મહિલાઓ પરના અત્યાચારો માટે દેશભરમાં વગોવાયેલું ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન જાતિવાદ માટે પણ એટલું જ કુખ્યાત છે. સમયાંતરે અહીં જાતિવાદને ઉજાગર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અહીંના બાડમેર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક 8 વર્ષના નિર્દોષ દલિત બાળકને સવર્ણ હિંદુઓના પાણીના ઘડાને અડી જવા બદલ આરોપીઓએ તાલીબાની સજા કરી હતી. જાતિવાદી તત્વો દલિત બાળકને પકડીને તેમના ઘરે લઈ ગયા હતા અને ઝાડ પરથી ઉંધો લટકાવીને પછી ઢોરની જેમ માર માર્યો હતો. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને અટકાયતમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાડમેર જિલ્લાના ભાખરપુર ગામની ઘટના
મામલો બાડમેરના ભાખરપુરા ગામનો છે. અહીં એક આઠ વર્ષના દલિત બાળકને જાતિવાદી તત્વોએ ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. નિર્દોષ દલિત બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે કથિત સવર્ણ જાતિના આરોપીઓના પાણીના ઘડાને ભૂલથી અડી ગયો હતો. જેના કારણે આરોપીઓનો પિત્તો ગયો હતો અને તેઓ દલિત બાળકને ઉપાડીને તેમના લઈ ગયા હતા અને એક ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોરની જેમ માર માર્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે બાળકની માતા અને દાદીએ આરોપીઓને તેમના બાળકને છોડી દેવા માટે વિનંતી કરી ત્યારે આરોપીઓએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો
8 વર્ષના બાળકને જાતિવાદી તત્વો બાથરૂમ સાફ કરવા લઈ ગયા
દલિત બાળકની માતા પુરી દેવીના જણાવ્યા અનુસાર, શુક્રવાર તા.29 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે તેમનો દીકરો ભાખરપુર ગામમાં તેમના ઘરે રમી રહ્યો હતો ત્યારે ગામના જ નરનારામ પ્રજાપત અને દેમારામ પ્રજાપત નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેને તેમના ઘરનું બાથરૂમ સાફ કરવા અને કચરો વાળવા માટે લઈ ગયા હતા. નિર્દોષ બાળક તેમની સાથે ગયો હતો અને તેને જે કામ કરવાનું કહેવામાં આવ્યું તે પુરું કર્યું હતું. જો કે, કામ પૂરું કર્યા પછી જ્યારે તેણે પીવા માટે પાણી માંગ્યું ત્યારે તેનો હાથ ભૂલથી આરોપીઓના ઘડાને અડી ગયો હતો. જેના કારણે આરોપીઓનો પિત્તો ગયો હતો.
નિર્દોષ બાળકને ઝાડ પરથી ઉંધો લટકાવી માર માર્યો
એ પછી આરોપીઓ દલિત બાળકને નરનારામના ઘરે લઈ ગયા હતા. જ્યાં તેમણે તેને ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોરની જેમ માર માર્યો હતો. જ્યારે બાળકની માતા અને દાદીને આ ઘટનાની જાણ થઈ, તો તેઓ તેમના પુત્રને છોડાવવા માટે નરનારામના ઘરે પહોંચી ગયા હતા અને તેમના બાળકને છોડી દેવા માટે વિનંતી કરી હતી. પરંતુ આરોપીઓએ તેમની વાત માનવાને બદલે તેમના પર પણ હુમલો કરી દીધો હતો. આખરે જેમતેમ કરીને મામલો શાંત પાડ્યો હતો. એ પછી બાળકની માતા પુરી દેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ સામાન અડતા દુકાનદારે માર્યો, દલિત બાળકે ગળેફાંસો ખાઈ લીધો
એટ્રોસિટીનો કાયદો હોવા છતાં જાતિવાદીઓને તેનો ડર નથી
આ ઘટના રાજસ્થાનમાં જાતિવાદી તત્વો કઈ હદે નિર્દયી બની ગયા છે તેની સાબિતી છે. આવા તત્વોને કાયદો વ્યવસ્થાની પણ પરવા નથી તે પણ આ ઘટનામાં સાબિત થાય છે. એટ્રોસિટી એક્ટ જેવો મજબૂત કાયદો અસ્તિત્વ ધરાવતો હોવા છતાં આવી ભયાનક ઘટનામાં જાતિવાદી તત્વો છૂટી કેવી રીતે જાય છે તે સવાલ છે. આવા તત્વોને કાયદા મુજબ કડકમાં કડક સજા થાય અને સરકાર એ રીતે જાતિવાદી તત્વો પર લગામ કસે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ બ્રાહ્મણ દુકાનદારે 5 દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવ્યા?











Users Today : 1235