ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?

મધ્યપ્રદેશનું બોરસર ગામ ગાળમુક્ત બન્યું, પણ સમગ્ર પિતૃસત્તાક સમાજમાંથી મહિલાઓને નિશાન બનાવતી હિંસક ગાળો અને અપશબ્દો ક્યારે નાબૂદ થશે તે મોટો સવાલ છે.
society free of abuse

ચંદુ મહેરિયા

સાક્ષર ગામ, સમરસ ગામ, સ્વચ્છ ગામ, વ્યસનમુક્ત ગામ, પ્રદૂષણમુક્ત ગામ એવું તો આપણે જોયું, વાંચ્યું, સાંભળ્યું છે. પણ ગાળમુક્ત ગામ? હા, ગાળમુક્ત ગામ. આશરે 6 હજારની વસ્તીના મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરસર ગામે ગાળમુક્ત ગામ બનવાનો સંકલ્પ કર્યો છે. ગામમાં ગાળોનું ભારે ચલણ. એથી કંટાળીને પંચાયત અને લોકોએ મળીને ગાળોને ગામવટો આપવાનો નિર્ધાર કર્યો છે.

તેમણે ગાળોથી મુક્તિનું અભિયાન તો આદર્યું છે. સાથે ગાળ બોલનારને રૂ. 500નો દંડ અને એક મહિના સુધી ગામની સફાઈની સજા પણ નક્કી કરી છે. એની કેટલી અસર પડશે અને બોરસર ગાળમુક્ત બનવામાં સફળ થશે કે કેમ એ તો કાળના ગર્ભમાં છૂપાયેલું છે.

પરંતુ ગાળમુક્તિની ઝુંબેશ અને સંકલ્પ જ સરાહનીય પહેલ છે અને અનેક ગામો, નગરો, શહેરોએ તેનું અનુકરણ કરવા જેવું છે.

આ પણ વાંચો: જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો

અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ એટલે ગાળ . એવો અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં જણાવ્યો છે. પરંતુ માણસ આવો ખરાબ કે ભૂંડો બોલ કેમ, કોને, ક્યારે અને ક્યાં બોલે, લખે, આચરે છે તે વિચારવા જેવું છે. માણસ હાલતા- ચાલતા, હરતા- ફરતા, વાતવાતમાં, ઘરમાં, ઓફિસમાં, શાળા-કોલેજમાં, મોલમાં અને મંદિરમાં; દુકાને અને સ્મશાને, સડક પર અને ક્યારેક સંસદમાં , સાઈકલ ચલાવતા અને મોંઘી મર્સિડીઝ હાંકતા, ખેતરમાં કામ કરતા અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેતા, રેડિયો સાંભળતા અને રેંટિયો કાંતતા, સર્જરી કરતા અને શર્ટને બટન ટાંકતા – એમ સમય-સ્થળના કશાય બાધ વિના ગાળો બોલતો હોય છે.

કહે છે કે વાદ-વિવાદ અને ચર્ચા-વિમર્શ કરતાં દલીલો કે તર્ક ખૂટી જાય ત્યારે માણસ ગાળાગાળી પર ઉતરી આવે છે. પોતાનાથી નબળાને ઉતારી પાડવા, અપમાનિત કરવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવા, તેનું ચારિત્ર્ય હરણ કરવા ગાળો બોલાય છે. ગાળો બોલનાર વ્યક્તિ ગુસ્સો, ક્રોધ, નિરાશા, હતાશા અને પોતાની સુપ્રીમસી સ્થાપવા ગાળો બોલે છે, ભાષાનો અતિ આક્રમક ઉપયોગ કરીને લોકો ગાળો બોલે છે, એવું મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે.

આ પણ વાંચો: આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે MP ફરી નંબર-1

ગાળો પુરુષો બોલે છે તેમ સ્ત્રીઓ પણ બોલે છે. યુવાનો અને આધેડો, નાના બાળકો અને વયોવૃધ્ધો પણ ગાળો બોલે છે. ગાળો કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. તેનો વ્યાપ વિશ્વ આખામાં છે. કોઈ ચોક્કસ લિંગ, ભાષા, વર્ણ, વર્ગમાં બંધાય એ ગાળ શાની? આ એક પુરાણી એટલી જ ચિંતાજનક ભારતીય પરંપરા છે. જેને દેશવટો આપવાની જરૂર છે. લગભગ બધી જ ગાળો મહિલાઓને કેન્દ્રમાં રાખીને, તેના શરીરના અંગ-ઉપાંગને સંબંધિત હોય છે. મા, બહેન, દીકરીને જ ઉતારી પાડતી ગાળો જ બહુધા બોલાય છે. ગાળ વ્યક્તિના મર્મસ્થાને ઘા કરે છે. વ્યક્તિ માટે ઘરની મહિલાઓનું માન-અપમાન, ઈજ્જત- આબરુ મહત્વના છે એટલું જ નહીં પવિત્ર છે. એટલે મહિલાની પવિત્રતાને લાંછન લગાડતી, તેના ચારિત્ર પર ડાઘ લગાડતી ભૂંડામાયલી ગાળો બોલાય છે.

