અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ગટરના સમારકામ દરમિયાન ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત થઈ ગયું છે. યુવકની લાશ ભારે જહેમત બાદ ગટરમાંથી મળી આવી હતી. આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉસ્માનપુરા અંડરપાસ પાસેની ગટરમાં ઘટના બની
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસ પાસે પતરાની આડશ મૂકીને એએમસી દ્વારા ગટરનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન ગટરનું સમારકામ કરી રહેલા યુવકનું તેમાં પડી જવાથી મોત થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેની ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગટર લાઈનની સફાઈ કામગીરી કરતો હતો તે દરમિયાન ગટરમાં પડી ગયો હતો.
આ પણ વાંચો: મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
એએમસીના અધિકારીઓએ શું કહ્યું?
એએમસીના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉસ્માનપુરા અંડરપાસ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. ગટરના સમારકામની કામગીરી રાત્રે ચાલતી હતી. રાત્રે ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ દિવસે તેની દેખરેખ રાખી રહેલી કોન્ટ્રાક્ટ એજન્સીનો માણસ યુવક અકસ્માતે ગટરમાં પડી ગયો હતો અને તેનું મોત થયું હતું. કેપિટલ એન્જિનિયરિંગ નામની કંપનીને ગટર સમારકામની કામગીરી સોંપવામાં આવી હતી.
મૃતક યુવક યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું
સામાન્ય રીતે આવી કામગીરી ચાલતી હોય ત્યાં દિવસ દરમિયાન બેથી ત્રણ માણસો જગ્યા પર ધ્યાન રાખવા માટે મૂકવામાં આવતા હોય છે. સવારથી યુવક ગુમ થયો હતો અને તે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગટરમાં પડી ગયો હોવાની શંકાના આધારે પોલીસને અને ફાયરને જાણ કરવામાં આવતા ગટરમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ અભિષેક હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?












Users Today : 843