અમદાવાદ: ગુજરાતના સ્થાપિત રાજકીય માળખા વચ્ચે ભવિષ્યના નવા સમીકરણો રચવાના ભાગરૂપે અમદાવાદ સ્થિત જૂના સર્કિટ હાઉસ ખાતે 13 જૂન 2026 ના રોજ એક મહત્વપૂર્ણ “રાજકીય વિચાર પરિષદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં રાજ્યના વિવિધ સામાજિક, રાજકીય, વહીવટી અને બૌદ્ધિક ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય એજન્ડા દેશ અને રાજ્યના વર્તમાન પરિપ્રક્ષ્યમાં વિવિધ પ્રગતિશીલ, બંધારણવાદી અને સામાજિક ન્યાય આધારિત સંગઠનો તેમજ વિચારકો વચ્ચે એક વ્યાપક સામાજિક-રાજકીય ગઠબંધન (Alliance) રચવાની સંભાવનાઓ પર સઘન વિચારવિમર્શ કરવાનો હતો.
કાર્યક્રમની પ્રસ્તાવના ભાનુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે પરિષદ સમક્ષ મુખ્ય પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે, શું વર્તમાન સમયમાં એક વ્યાપક અને મજબૂત એલાયન્સ બનાવી શકાય? અને જો આ ગઠબંધન આકાર લે, તો તેનું ભવિષ્યનું સ્વરૂપ, ચોક્કસ ધ્યેયો અને સંગઠનાત્મક કાર્યપદ્ધતિ કેવા પ્રકારની હોવી જોઈએ, તે અંગે પાયાની રૂપરેખા આપી હતી.

આ પણ વાંચો: મહાડ જળ સત્યાગ્રહ જેવી ઘટનાઃ દલિતોએ પહેલીવાર તળાવમાંથી પાણી ભર્યું
આ વિચાર મંથનમાં નિવૃત્ત વહીવટી અધિકારીઓ અને સામાજિક નેતાઓએ મહત્વના મંતવ્યો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારના નિવૃત્ત અગ્ર સચિવ એમ. ડી. ખેડુવાલાએ અસત્ય અને અન્યાય સામે લડવા માટે એક મજબૂત અને વ્યાપક સામાજિક શક્તિ ઊભી કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. જ્યારે છગનભાઈએ વર્તમાન રાજકીય વ્યવસ્થામાં નૈતિક મૂલ્યોના થઈ રહેલા પતનની આલોચના કરતા જણાવ્યું હતું કે, વિચારો અને જમીરના વેચાણની વૃત્તિ સામે એક સમર્પિત અને મૂલ્યનિષ્ઠ કાર્યકર્તાઓની ટીમ ઊભી કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે.
જમાત-એ-ઇસ્લામી હિન્દના ઇકબાલ મિર્ઝાએ વર્ષ 2014 પહેલાં અને પછીના ભારતના રાજકીય ઇતિહાસનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે SC, ST, OBC અને અન્ય તમામ વંચિત વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવીને ડેટા આધારિત “થિંક ટેન્ક” સ્થાપવાની દરખાસ્ત મૂકી હતી, જે માત્ર રાજકીય ન રહેતા એક સબળ સામાજિક ગઠબંધન બને. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના હસમુખ ચંદ્રપાલે લોકશાહી મૂલ્યો અને સંગઠનાત્મક એકતાના મુદ્દા રજૂ કર્યા હતા, જ્યારે સામાજિક ક્રાંતિ અભિયાનના અજમલજી ઠાકોરે હકોની લડત માટે મજબૂત જનઆંદોલન ઊભું કરવાની આવશ્યકતા દર્શાવી હતી.
આ પણ વાંચો: જાતિવાદીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા ઉખાડી પુલ નીચે ફેંકી દીધી

સુરેન્દ્રભાઈ કલોરિયાએ ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના સંગઠનાત્મક માળખા અને વિધાનસભા સ્તરની કામગીરીની વિગતો આપી હતી, જ્યારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ના મુફ્તી અબ્દુલ્લાએ કેડર આધારિત સંગઠનની અનિવાર્યતા સમજાવી હતી.
વહીવટી સેવાનો બહોળો અનુભવ ધરાવતા નિવૃત્ત IPS અધિકારી અંબાલાલ ચૌહાણે જણાવ્યું હતું કે, શાસકીય વ્યવસ્થામાં ઘણી વખત મંત્રીઓની સૂચનાઓ અનુસાર નિર્ણયોને કાનૂની માળખામાં સમાવીને કાર્ય કરવું પડતું હોય છે. દીપસિંહભાઈ ઠાકોરે વર્તમાન પરિસ્થિતિને “અઘોષિત કટોકટી” ગણાવીને ઓબીસી (OBC) સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું.
નિવૃત્ત ADGP ડૉ. રાજન પ્રિયદર્શીએ બંધારણના રક્ષણ, સામાજિક એલાયન્સની રચના અને મૂળનિવાસી વિચારધારા પર ભાર મૂકીને શિક્ષણ, વહીવટી સેવાઓ અને ન્યાયિક વ્યવસ્થાના પડકારોની ચર્ચા કરી હતી. નિવૃત્ત આઈએએસ અરુણકુમાર સુતરીયાએ શિક્ષણ અને સશક્તિકરણને જ રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનો મુખ્ય માર્ગ ગણાવી, કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!
આ ઉપરાંત, પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. દિનેશ પરમારે એલાયન્સને શરૂઆતમાં એક મજબૂત “પ્રેશર ગ્રુપ” તરીકે કાર્યરત કરવાની દરખાસ્ત મૂકી સામાજિક ન્યાય આધારિત રાજકીય દિશા નક્કી કરવા જણાવ્યું હતું. જયંતિભાઈ ઉસ્તાદે દલિત-મુસ્લિમ એકતા, લોક શક્તિ પાર્ટીના સંખલિયાએ લોકઆંદોલનની જરૂરિયાત અને ભીખા અમીને રાજકીય સ્વાયત્તતાના મુદ્દાને મહત્વ આપ્યું હતું.
વકીલ દર્શીલ કંથારીયાએ કાનૂની લડત માટે વકીલોની એક સમર્પિત ટીમ બનાવવાનું સૂચન કર્યું હતું. નિવૃત્ત સેશન્સ જજ ભાનુભાઈ મકવાણા સહિત કુલ 16 થી વધુ વક્તાઓની ચર્ચાના અંતે 6 મુખ્ય ઠરાવો કરવામાં આવ્યા હતા; જેમાં તમામ વંચિત વર્ગોનું સામાજિક એલાયન્સ બનાવવું, ડેટા આધારિત થિંક ટેન્કની રચના કરવી, ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોનો વ્યવસ્થિત સર્વે હાથ ધરવો અને સંગઠનને મજબૂત કરવા માટે ગ્રાસરૂટ લેવલે બેઠકો યોજવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.
(વિશેષ માહિતી, ડૉ. રાજેશ લકુમ, ભાનુભાઈ પરમાર)
આ પણ વાંચો: બિનહરીફ ચૂંટણી: લોકશાહી સામેનો મોટો પડકાર












