વિસનગર: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામમાં કડિયાકામ પતાવીને ઊભેલા એક દલિત યુવક પર ગામની જ ઠાકોર મહિલાએ ધારીયા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોર મહિલાએ યુવકને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા અને માથામાં ધારીયું ઝીંકી દીધું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિસનગર તાલુકા પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે હુમલાખોર મહિલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
મામલો શું હતો?
પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, પુદગામના સેનમાવાસમાં રહેતા 35 વર્ષીય જગદીશકુમાર માધાભાઈ સેનમા વ્યવસાએ કડિયાકામ કરે છે. ગત 12 જૂનના રોજ તેઓ પોતાના પિતા માધાભાઈ સાથે ગામમાં જ કડિયાકામ અર્થે ગયા હતા. સાંજના સમયે કામ પૂરું કરીને બન્ને પિતા-પુત્ર ગામના જ રહેવાસી ઠાકોર કિરણજી બાબરજીના ઘરની આગળ પોતાના ઓજારો મૂકવા માટે ઊભા રહ્યા હતા. આ સ્થળે કિરણજી અને તેમના પરિવારના સભ્યો સાથે જગદીશકુમારની મજૂરીના હિસાબ અને કામ બાબતે સામાન્ય વાતચીત ચાલી રહી હતી.

આ પણ વાંચો: મોબાઈલ ચોરીની શંકામાં બે દલિત યુવકોને નગ્ન કરી ફેરવાયા!
ઠાકોર મહિલાએ જાતિસૂચક અપમાન કરી હુમલો
આ ચર્ચા દરમિયાન, ગામના જ વતની ઠાકોર તારાબેન વિરાજી નામના મહિલા હાથમાં ધારીયું લઈને ત્યાં ધસી આવ્યા હતા. તેમણે અચાનક જ જગદીશકુમારને નિશાન બનાવીને જાતિસૂચક અને અત્યંત અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. મહિલાએ ઉશ્કેરાઈને જગદીશકુમારને કહ્યું કે, “મારા દીકરાની પત્ની દોઢ મહિનાથી ઘરેથી નીકળી ગઈ છે, જેની તને ખબર છે. તું મારી વહુને શોધી લાવ.” જ્યારે જગદીશકુમારે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું અને જાહેરમાં આ રીતે જાતિવિષયક અપશબ્દો બોલવાની ના પાડી, ત્યારે મહિલા વધુ હિંસક બની હતી.
તારાબેને તુરંત જ હાથમાં રહેલું ધારીયું જગદીશકુમારના માથાના ભાગે ઝીંકવા માટે ઉગામ્યું હતું. જગદીશકુમારે બચાવ અર્થે સહેજ પાછળ ખસવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં ધારીયાની અણી તેમની જમણી આંખની બિલકુલ ઉપર કપાળના ભાગે જોરથી વાગી ગઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું.
આ પણ વાંચો: દલિત યુવકે મજૂરી માંગતા માલિકે ગોળના ઉકળતા કૂંડમાં ફેંકી દીધો!

વચ્ચે પડેલા લોકોએ બચાવ કર્યો
હુમલા બાદ ઉત્તેજિત થયેલી મહિલા ફરીથી જગદીશકુમાર પર ધારીયાનો બીજો ઘા કરવા જઈ રહી હતી, પરંતુ ત્યાં હાજર જગદીશકુમારના પિતા માધાભાઈ, કિરણજી ઠાકોર અને મુકેશજી ઠાકોરે મહિલાનું ધારીયું પકડી લીધું હતું. આ ત્રણેય પુરુષોએ વચ્ચે પડીને મહિલાને કાબૂમાં લીધી હતી અને ઘટનાસ્થળેથી દૂર ખસેડી હતી. ત્યાંથી જતા-જતા પણ આરોપી મહિલાએ પીડિત યુવકને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
એટ્રોસિટીની એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
હુમલામાં લોહીલુહાણ થયેલા જગદીશકુમાર સેનમાને તેમના પિતા અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર માટે વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ કાયદાકીય કેસ (MLC) નોંધી તેમની સારવાર કરી હતી. હોસ્પિટલમાંથી નવરાશ મળ્યા બાદ જગદીશકુમારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તારાબેન વીરાજી ઠાકોર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: નાગરિક તરીકે આપણને મળેલા હકોની સીમા ક્યાં સુધી?











