સાબરકાંઠાના ઈડર તાલુકાના ડુંગરી ગામમાં દલિતો દ્વારા મરણ પ્રસંગે ઉપયોગમાં લેવાતા નાવણિયાને લઈને લાંબા સમયથી ચાલતો વિવાદ ઉગ્ર બનતા પટેલોએ દલિતો પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે દલિત યુવકો અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
ડુંગરી ગામના વણકર રમેશભાઈ મોહનભાઈના જણાવ્યા અનુસાર, ગામમાં પટેલ અને દલિત સમાજ માટે અલગ-અલગ નાવણિયાની વ્યવસ્થા છે. મરણ પ્રસંગે અંતિમવિધિમાં હાજર રહેતા લોકો સ્નાન કરવા માટે આ જગ્યાઓનો ઉપયોગ કરે છે. જોકે, આ નાવણિયાના ઉપયોગ અને વ્યવસ્થાને લઈને બંને સમાજ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

તેમના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે સવારે સરપંચે ફોન કરીને રાજુભાઈને નાવણિયાની ચાવી આપવા જણાવ્યું હતું. જોકે, રાજુભાઈએ ચાવી આપવાનો ઇનકાર કર્યો હતો અને વિવાદ થાય તેવું કોઈ કામ ન કરવા જણાવ્યું હતું. તેમ છતાં પટેલ સમાજના કેટલાક યુવકોએ નાવણિયાનું તાળું તોડી નાખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને બંને સમાજ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે ધીમે ધીમે ઉગ્ર ઘર્ષણમાં ફેરવાઈ હતી.
112 પર ફોન કર્યો છતાં ઘર્ષણ અટક્યું નહીં?
રમેશભાઈએ જણાવ્યું હતું કે વિવાદ અને મારામારી થવાની શક્યતા જણાતાં તેમણે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસની હાજરીમાં જ ટોળાએ મારામારી કરી હોવાનો રમેશભાઈએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચોઃ ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ
બીજી તરફ, અન્ય વિગતો મુજબ, બંને સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનામાં બંને પક્ષના લોકો સામસામે આવી જતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન દલિત સમાજના 2 લોકો ઉપરાંત એક પોલીસકર્મી પણ પથ્થરમારામાં ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈડરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને દલિત યુવકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હોવાની વિગતો સામે આવી છે.

નાવણિયાનો વિવાદ અગાઉ પણ પોલીસ સુધી પહોંચ્યો હતો
રમેશભાઈના જણાવ્યા પ્રમાણે, નાવણિયાની જગ્યાને લઈને અગાઉ પણ પોલીસને રજૂઆત અને જાણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી થઈ ન હોવાનો તેમનો આક્ષેપ છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો ઉકેલ ન આવતાં આખરે મામલો હિંસક ઘર્ષણ સુધી પહોંચ્યો છે.
ડુંગરી ગામની આ ઘટના ફરી એકવાર જાહેર સુવિધાઓના ઉપયોગ અને જાતિ આધારિત સામાજિક વિવાદના ગંભીર પ્રશ્નો સામે લાવે છે. ખાસ કરીને મરણ પ્રસંગ જેવી સામાજિક પરિસ્થિતિમાં સ્નાન કરવા માટેની જગ્યાના ઉપયોગ મુદ્દે બે સમાજ વચ્ચે ઘર્ષણ થવું ચિંતાજનક છે. હાલ સમગ્ર ઘટનામાં કોણે પથ્થરમારો શરૂ કર્યો અને નાવણિયાનું તાળું તોડવા પાછળની હકીકત શું છે તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચોઃ ઈડરના ચિત્રોડામાં મહાદેવ મંદિરમાંથી 11.36 લાખનો ગાંજો ઝડપાયો











