બીજાનું ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ ખુદ દુબઈમાં ફસાઈ ગયા!

દુબઈમાં આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં ભાગ લેવા ગયેલા ભારતના જ્યોતિષીઓ ખુદનું ભવિષ્ય ન ભાખી શક્યા. યુદ્ધના કારણે દુબઈમાં ફસાયા.
Astrologers were stranded in Dubai

જ્યોતિષ એક છેતરપિંડીથી વિશેષ કશું નથી-આવું બૌદ્ધિકો વારંવાર કહે છે તેમ છતાં ભોળાં લોકો તેની જાળમાં ફસાઈ જતા હોય છે. પરંતુ હવે ખુદ જ્યોતિષીઓ જ પોતાનું ભવિષ્ય ભાખી શકતા નથી તેની સાબિતી આપતો એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 28મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં ભાગ લેવા માટે ભારતમાંથી અનેક જ્યોતિષીઓ દુબઈ ગયા હતા. આ જ્યોતિષીઓમાં મહાકાલ મંદિરના પૂજારી સહિત રાજસ્થાન સહિતના રાજ્યોના અનેક જ્યોતિષીઓ સામેલ હતા.

આ જ્યોતિષીઓ લોકોનું ભવિષ્ય ભાખવાના મસમોટા દાવાઓ કરે છે, પરંતુ હવે તેઓ ખુદ ઈઝરાય-ઈરાન યુદ્ધના કારણે દુબઈમાં ફસાઈ ગયા છે. આમ જેઓ લોકોના ભવિષ્ય ભાખવાના દાવાઓ કરે છે, તેઓ પોતે પોતાનું ભવિષ્ય ભાખી શક્યા નહોતા. હાલ તેઓ દુબઈ એરપોર્ટના ધક્કા ખાઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ક્યારે ભારત પરત ફરશે તે વિશે પણ કશું ભવિષ્ય ભાખી શકે તેવી સ્થિતિમાં નથી.

ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પણ ફસાયા

રાજસ્થાનના ડીગ જિલ્લાના તરોડરના જ્યોતિષી રંગનાથ શર્મા હાલમાં દુબઈની એક આલીશાન હોટલના રૂમમાં બેસીને પોતાની હસ્તરેખાઓ અને નસીબના ગ્રહો ઉકેલી રહ્યા છે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે. રંગનાથ શર્મા અને તેમની સાથે ગયેલા ભારતના અન્ય ‘નામી-અનામી’ જ્યોતિષીઓ, જેમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના મુખ્ય પૂજારી વિકાસ શર્મા પણ સામેલ હતા, તેઓ હવે દુબઈમાં “સરકારી મહેમાન” અથવા તો કહો કે “યુદ્ધબંદી” બનીને રહી ગયા છે.

આ પણ વાંચો: ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે 

જ્યોતિષ શાસ્ત્રની પોલ ખૂલી ગઈ

આ ઘટનાએ જ્યોતિષશાસ્ત્ર નામના કથિત વિજ્ઞાન અને તેના કથિત દાવાઓની પોલ ખોલી નાખી છે. જે લોકો સામાન્ય માણસને “તમારા પર શનિની પનૌતી છે” અથવા “આવતા રવિવારે તમારો અકસ્માત યોગ છે” તેમ કહીને ડરાવીને હજારો રૂપિયા ખંખેરે છે, તેઓને ખુદને ખબર નહોતી કે તેમની પોતાની કુંડળીમાં ‘દુબઈ પ્રવાસ’ પછી ‘દુબઈ જેલ’ ના યોગ લખાયેલા છે! આ જ્યોતિષીઓ દુનિયાભરના ગ્રહોની ચાલ સમજાવતા હતા, પણ પોતાના જ ગ્રહો ક્યારે આડા ચાલશે તેની તેમને ગંધ સુદ્ધાં ન આવી.

ભવિષ્ય જાણવાનો દાવો અને વાસ્તવિકતાનું અંતર

જ્યોતિષ એ વિજ્ઞાન નહીં, પણ તર્કહીન અંધશ્રદ્ધા અને એક ચોક્કસ વર્ગ દ્વારા ચલાવવામાં આવતો નર્યા જૂઠનો વેપાર છે. દુબઈમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં દેશ-વિદેશના સેંકડો પંડિતો ભેગા થયા હતા. ત્યાં મોંઘીદાટ ફી વસૂલીને ભવિષ્યવાણીઓના થોથાં વંચાયા હશે. ટેબલ પર પંચાંગ ફેરવીને પૃથ્વીના વિનાશથી લઈને વ્યક્તિના લગ્ન સુધીની આગાહીઓ કરનારા આ ‘મહાનુભાવો’ ને એ વાતની જરાય ખબર નહોતી કે 1લી માર્ચે યુદ્ધની જાહેરાત થશે અને તેમની રિટર્ન ફ્લાઈટ કેન્સલ થઈ જશે.