ભારતમાં ગાળો સામાજિક રીતે અસ્વીકાર્ય વ્યવહાર છે અને કાયદાની દ્રષ્ટિએ દંડનીય અપરાધ છે. તેમ છતાં ગાળોનું ચલણ ઘટતું નથી. ગાળો પર કંઈ સમાજના નીચલા વર્ગનો જ ઈજારો નથી. ઉચ્ચ શિક્ષિત અને જ્ઞાતિ કોટિક્રમમાં ટોચે રહેતી જ્ઞાતિના લોકો પણ ગાળો બોલે છે. ગુજરાતી કે દેશની સ્થાનિક ભાષામાં તો ગાળો બોલાય જ છે. વિશ્વભાષા અંગ્રેજીમાં પણ ગાળો બોલાય છે. જેની માત્રુભાષા અંગ્રેજી નથી તે જો અંગ્રેજીમાં ગાળો બોલે તો મોર્ડન અને ફેશનેબલ ગણાય છે!

ગાળોનો ઉદભવ ભાષાના ઉદભવ અને વિકાસ સાથે જ થયો હશે. લગ્નના ફટાણામાં અને લોકગીતોમાં જે ગાળો બોલાય છે તેની બોલનાર અને સાંભળનાર બેઉ મજા માણે છે. જ્યાં સુધી સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતા હતી અને માતૃસત્તાક સમાજ હતો ત્યાં સુધી ગાળો નહોતી કે તેનું આટલું બધું ચલણ નહોતું. પરંતુ સ્ત્રી-પુરુષ બરાબર ગણાતી અટકી, સમાજમાં તેનું સ્થાન બીજા દરજ્જાનું કે દરજ્જા વગરનું બન્યું અને પિતૃસત્તાક સમાજની બોલબાલા વધી પછી ગાળો પણ સમાજમાં વધી લાગે છે. મહિલાઓને ગાળો બોલીને શિકાર બનાવવાનું અને પુરુષોના મર્મસ્થાને ઘા કરવાનું આસાન બન્યું હશે. ગાળોનો વરસાદ વરસે પછી મારામારી અને મર્ડર સુધ્ધાં થાય છે. એટલે ગાળો હિંસક છે અને અતિહિંસાનો આરંભ છે.

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

ગાળો બોલવાની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. તે કદાચ તણાવ અને ગુસ્સો ઘટાડે છે. તો તેના થકી સામાજિક વિભાજનો વધુ દ્રઢ થાય છે. ઝઘડાના મૂળ નખાય છે કે ઝઘડાને વધુ મોટો કરે છે. આજકાલ ફિલ્મો અને ઓટીટી પર આવતા કાર્યક્રમોમાં અપશબ્દો અને ગાળોની ભરમાર જોવા મળે છે.

ઘરમાં કુટુંબ સાથે બેસીને ન જોઈ શકાય તેવા ટી.વી કાર્યક્રમો પ્રચૂર માત્રામાં પ્રસારિત થાય છે. તેનો સૌથી વધુ ભોગ બાળકો અને કિશોરો બને છે. કેટલાક સાહિત્યમાં પણ વાસ્તવ ના નામે ભરપૂર ગાળો હોય છે. એટલે ગાળોથી બચવું મુશ્કેલ બન્યું છે. ફિલ્મો અને બીજા માધ્યમોમાં જે અપશબ્દો, દ્વિઅર્થી સંવાદો અને ગાળો હોય છે તેના ટીકાકારોને એવું સંભળાવવામાં આવે છે કે અમે તો સમાજમાં જે છે તે જ ફિલ્મોમાં દર્શાવીએ છીએ. કૂવામાં છે તે હવાડામાં આવે છે અને તે હવાડાની ગંદકી આપણા ઘરમાં અને જીવનમાં ઠલવાય છે.

આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!

ગાળો બોલનારને કાયદેસર દંડ અને સજા થાય છે. એ રીતે તેના પર કાનૂનની લગામ છે ખરી. પણ તેનાથી તે અટકી નથી. ગાળોની વિરુધ્ધ કોઈ જોરદાર ચળવળ થયાનું જાણમાં નથી.”ધ ગાલી પ્રોજેકટ” ગાળોને લોકોના શબ્દકોશમાંથી અને દિમાગમાંથી હઠાવવાનો પ્રયત્ન જરૂર છે. આ પ્રકલ્પ લોકોને ગાળોનો વિકલ્પ આપે છે.

તેમાં અપશબ્દોને હળવા કરી રમૂજ અને હાસ્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ થયો છે. આરંભમાં આ પ્રોજેકટમાં લોકો પાસેથી મંગાવવામાં આવેલી લગભગ ૮૦૦ ગાળો પર કામ કરી તેના અહિંસક અને હળવા વિકલ્પો સૂચવ્યા છે. આખરે તો માનવીના શેતાન મગજમાં જ્યાં સુધી ભૂંડા વિચારો, શબ્દો જન્મતા રહેશે ત્યાં સુધી ગાળો રહેવાની. તે મહિલાઓ અને કમજોરને નિશાન બનાવતી અટકે, જાહેરમાં બોલાતી ઓછી થાય તો બોરસર ગામ અપવાદ ન રહેતાં આખો માનવ સમાજ બની શકે. આવું ક્યારે શક્ય બનશે?

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x