દલિત લેબ આસિસ્ટન્ટના ટેબલ પર માનવ મળ ફેંકવામાં આવ્યું!

દલિત સમાજમાંથી આવતા સરકારી સ્કૂલના લેબ આસિસ્ટન્ટ જાતિવાદનો વિરોધ કરતા હોવાથી તેમના ટેબલ પર માનવ મળ ફેંકવામાં આવ્યું.
dalit news

દલિત સમાજની કોઈ શિક્ષિત વ્યક્તિ જ્યારે સરકારી નોકરીઓમાં દલિતો સાથે થતા ભેદભાવ મુદ્દે અવાજ ઉઠાવે છે, ત્યારે જાતિવાદી તત્વો દ્વારા તેમને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હોય છે.

આવી જ એક ઘટનામાં એક સરકારી શાળાના દલિત લેબ આસિસ્ટન્ટના ટેબલ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા માનવ મળ ફેંકવામાં આવ્યું હતું. મેસેજ સ્પષ્ટ હતો- તમે આને જ લાયક છો. આ મામલે દલિત લેબ આસિસ્ટન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મામલો તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવેલી એક સરકારી શાળાનો છે. જ્યાં અનુસૂચિત જાતિ (SC) સમાજના લેબ આસિસ્ટન્ટના ટેબલ પર માનવ મળ જેવો પદાર્થ મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત કર્મચારીએ શાળામાં જાતિગત ભેદભાવ થતો હોવાનો તેમજ દલિત શિક્ષકો અને કર્મચારીઓને અલગ ઓરડામાં બેસાડવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ‘RSS અને ભાજપ આજે પણ દલિતોને માણસ નથી ગણતા!’

આ ઘટના અરિયાલુર જિલ્લામાં જયમકોન્ડમ નજીક આવેલી ટી. કીલાવેલી સરકારી હાયર સેકન્ડરી સ્કૂલની છે. પીડિત લેબ આસિસ્ટન્ટનું નામ પી. કન્નદાસન છે. આ શાળામાં 260 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આશરે 21 શિક્ષકો તથા કર્મચારીઓ ફરજ બજાવે છે.

દિવાળીની રજાઓ દરમિયાન બની હોવાનો દાવો

અહેવાલો મુજબ, આ ઘટના 10 નવેમ્બરના રોજ બની હોવાનું જણાવાઈ રહ્યું છે. તે સમયે શાળામાં દિવાળીની રજાઓ ચાલી રહી હતી. રજાઓ પૂર્ણ થયા બાદ જ્યારે શાળા ખુલી, ત્યારે લેબ આસિસ્ટન્ટ કન્નદાસનના ટેબલ પર માનવ મળ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ અંગે કન્નદાસને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જયમકોન્ડમના નાયબ પોલીસ અધિક્ષક (DSP) એ. વેલમુરુગનને ફરિયાદ કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે શાળામાં લાંબા સમયથી જાતિ આધારિત ભેદભાવનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાનો બફાટઃ ‘સફાઈ ફ્રીમાં નથી કરતા’

અલગ ઓરડામાં બેસાડવાના આક્ષેપો

કન્નદાસનના જણાવ્યા અનુસાર, દલિત સમાજમાંથી આવતા શિક્ષકો અને કર્મચારીઓને એક ઓરડામાં બેસાડવામાં આવતા હતા, જ્યારે અન્ય સમાજના શિક્ષકો અલગ ઓરડામાં બેસતા હતા. તેમણે દાવો કર્યો હતો કે કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ લાંબા સમયથી ચાલી રહ્યો હતો.

શિક્ષણ વિભાગની તપાસ બાદ ત્રણ કર્મચારીઓની બદલી

ઘટનાની જાણ થયા બાદ જિલ્લા મુખ્ય શિક્ષણ અધિકારી (CEO) એમ. રેણુગોપાલે 18 નવેમ્બરના રોજ મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે શાળાની મુલાકાત લઈને નિરીક્ષણ અને તપાસ કરી હતી. તપાસ બાદ શાળાના 3 કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મુરુગનને શ્રીપુરંથન ખાતેની અન્ય શાળામાં બદલી કરવામાં આવી હતી. લેબ આસિસ્ટન્ટ પી. કન્નદાસનને કામરસાવલી ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે સામાજિક વિજ્ઞાનના શિક્ષક રવિચંદ્રનને પરાનમ ગામની શાળામાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવતી પર ચાલતી કારમાં 5 યુવકોનો ગેંગરેપ

તપાસમાં જૂથબંધી અને મતભેદની બાબત સામે આવી

અહેવાલો અનુસાર, શિક્ષણ વિભાગની તપાસમાં શાળાના કર્મચારીઓ વચ્ચે જૂથબંધી અને જાતિગત મતભેદો હોવાની બાબત બહાર આવી હતી. આ પરિસ્થિતિને રોકવામાં આચાર્ય નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ પણ મૂકાયો હતો. જોકે, ટેબલ પર શંકાસ્પદ પદાર્થ મૂકવાની ઘટનામાં કોની સંડોવણી હતી, તે અંગે તપાસ ચાલી રહી છે.

VCK નો વિરોધ પ્રદર્શન, 170 થી 200 કાર્યકરો અટકાયતમાં

આ ઘટના અને કથિત જાતિગત ભેદભાવના વિરોધમાં 23 નવેમ્બરના રોજ VCK ના કાર્યકરોએ અરિયાલુર જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસે આશરે 170 થી 200 કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીનો ડોળ! નબીરાઓ સામે પોલીસ કેમ ચૂપ?

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ વિરોધ

આ મામલાની અસર શાળાના વિદ્યાર્થીઓ પર પણ જોવા મળી છે અને આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક અહેવાલો મુજબ, વાલી-શિક્ષક મંડળ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં કથિત જાતિગત ભેદભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાતિગત ભેદભાવ માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી હતી. આ ઉપરાંત શાળામાં CCTV કેમેરા લગાવવા અને રાત્રિના સમયે સુરક્ષા માટે ચોકીદાર નિયુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

તપાસ અને કાર્યવાહી પર સૌની નજર

અરિયાલુરની આ ઘટનાને લઈને સરકારી શાળાઓમાં વ્યવસ્થા અને વાતાવરણ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. એક જ શાળામાં અલગ-અલગ ઓરડામાં બેસાડવાની બાબત સામે આવેલા આક્ષેપો બાદ તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં પોલીસની તપાસ અને શિક્ષણ વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ શંકાસ્પદ પદાર્થ કોણે અને કેવા સંજોગોમાં મૂક્યો હતો તેની સ્પષ્ટતા થઈ શકશે. આ મામલે પોલીસ તપાસના આધારે SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: સામાજિક સમાનતા માટે સત્તા કેમ જરૂરી છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x