સવાલ એ થાય છે કે, શું આ જ્યોતિષીઓના પંચાંગમાં ‘યુદ્ધ’ નામનો કોઈ શબ્દ જ નહોતો? શું તેમના ઈષ્ટદેવ કે ગ્રહોએ તેમને અગાઉથી ચેતવણી નહોતી આપી?

જો આ લોકો ખરેખર ત્રિકાળજ્ઞાની હોય, તો 28 ફેબ્રુઆરીએ જ્યારે આખું વિશ્વ તણાવમાં હતું, ત્યારે આ લોકો દુબઈની ફ્લાઈટ પકડવા નીકળ્યા જ કેમ? સત્ય તો એ છે કે, જ્યોતિષીઓ માત્ર ગરીબ અને ભોળા લોકોના ખિસ્સા હળવા કરવાની કળા જાણે છે. જ્યારે કુદરતી આફત કે યુદ્ધ જેવી વાસ્તવિક સ્થિતિ આવે છે, ત્યારે આ પંડિતોના ગ્રહો જાણે કોમામાં જતા રહે છે.

આ પણ વાંચો: ‘તમારી દીકરીના પેટમાં જિન્નનું બાળક છે, કાઢવું પડશે..’

બ્રાહ્મણવાદ અને જ્યોતિષનો ધંધો

ભારતમાં સદીઓથી જ્યોતિષના નામે સામાન્ય જનતાને મૂર્ખ બનાવવાની એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેનું નેતૃત્વ મોટાભાગે બ્રાહ્મણો પાસે રહ્યું છે. રંગનાથ શર્મા જેવા યુવાનો, જેઓ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભણાવે છે, તેઓ આ જ પરંપરાગત જૂઠને આગળ વધારી રહ્યા છે. જે ઉંમરે યુવાનોએ વિજ્ઞાન, ગણિત કે ટેકનોલોજી દ્વારા દેશને આગળ લઈ જવો જોઈએ, તે ઉંમરે આ લોકો પથ્થરો (નંગ) વેચીને અને ખોટા ડર બતાવીને લોકોનું શોષણ કરી રહ્યા છે.

Astrologers were stranded in Dubai

જ્યોતિષીઓ હેમખેમ પરત ફરે તે માટે હોમ-હવન શરૂ કરાયા

ગામડાઓમાં જ્યોતિષીઓને જાણે ભગવાનના પર્સનલ સેક્રેટરી માનવામાં આવે છે. તરોડર ગામમાં આજે રંગનાથ માટે હોમ-હવન અને પૂજાઓ થઈ રહી છે. ઘરના સભ્યો ચિંતિત છે, તે સ્વાભાવિક છે, પણ કટાક્ષ તો જુઓ કે જે માણસ બીજાના ગ્રહો શાંત કરવાની વિધિઓ કરાવતો હતો, આજે તેના પોતાના જ ગ્રહો તેને શાંતિથી ઘરે આવવા દેતા નથી. શું આ પૂજા-પાઠ યુદ્ધના મિસાઈલોને હવામાં રોકી શકશે? શું જ્યોતિષીઓ મંત્ર બોલીને વિમાન ઉડાડી શકશે? ના, છેલ્લે તો વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને રાજદ્વારી સંબંધો જ કામ લાગશે.

દુબઈ એરપોર્ટ પર હાસ્યાસ્પદ દ્રશ્યો સર્જાયા

મળતી માહિતી મુજબ, રંગનાથ શર્મા અને તેમના સાથી જ્યોતિષીઓ 1લી માર્ચે હોટલમાંથી ચેક-આઉટ કરીને ભારે વટ સાથે એરપોર્ટ પહોંચ્યા હતા. તેમને લાગતું હશે કે ગ્રહો તેમની ફેવરમાં છે. પરંતુ એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ જ્યારે યુદ્ધના કારણે ફ્લાઈટ કેન્સલ થવાની વાત કરી, ત્યારે આ જ્યોતિષીઓના ચહેરા જોવા જેવા હતા. જે હાથમાં પંચાંગ હતું, તે હાથમાં હવે ‘કેન્સલેશન’ ની રસીદ હતી. દુબઈ પોલીસે તેમને ધક્કો મારીને પાછા મોકલ્યા ત્યારે કદાચ તેમને ભાન થયું હશે કે કાયદો, સુરક્ષા અને યુદ્ધ એ પંચાંગના ચોઘડિયા જોઈને નથી ચાલતા.

