મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આવેલા બિરસા વિકાસખંડના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીનો અત્યંત ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના અંતરિયાળ ગામડાઓમાં વિશેષ પછાત ગણાતી બૈગા જનજાતિના આશરે 24 જેટલા માસૂમ બાળકોના ઓરી (ખસરા), મલેરિયા અને સિવિયર એક્યુટ ન્યુટ્રિશન એટલે કે ગંભીર કુપોષણ જેવી બીમારીઓના કારણે અકાળે મોત નિપજ્યા છે.
આ ગોઝારી ઘટનાને પગલે બાલાઘાટ જિલ્લાથી લઈને રાજ્યના પાટનગર ભોપાલ સુધીના ઉચ્ચ સરકારી અને આરોગ્ય વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. સ્થાનિક રહીશો અને પીડિત પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગામડાઓમાં હજુ પણ બીમારીનો કહેર યથાવત છે અને અનેક બાળકો ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાક આંકડાઓ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.

આદિવાસી સમાજનો ઉગ્ર આક્રોશ અને 1 કરોડના વળતરની માંગ
આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકોના મોત થતાં સ્થાનિક સર્વ આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાના વિરોધમાં રવિવારે સાંજે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના પ્રતિનિધિઓ જોડ્રાયા હતા.
આ પણ વાંચો: જંતર-મંતર વાળા પાણી ભરે! આ સ્કૂલના વિદ્યાર્થીઓએ એવો વિરોધ કર્યો
આદિવાસી મહિલા પ્રતિનિધિ સંદેશ સૈયામે પ્રશાસનિક નિષ્ક્રિયતા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આદિવાસીઓના કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય સુધારણા માટે દર વર્ષે સરકાર દ્વારા લાખ્ખો-કરોડો રૂપિયાનું ફંડ મંજૂર કરવામાં આવે છે. આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં વાસ્તવિકતા એ છે કે આદિવાસી વિસ્તારો પાયાની તબીબી સુવિધાઓ અને વિકાસથી આજે પણ વંચિત છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન આદિવાસી સમાજે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ ઘટના માટે જવાબદાર એવા તમામ આરોગ્ય અધિકારીઓ અને કાનૂની બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે તાત્કાલિક અસરથી સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ, પીડિત પરિવારોને તાત્કાલિક રાહત સ્વરૂપે 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 1 કરોડ રૂપિયાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

આંકડાઓની માયાજાળ અને તંત્રનો નિષ્ફળ બચાવ
બીમારીનો ભોગ બનેલા 24 માસૂમોમાં ગ્રામ પંચાયત અડોરીના બોંદારી, કોહનીમોડટોલા, પટેલટોલા, કોંડેકસા, મછુરદાના માતલા, ગઠિયા, લાલપુરના તેંદૂડીહ અને ઘુમ્મુર પંચાયતના ખેડટોલા તેમજ કોડબીરકોના જેવા અત્યંત દુર્ગમ વિસ્તારોના બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શિક્ષણ સંસ્થાઓ ‘વિદ્યાર્થી’ નહીં, ‘અનુયાયી’ તૈયાર કરી રહી છે
આટલા ભયાનક સ્તરે બાળકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં, સરકારી તંત્ર અને પ્રશાસન પોતાની ઉઘાડી પડી ગયેલી નિષ્ફળતા છુપાવવા માટે આંકડાકીય રમત રમી રહ્યું છે. અધિકારીઓ માત્ર 8 બાળકોના મોત જ ઓરી કે અન્ય બીમારીના કારણે થયા હોવાનું સત્તાવાર રીતે સ્વીકારી રહ્યા છે.
જ્યારે બાકીના 16 જેટલા બાળકોના મોત પાછળ આનુવંશિક બીમારીઓ કે અન્ય કુદરતી કારણો આગળ ધરીને પોતાનો બચાવ કરી રહ્યા છે. તંત્રનો આ દાવો અને બેદરકારીભર્યું વલણ ગ્રામજનોના આક્રોશમાં વધુ બળતણ પૂરું પાડી રહ્યું છે, જ્યારે વિસ્તારમાં વ્યાપક તબીબી કેમ્પ યોજીને રોગચાળો કાબૂમાં લેવાની માગ તીવ્ર બની છે.
આ પણ વાંચો: RDAMના રાજ્ય સહ કન્વીનર તરીકે કિરીટ રાઠોડની નિમણૂક











