રિયા રહેશે. જેમાં પ્રથમ વક્તવ્ય રામ જાસપુરાની જાણીતી દલિત લઘુનવલ “અંતવિહીન અંત” વિશે ડૉ. મહેશ જાદવ (અધ્યાપક, લેખક અને વિવેચક) દ્વારા આપવામાં આવશે. જ્યારે બીજા સત્રમાં સાહિલ પરમારના દલિત કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’ વિશે પ્રખર વક્તા ચંદુ મહેરિયા પોતાનું વક્તવ્ય રજૂ કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું
કાર્યક્રમ દરમિયાન જે પુસ્તકોની સમીક્ષા થવાની છે, તે બંને પુસ્તકોના સર્જકો એટલે કે સાહિલ પરમાર અને રામ જાસપુરા પોતે ઉપસ્થિત રહીને પોતાના પ્રતિભાવો વ્યક્ત કરશે. આ સમગ્ર સાહિત્યિક ગોષ્ઠીનું સંચાલન ચીમનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગની અન્ય એક વિશેષતા એ છે કે ઉપસ્થિત વાચકો અને સાહિત્યરસિકો માટે સમીક્ષિત પુસ્તકો અડધી કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ આયોજનના નિમંત્રક મંડળમાં ઉલ્કા પરમાર, ચીમનભાઈ રાઠોડ, ચંદુ મહેરિયા, નીરજ ગામીત, યોગેન્દુ ચૌહાણ અને વિરાગ સુતરિયાનો સમાવેશ થાય છે. આયોજકો દ્વારા જાહેર જનતા અને સાહિત્ય જગતના મહાનુભાવોને આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા આગ્રહભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ વિગતો માટે 98246 80410 નંબર પર કોલ કરીને જાણકારી મેળવી શકાશે.
આ પણ વાંચોઃ Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’ માંથી દલિત સાહિત્યકારોના નામ ગાયબ












