ગાંધીનગરમાં માનવ અધિકાર આયોગનું ઓપન હિયરિંગ યોજાશે

ગુજરાતમાં માનવ અધિકાર ભંગના કેસોની ઝડપી સુનાવણી માટે NHRC દ્વારા 2 અને 3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે. ગુજરાતભરના દલિતો, પીડિતોની નજર તેના પર.
NHRC open hearing to be held in Gandhinagar
NHRC open hearing to be held in Gandhinagar

ગુજરાતમાં માનવ અધિકારના ઉલ્લંઘન અંગે નોંધાયેલી ફરિયાદો અને ગંભીર કેસોની સીધી સુનાવણી કરવા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા તા. 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ ગાંધીનગર ખાતે બે દિવસીય કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુનાવણી સેક્ટર-9, ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ના પરિસરમાં યોજાશે. NHRC દ્વારા સંબંધિત સરકારી અધિકારીઓ, પોલીસ તંત્રના પ્રતિનિધિઓ તેમજ ફરિયાદી અને પીડિત પક્ષકારોને આ સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

પીડિતો અને અધિકારીઓ સામસામે હશે

આ ઓપન હિયરિંગનો મુખ્ય હેતુ રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા પીડિતોને આયોગ સમક્ષ પોતાની આપવીતી સીધી રજૂ કરવાની તક આપવાનો છે. સામાન્ય રીતે માનવ અધિકાર ભંગના કેસોમાં સરકારી અને પોલીસ તંત્ર તરફથી અહેવાલો મેળવવામાં વિલંબ થતો હોય છે, પરંતુ આ બે દિવસીય કેમ્પ સિટિંગમાં ફરિયાદી અને જવાબદાર અધિકારીઓ સામસામે હશે. આયોગે સંબંધિત સરકારી અને પોલીસ વિભાગોને તમામ કેસોના વધારાના તથા સંપૂર્ણ અહેવાલો તા. 2 સપ્ટેમ્બર 2026 સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. આનાથી પીડિતોને રાહત, યોગ્ય વળતર, પુનર્વસન અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી જેવા મુદ્દાઓ પર સ્થળ પર જ ઝડપી નિર્ણય લેવામાં મદદ મળશે.

પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરી

આ બે દિવસીય સુનાવણી દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી માનવ અધિકાર ભંગ અંગે નોંધાયેલા કેસોની સમીક્ષા કરવામાં આવશે. આ કાર્યક્રમને સુચારુરૂપે પાર પાડવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. લીના પાટીલ (IPS): નિયામક, ગુજરાત પોલીસ અકાદમી (કરાઈ) મુખ્ય નોડલ અધિકારી તરીકે સેવા આપશે. ડી.પી. ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) સહાયક નોડલ અધિકારી તરીકે કામગીરી સંભાળશે. ક્ષિતિજ જે. પુરોહિત, અન્ડર સેક્રેટરી (માનવ અધિકાર) સહાયક નોડલ અધિકારી તરીકે ફરિયાદીઓને સહાય પૂરી પાડશે.

આ અધિકારીઓની ટીમ ફરિયાદીઓ અને પીડિતો સાથે સંકલન સાધીને તેમને સુનાવણીના સ્થળે સુરક્ષિત અને સરળ રીતે પહોંચવામાં મદદ કરશે, જેથી કોઈ પણ પીડિત પોતાની રજૂઆત કરવામાંથી વંચિત ન રહી જાય.

આ પણ વાંચોઃ એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો

અગાઉના કેમ્પ સિટિંગનો ઈતિહાસ અને SC/ST કેસો

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અગાઉ પણ ગુજરાતમાં આ પ્રકારની કેમ્પ સિટિંગનું આયોજન કરી ચૂક્યું છે. આયોગની સત્તાવાર નોંધ અનુસાર, વર્ષ 2018 માં પણ ગાંધીનગર ખાતે બે દિવસીય ઓપન હિયરિંગ યોજાયું હતું. તે સમયે ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજ પર થયેલા અત્યાચારો અને માનવ અધિકાર ભંગની ફરિયાદો અંગે મોટા પાયે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે સુનાવણી દરમિયાન રાજ્ય અને જિલ્લા સ્તરના ઉચ્ચ વહીવટી અધિકારીઓને સ્થળ પર જ બોલાવીને અનેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 2026 ની આ બેઠક પણ અગાઉની જેમ જ પીડિતો માટે ન્યાય મેળવવાનું સશક્ત માધ્યમ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર કરશે રજૂઆત

ગુજરાતમાં દલિતો, શ્રમિકો અને વંચિત સમુદાયોના હક્કો માટે સતત લડત આપતા જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર પણ આ ઓપન હિયરિંગમાં સક્રિયપણે ભાગ લેશે. કાંતિલાલ પરમાર દ્વારા અગાઉ આયોગ સમક્ષ ગુજરાતમાં બનેલી માનવ અધિકાર ઉલ્લંઘનની અનેક ગંભીર ઘટનાઓ અંગે આધારભૂત પુરાવા સાથે ફરિયાદો નોંધાવવામાં આવી છે.

NHRC તરફથી મળેલી સત્તાવાર ઈ-મેઈલ અને પત્રોના આધારે તેઓ સેપ્ટેમ્બર 2 અને 3 ના રોજ NFSU ખાતે હાજર રહીને પીડિતો વતી ધારદાર રજૂઆતો કરશે. તેઓ મુખ્યત્વે પીડિતોને આર્થિક સહાય, કાનૂની ન્યાય, જવાબદાર પોલીસ કે સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય અને કાનૂની કાર્યવાહી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગ કરશે.

સમગ્ર રાજ્યની નજર NHRC ના નિર્ણય પર

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સરકારી તંત્ર અને પોલીસની અન્યાયી કાર્યવાહી સામે આયોગના દરવાજા ખખડાવનારા સેંકડો પીડિતો માટે આ બે દિવસીય આયોજન આશાનું કિરણ બનીને આવ્યું છે. રાજ્ય વહીવટી તંત્ર દ્વારા માનવ અધિકાર ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અને દાવાઓની સત્યતા પણ આ ઓપન હિયરિંગમાં પરખાશે. ફરિયાદી અને વહીવટી પક્ષ વચ્ચેની આ સીધી સુનાવણી બાદ NHRC દ્વારા કેસવાર શું આકરા આદેશો આપવામાં આવે છે તેના પર હવે સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે.

આ પણ વાંચોઃ કલમ 144 નો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x