‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો નારો આપનાર પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર એવા વારાણસીમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક 14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ સુધી બંધક બનાવીને સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી ગત 11 મેના રોજ સ્કૂલે જવા નીકળેલી આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના લાંબા સંઘર્ષ બાદ આખરે સગીરાને મુક્ત કરાવી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ મામલે સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્કૂલે જવા નીકળેલી સગીરાનું અપહરણ કરાયું
મળતી માહિતી મુજબ, વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં રહેતી 14 વર્ષની દલિત સગીરા ગત 11 મેના રોજ રોજિંદા ક્રમ મુજબ શાળાએ જવા નીકળી હતી, પરંતુ તે પરત ફરી નહોતી. બાળકી ગુમ થતાં ચિંતાતુર બનેલી તેની માતાએ ગામના જ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની આશંકા સાથે તાત્કાલિક ચૌબેપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જો કે, પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસે તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી અને તેમને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મૂક્યા હતા. લાચાર માતા આખી રાત પોતાની દીકરીને શોધતી રહી પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો.

આ પણ વાંચોઃ કડીની દલિત સગીરાને પીંખી નાખનાર 6 નરાધમોને આજીવન કેદની સજા
પોલીસની ઘોર ઉદાસીનતા
પોલીસની ઉદાસીનતા વચ્ચે દિવસો વીતતા ગયા અને સગીરા સતત 20 દિવસ સુધી ગુમ રહી. પરિવારે શરૂઆતમાં જ જે લોકો પર શંકા વ્યક્ત કરી હતી, પોલીસે તેમની પ્રાથમિક પૂછપરછ કરવાની પણ તસ્દી લીધી નહોતી. આ દરમિયાન, પીડિત પરિવારને ખાનગી રાહે બાતમી મળી કે તેમની દીકરીને ગામની બહાર આવેલા એક જૂના અને નિર્જન મકાનમાં રાખવામાં આવી છે. પરિવારે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલા સાથે જ્યારે પરિવાર તે નિર્જન મકાને પહોંચ્યો, ત્યારે બાળકી ત્યાં જ મળી આવી હતી અને તેને તે જ લોકોએ બંધક બનાવી રાખી હતી જેમના નામ પરિવારે પોલીસને પહેલા જ દિવસે આપ્યા હતા. પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે પરિવાર પર કેસ પાછો ખેંચવા દબાણ કર્યું!
બાળકી મુક્ત થયા બાદ સામે આવ્યું કે આ 20 દિવસ દરમિયાન આરોપીઓએ તેને ગોંધી રાખીને તેની પર સતત સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના કારણે સગીરા અત્યંત ભયભીત અને આઘાતમાં છે. આટલી ગંભીર ઘટના બાદ પણ પોલીસ પોતાની બેદરકારી છુપાવવા માટે પીડિત પરિવાર પર જ કેસ પાછો ખેંચવા દબાણ કરી રહી હોવાનો સળગતો આક્ષેપ થયો છે. આક્ષેપ અનુસાર, પોલીસે સગીરાનો એક વીડિયો પણ બનાવ્યો છે જેમાં તેની પાસે પરાણે એવું કહેવડાવવામાં આવ્યું છે કે તેની માતાની માનસિક સ્થિતિ ઠીક નથી અને તેનું કોઈ અપહરણ થયું નહોતું.
જો પોલીસે સમયસર પરિવારની આશંકાના આધારે તપાસ કરી હોત, તો માસૂમ બાળકીને આટલી ભયાનક પીડામાંથી વહેલી બચાવી શકાઈ હોત. હાલમાં આ મામલો મીડિયામાં આવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને દલિત બાળકીને ન્યાય મળશે કે કેમ તે અંગે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો