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!

હાલમાં આ જ્યોતિષીઓ એક સુરક્ષિત હોટલમાં ભરાઈ રહ્યા છે. ત્યાં બેસીને તેઓ હવે ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઈટ અને ભારતીય દૂતાવાસના અધિકારીઓના ફોનની રાહ જોઈ રહ્યા છે. જે લોકો દાવો કરતા હતા કે તેઓ ગ્રહોની ચાલ બદલી શકે છે, તેઓ આજે સામાન્ય મુસાફરોની જેમ લાચાર બનીને બેઠા છે. આ તેમની પોતાની કથની અને કરણી વચ્ચેનો સૌથી મોટો વિરોધાભાસ છે.

જ્યોતિષના નામે ભોળાં લોકો સાથે છેતરપિંડી

બ્રાહ્મણોએ જ્યોતિષને એક એવો વ્યવસાય બનાવી દીધો છે જેમાં ‘ગેરંટી’ જેવું કંઈ જ નથી હોતું, છતાં લોકો તેના પર વિશ્વાસ કરે છે. જો આગાહી સાચી પડે તો “મહારાજની કૃપા” અને ખોટી પડે તો “તમારા નસીબ જ ખરાબ છે” અથવા “વિધિમાં કંઈક કમી રહી ગઈ હશે” – આ રમત વર્ષોથી ચાલે છે. દુબઈની આ ઘટના આ રમતને તોડવા માટે પૂરતી છે, પણ શું લોકો જાગશે?

આ પણ વાંચો: મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ

તર્કનો વિજય અને અંધશ્રદ્ધાનો પરાજય?

આ આખી ઘટના એ તમામ લોકો માટે એક બોધપાઠ છે જેઓ પોતાની મહેનતની કમાણી જ્યોતિષીઓના ચરણે ધરી દે છે. આ ઘટના સાબિત કરે છે કે કોઈ પણ માણસ ભવિષ્ય જોઈ શકતો નથી. યુદ્ધ, શાંતિ, સફળતા કે નિષ્ફળતા એ ગ્રહોની ચાલ નહીં પણ માનવીય નિર્ણયો અને સંજોગો પર નિર્ભર છે.

જ્યારે રંગનાથ શર્મા અને તેના જ્યોતિષીઓ ભારત પરત ફરે, ત્યારે એરપોર્ટ પર તેમને ફૂલહાર પહેરાવવાને બદલે એ પૂછવું જોઈએ કે, “મહારાજ, તમારી કુંડળીમાં આ ‘યુદ્ધ અને ફ્લાઈટ કેન્સલેશન’ ના યોગ કઈ રાશિમાં છુપાયેલા હતા?” જે બીજાને માર્ગ બતાવવાનો દાવો કરે છે, તેઓ પોતે જ અંધારામાં અથડાઈ રહ્યા છે. જ્યોતિષ એ માત્ર બુદ્ધિ વગરના લોકો માટે બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવેલી જાળ છે, જેમાં ફસાઈને માનવતા પોતાનો તર્ક અને વિવેક ગુમાવી બેસે છે. દુબઈમાં ફસાયેલા આ જ્યોતિષીઓ કદાચ હવે નવો ‘યુદ્ધ શાંતિ’ યજ્ઞ કરવાનું નાટક શરૂ કરશે, જેથી લોકોનું ધ્યાન તેમની નિષ્ફળતા પરથી હટી જાય. પણ સત્ય એ છે કે, વિજ્ઞાન દ્વારા નિર્મિત વિમાનમાં બેસીને જ તેઓ પરત આવશે, કોઈ ઉડતા ગાલીચા કે મંત્ર દ્વારા નહીં. જાગૃત નાગરિક તરીકે હવે આપણે જ્યોતિષ જેવી ઠગાઈને તિલાંજલિ આપવાની જરૂર છે.

આ પણ વાંચો: એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x