Minority News: નાતાલ આવતા જ બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના કહેવાતા સંગઠનોના ગુંડાઓ નિર્દોષ લોકોને હેરાન કરવા નીકળી પડે છે. જ્યારથી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી છે ત્યારથી સુનિયોજિત રીતે આ કહેવાતા સંગઠનોના ગુંડાઓ કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના મોલ, મલ્ટિપ્લેક્સ સહિત જાહેર જગ્યાઓ પર નાતાલ ઉજવતા લોકોને માર મારે છે, હેરાન કરે છે. એકબાજુ વડાપ્રધાન મોદી ચર્ચોમાં જઈને પ્રાર્થના કરી સામાજિક સદભાવનાનો ઢોંગ કરે છે, બીજી તરફ RSS સાથે જોડાયેલા સંગઠનો ખૂલ્લેઆમ ખ્રિસ્તીઓ, મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ પર હુમલા કરે છે.
આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બરેલીમાં બની હતી. જ્યાં એક નર્સીંગની વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં કથિત રીતે બજરંગદળના ગુંડાઓ દાદાગીરી કરીને ઘૂસી ગયા હતા અને પાર્ટીમાં હાજર મુસ્લિમ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. દર વખતે બનતું હોય છે તેમ આ ઘટનામાં પણ બજરંગ દળે તોફાની તત્વો તેમની સાથે જોડાયેલા નથી તેમ કહીને હાથ ખંખેરી નાખ્યા હતા.
આ પણ વાંચો: બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બરેલીમાં એક નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની તેના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી ઉજવી રહી હતી. ડેન કાફે નામની આ રેસ્ટોરન્ટ બરેલીના રાજેન્દ્ર નગરમાં આવેલી છે. નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કાફેમાં તેના મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવી રહી હતી ત્યારે કોઈએ બજરંગ દળના કાર્યકરોને જાણ કરી કે પાર્ટીમાં મુસ્લિમ છોકરાઓ પણ હાજર છે.
મુસ્લિમ વિદ્યાર્થીઓ હોવાની માહિતી મળતા જ હુમલો કર્યો
આ માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા અને કાફેમાં પહોંચી મુસ્લિમ છોકરાઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પોતે જ વીડિયો બનાવ્યો અને શેર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, બજરંગ દળના અનેક કાર્યકરો કાફેમાં આવી રહ્યા છે, “જય શ્રી રામ” ના નારા લગાવી રહ્યા છે અને પીડિતો પર હુમલો કરી રહ્યા છે. કાફે મેનેજરનો દાવો છે કે હુમલાથી તેમને ઘણું નુકસાન થયું છે.
આ પણ વાંચો: ‘રેપ થયો તો શું થયું? આ 1 લાખ લઈને સમાધાન કરી લે..’
કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બજરંગ દળના કાર્યકરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. તેમના આક્રમક વર્તનથી પીડિતો, ખાસ કરીને બે મુસ્લિમ છોકરાઓ ડરી ગયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. કાર્યવાહી કરીને તેમણે કાફે સ્ટાફના એક યુવાન સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિ ભંગની આશંકા હેઠળ ત્રણેય સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાફેના મેનેજરે બજરંગ દળના ગુંડાઓની પોલ ખોલી
કાફે મેનેજર માહીએ સમજાવ્યું કે એક નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની તેના મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવવા આવી હતી. પાર્ટીમાં છ થી સાત વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. આ સિવાય સહાધ્યાયીઓમાં 8 હિન્દુ છોકરાઓ અને બે મુસ્લિમ છોકરાઓ હતા. મેનેજરના જણાવ્યા મુજબ, બજરંગ દળના કાર્યકરોએ મુસ્લિમ છોકરાઓની હાજરી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કાફેમાં ઘૂસી ગયા હતા. એ પછી તેમણે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો, વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કર્યા અને મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી હતી.
નર્સિંગની વિદ્યાર્થીની પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે બજરંગ દળના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે પાર્ટીમાં હાજર બે મુસ્લિમ યુવકો તેના ક્લાસમેટ હતા અને એક જ કોલેજમાં ભણે છે. વિદ્યાર્થીનીના જણાવ્યા મુજબ, તેઓ મિત્રો કાફેમાં સાથે જન્મદિવસ ઉજવવા આવ્યા હતા. પાર્ટીમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ ફક્ત જન્મદિવસ ઉજવવા માટે કાફેમાં આવ્યા હતા અને કોઈ અયોગ્ય પ્રવૃત્તિ થઈ રહી નથી. તેમ છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ ચૂકાદાઓમાં દલિતોને ‘જાનવર’ ગણાવ્યા!
કાફેના કર્મચારી અજયે જણાવ્યું હતું કે એક યુવકે જન્મદિવસની પાર્ટી માટે કાફે બુક કરાવ્યો હતો. 27 ડિસેમ્બરે પાર્ટી ચાલી રહી હતી ત્યારે કોઈએ બજરંગ દળના કાર્યકરોને તેની જાણકારી આપી હતી. અજયના જણાવ્યા મુજબ, બજરંગ દળના કાર્યકરોએ વિદ્યાર્થીઓ કાફેમાં પહોંચતાની સાથે જ તેમના પર હુમલો કર્યો હતો અને કાફેમાં કાચ સહિત ઘણી ચીજવસ્તુઓ તોડી નાખી હતી. તેમણે એક ફોન પણ ચોરી લીધો હતો. તેણે કહ્યું કે જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ કંઈ ખોટું કર્યું નહોતું, કાફે ખુલ્લું છે અને સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી તમે ચેક કરી શકો છો.
A nursing student in Bareilly, UP, hosted a birthday party for her classmates at a café. The group included six girls and four boys, two of whom were Muslim. Shortly after the celebration began, members of the Bajrang Dal barged in, assaulted the Muslim boy and the girl and… pic.twitter.com/T8b1d7lQvw
— Mohammed Zubair (@zoo_bear) December 28, 2025
પોલીસે શું કહ્યું?
આ મામલો પોલીસ અધિકારી આશુતોષ શિવમે જણાવ્યું હતું કે શનિવાર (27 ડિસેમ્બર) ના રોજ, પ્રેમ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં મારામારી થઈ હોવાનો રિપોર્ટ મળ્યો હતો. માહિતી મળતાં, પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રવિવાર, 28 ડિસેમ્બરે એક ફરિયાદ મળી હતી, જેના આધારે બે લોકો સામે નામજોગ અને અન્ય અજાણ્યા લોકો સામે આઈપીસીની કલમ 333, 115 (2), 351 (3), 352, 324 (4), 131 અને 151 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નીતિશકુમારે જેનો હિજાબ ખેંચ્યો હતો તે મહિલા નોકરી નહીં કરે











