જસદણઃ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વડોદ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરના નામનું બોર્ડ હટાવવા મામલે વહીવટી તંત્ર અને સ્થાનિક દલિત સમાજ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા પોલીસ કાફલા સાથે બોર્ડ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વહીવટી કાર્યવાહીના વિરોધમાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વધુ તંગ બની જ્યારે દલિત આગેવાન રમેશભાઈ હમીરભાઈ ચાવડાએ તંત્રની પક્ષપાતી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી, ફીનાઇલ પીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવર્તતી સામાજિક અસમાનતા અને વહીવટી તંત્રની બેવડી નીતિઓને છતી કરે છે. વડોદ ગ્રામ પંચાયત દ્વારા આ બોર્ડને હટાવી અન્ય વૈકલ્પિક જગ્યાએ ખસેડવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ દલિત સમાજ વર્તમાન સ્થળ પરથી બોર્ડ હટાવવાની મનાઈ કરી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “ભલે અમારો જીવ જાય, પરંતુ બાબાસાહેબનું બે ફૂટનું બોર્ડ પણ અહીંથી ખસવા નહીં દઈએ.”

આ પણ વાંચોઃ ‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!
આ વિવાદની પાછળ રહેલી પ્રવર્તમાન સામાજિક અને જાતિવાદી વાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટાભાગના ગામોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પાંખ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા ગ્રામ પંચાયતોની કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ ગામના પાદરે કે મુખ્ય માર્ગો પર ‘હિંદુ રાષ્ટ્રનું ગામ આપનું સ્વાગત કરે છે’ તેવા પ્રચારાત્મક બોર્ડ ગેરકાયદેસર રીતે લગાવી દેવામાં આવે છે. આવા બોર્ડ સામે વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત કે સ્થાનિક ઉચ્ચ જ્ઞાતિના તત્વો ક્યારેય કોઈ કાનૂની વાંધો ઉઠાવતા નથી કે દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પરંતુ તેની સરખામણીએ, જ્યારે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નામના ગરિમાપૂર્ણ બોર્ડ લગાવવામાં આવે છે, ત્યારે સ્થાનિક જાતિવાદી તત્વો તાત્કાલિક સક્રિય થઈ જાય છે અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને તેને હટાવવા માટે મેદાનમાં આવી જાય છે. વહીવટી તંત્રની આ ભેદભાવયુક્ત અને પક્ષપાતી ભૂમિકા દલિત સમાજમાં તીવ્ર અસંતોષ અને અન્યાયની ભાવના જન્માવી રહી છે. એક તરફ ગેરકાયદેસર બોર્ડ પ્રત્યે આંખ આડા કાન અને બીજી તરફ કાયદાનો હવાલો આપી આંબેડકર બોર્ડ હટાવવાની ઉતાવળ તંત્રની દાનત સામે સવાલો ઉભા કરે છે.
ઘટનાની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે જસદણ, આટકોટ, ભાડલા અને વિંછીયા સહિતના આસપાસના વિસ્તારોમાંથી મોટો પોલીસ કાફલો વડોદ ગામે તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ પૂરતી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ગામમાં શાંતિનો માહોલ છે, પરંતુ તંત્રની પક્ષપાતી ભૂમિકા અને જાતિવાદી માનસિકતા સામે દલિત સમાજમાં અંદરખાને આક્રોશ યથાવત છે.

આ પણ વાંચોઃ ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી











