અમરેલી: અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામે અનુસૂચિત જાતિના નાગરિકોની મંડળીને આપવામાં આવતી ભાડાપટ્ટાની જમીન પર ગેરકાયદે ખનન અને કબ્જો જમાવવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના માથાભારે પટેલ જૂથના રમેશ બાવીસી અને તેના મળતિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની હાજરીમાં જ દલિત સમાજના લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં સામાજિક કાર્યકર સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે બીજા પણ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

માથાભારે પટેલો દ્વારા ગેરકાયદે ખનન કરાતું હતું
મળતી વિગતો મુજબ, મોટા આંકડીયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા ભાડાપટ્ટે જમીન આપવામાં આવી હતી. આ ચાલુ જમીન પર ગામના જ માથાભારે રમેશ બાવીસી અને તેના સાગરીતોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો હતો. એટલું જ નહીં, આ તત્વો દ્વારા જમીનમાંથી મોટા પાયે માટીનું ગેરકાયદે ખનન પણ શરૂ કરવામાં આવ્યું હતું. દલિત સમાજની સહકારી મંડળીની જમીન પચાવી પાડવાના આ કૃત્ય સામે સમાજના જાગૃત નાગરિકોએ વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને લેખિત ફરિયાદો કરી હતી.
આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો
અધિકારીઓની હાજરીમાં જ દલિતો પર હુમલો
આ ફરિયાદોના આધારે વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તપાસ હાથ ધરવા માટે સરકારી કર્મચારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સરકારી તપાસ ચાલી રહી હોવાની માહિતી મળતા જ અનુસૂચિત જાતિના સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને સામાજિક કાર્યકરો પણ સ્થળ પર એકત્રિત થયા હતા. સરકારી કર્મચારીઓની હાજરીમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા રમેશ બાવીસી અને તેના મળતિયાઓએ દલિત સમાજના લોકો પર અચાનક લાકડીઓ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.
ત્રણ લોકો લોહીલુહાણ, ભારે તંગદિલી
આ હિંસક હુમલામાં સામાજિક કાર્યકર નરેશ વાળા સહિત ત્રણ લોકોને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી છે. હુમલા દરમિયાન નરેશ વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમના માથામાં 5 ટાંકા આવ્યા હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે. આ સિવાય અન્ય બે ઘાયલ વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થતાં હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરકારી કર્મચારીઓની નજર સામે જ થયેલા આ હુમલાથી તંત્રના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘટનાને પગલે ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?
સ્થાનિક સ્તરે આક્રોશ
આ ઘટનાને પગલે અમરેલી જિલ્લાના દલિત સંગઠનો અને અનુસૂચિત જાતિ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પીડિતોના જણાવ્યા મુજબ, માથાભારે પટેલો દ્વારા લાંબા સમયથી આ જમીન હડપવાના પ્રયાસો થઈ રહ્યા હતા અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અગાઉ કોઈ નક્કર પગલાં ન લેવાતા આ તત્વોનું મનોબળ વધ્યું હતું. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Ken-Betwa project ના વિરોધમાં આદિવાસી મહિલાઓ બાળકો સાથે ચિતા પર સૂતી










