એકવીસમી સદીના આઝાદ ભારતમાં અને કાયદાના રાજમાં પણ મનુવાદી તત્વો કઈ હદે પોતાની જાતિના દમ પર દલિતોને ધાક-ધમકીઓ આપીને ડરાવે છે તેની આ વાત છે. મામલો મહિલાઓ માટે નર્કાગાર ગણાતા રાજસ્થાનનો છે. અહીંના જોધપુર શહેરમાં પહેલીવાર એક દલિત વરરાજાને ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા માટે પોલીસ સુરક્ષાનો સહારો લેવો પડ્યો હતો.
જોધપુરના રાજીવ ગાંધી નગર પોલીસ સ્ટેશન હેઠળના નયાપુરા ચોકમાં બાબા રામદેવ કોલોનીમાં કડક પોલીસ સુરક્ષા હેઠળ દલિત વરરાજાનો જાન નીકળી હતી. ડીપીએસ બાયપાસ પરના એક રિસોર્ટમાં આયોજિત લગ્ન સમારોહ સ્થળ સુધી દરેક શેરીએ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પીઆઈ સુરેશ પોટલીયાએ જણાવ્યું હતું કે કોલોનીના રહેવાસી વિક્રમ મેઘવાળના રવિવારે લગ્ન હતા. બપોરે 12:15 વાગ્યે વરરાજાના ભાઈ નરેન્દ્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લેખિત ફરિયાદ નોંધાવી. તેમને એવી આશંકા હતી કે કેટલાક ગ્રામજનો વરરાજાના ઘોડી પર સવારી સામે વાંધો ઉઠાવશે અને તેના કારણે વિવાદ થઈ શકે છે.
આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
વરઘોડાની ચોતરફ પોલીસ ગોઠવવી પડી
જાતિવાદી તત્વોનો ડર કેટલો હશે તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, પોલીસે વરઘોડાની ચારેય બાજુ પોલીસ ગોઠવવી પડી હતી. જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે તેવી આશંકાને પગલે પોલીસ કમિશનરને ફરિયાદની જાણ કરવામાં આવી હતી. એ પછી પોલીસ દ્વારા તમામ પ્રકારની ચકાસણી પછી, IPS ADCP (પશ્ચિમ) રોશન મીણાના નેતૃત્વમાં પોલીસ લાઇન્સ અને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ટુકડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દલિત છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ, શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ગઈ હતી
દરેક શેરીએ પોલીસ પહેરો ગોઠવવો પડ્યો
એ પછી રાત્રે વરરાજા તૈયાર કરીને કડક પોલીસ સુરક્ષા હેઠળ ઘોડી પર બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ કડક સુરક્ષા હેઠળ લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડાની આસપાસ પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને જ્યારે વરઘોડો રાત્રે DPS રિંગ રોડ પરના રિસોર્ટના લગ્ન સ્થળે પહોંચ્યો ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. નરેન્દ્રની ફરિયાદ મળ્યા પછી, પોલીસે કોઈ જોખમ ન લીધું અને તરત જ પોલીસ લાઇન્સ અને કાલિકા પેટ્રોલિંગ યુનિટની મહિલા કોન્સ્ટેબલોની એક ટીમને ઘટનાસ્થળે રવાના કરી દીધી હતી. સમગ્ર કોલોનીમાં દરેક શેરીએ પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
પોલીસે ધમકી આપનાર જાતિવાદી તત્વોના નામ જાહેર ન કર્યા
જો કે, પોલીસ દ્વારા ધમકીઓ આપનારાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જેના પરથી એટલો ખ્યાલ આવે છે કે, પોલીસે જાતિવાદી તત્વોને છાવર્યા છે. ઘટના બાદ, પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોડી રાત સુધી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. લગ્ન પછી વરરાજાના પરિવારે કહ્યું કે આ દિવસ તેમના માટે યાદગાર રહેશે, કારણ કે તેમણે ન માત્ર તેમની પરંપરા જાળવી રાખી, પરંતુ એક સામાજિક સંદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે જો સમાજમાં દરેક વ્યક્તિ એકબીજાની લાગણીઓનો આદર કરે, તો કોઈએ પોલીસ સુરક્ષા વચ્ચે પોતાના પ્રસંગો ઉજવવા ન પડે.
આ પણ વાંચો: અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત











Users Today : 852