ગર્ભવતી દલિત મહિલાની 19 લોકોના ટોળાએ માર મારી હત્યા કરી

ગર્ભવતી દલિત મહિલા સાથે કોલસા મુદ્દે વિવાદ થતા 19 લોકોના ટોળાએ માર મારી નિર્મમપણે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. 6 લોકોની ધરપકડ.
Dalit woman sarpanchs husband beaten up

બોકારો: ઝારખંડના બોકારો જિલ્લાના બેરમો પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પાંચ નંબર ધૌડા સ્થિત અમલો રેલવે સાઈડિંગ પર શુક્રવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર 25 વર્ષની એક ગર્ભવતી દલિત મહિલાની 19 લોકોના ટોળા દ્વારા નિર્મમપણે માર મારીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તણાવ અને આક્રોશનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો અને પરિવારે દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો.

બળતણ માટે કોલસો લેવા જતા વિવાદ થયો

મૃતક મહિલાની ઓળખ અનીતા દેવી તરીકે થઈ છે. ઘટનાની વિગત એવી છે કે, અનીતા દેવી ઘરના બળતણ માટે અમલો રેલવે સાઈડિંગ પર કોલસો લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શખ્સો સાથે તેને સામાન્ય બાબતે બોલાચાલી અને વિવાદ થયો હતો. આ વિવાદ જોતજોતામાં ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગયો હતો.

આ પણ વાંચો: ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!

ગર્ભવતી મહિલા પર 19 લોકોના ટોળાનો જીવલેણ હુમલો

મૃતકાના પતિ મહેશ ભુઈયાએ પોલીસ ફરિયાદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે સંતોષ સાવ ગેંગ સાથે સંકળાયેલા માણસોએ તેમની પત્ની અનીતા દેવી અને અન્ય એક મહિલા પૂનમ દેવી પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો. બબલુ કુમાર, સુરેશ ભુઈયા, સુનીલ ભુઈયા, સુરેન્દ્ર ભુઈયા અને વીરેન્દ્ર કુમાર સહિત કુલ 19 લોકોના ટોળાએ અનીતા દેવીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. અનીતા દેવી ચાર મહિનાની ગર્ભવતી હોવા છતાં આ નરાધમોને સહેજ પણ દયા ન આવી અને તેને બેરહેમીથી ફટકારવાનું ચાલુ રાખ્યું હતું.

ગર્ભમાં રહેલા 4 મહિનાના બાળકે પણ દમ તોડી દીધો

મારપીટ દરમિયાન અનીતા લોહીલુહાણ થઈને જમીન પર પડી ગઈ હતી, તેમ છતાં ટોળાએ તેના પર હુમલો ચાલુ રાખ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારજનો તેને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલ ઢોરી ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતની સાથે જ તેના ગર્ભમાં ઉછરી રહેલા ચાર મહિનાના માસૂમ બાળકે પણ દમ તોડી દીધો હતો. મૃતક અનીતા દેવી પોતાના પાછળ એક ચાર વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રને વિલાપ કરતા છોડી ગઈ છે.

આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

પરિવારનો હંગામો, 6 આરોપીઓની ધરપકડ

ઘટનાની માહિતી મળતા જ બેરમો પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે તેનુઘાટ મોકલી આપ્યો હતો. જોકે, પોલીસની પ્રાથમિક કાર્યવાહીથી અસંતુષ્ટ પરિવારજનો અને ગ્રામજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે રોડ જામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

મામલો ગંભીર બનતા ધનબાદના સાંસદ ધુલ્લુ મહતો અને ડુમરીના ધારાસભ્ય જયરામ મહતો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને જનપ્રતિનિધિઓએ વહીવટીતંત્ર સમક્ષ આ કેસની નિષ્પક્ષ તપાસ કરવા અને મેડિકલ બોર્ડ દ્વારા ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ પ્રશાસન અને નેતાઓ વચ્ચે તીખી દલીલો પણ થઈ હતી.

વધતા જતા જનઆક્રોશ અને દબાણને જોતા પોલીસે તાબડતોબ એક્શન મોડમાં આવી મોડી રાત્રે જ દરોડા પાડીને કેસમાં નામજોગ 6 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ હત્યાકાંડમાં સામેલ બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સતત દરોડા પાડી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x