ઉત્તર ભારત દલિતો માટે શા માટે જીવતેજીવ ગુલામી અને નર્કાગાર ગણાય છે તેના દરરોજ કોઈને કોઈ ઉદાહરણો સામે આવતા રહે છે. તાજો દાખલો યુપીના લલિતપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં નશામાં ધૂત ત્રણ શખ્સોએ એક દલિત યુવકની એટલા માટે હત્યા કરી નાખી, કેમ કે તેણે તેમના પગની માલિશ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
યુપીના લલિતપુરની ઘટના
બાંદાના લલિતપુર જિલ્લામાં એક દારૂની મહેફિલ દરમિયાન માત્ર પગની માલિશ કરવાનો ઇનકાર કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા ત્રણ નશેડીઓએ એક ૩૩ વર્ષીય દલિત યુવકની બેલ્ટ અને લોખંડના સળિયા વડે માર મારીને હત્યા કરી નાખી છે. આરોપીઓએ આ ઘાતકી હત્યાને એક સામાન્ય માર્ગ અકસ્માતનું સ્વરૂપ આપવા માટે યુવકના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. લલિતપુર પોલીસે આ ચકચારી મામલામાં ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તમામ આરોપીઓએ ગુનો પણ કબૂલી લીધો છે.

મામલો શું હતો?
લલિતપુરના અપર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (ASP) કાળુ સિંહે આ ઘટના અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે પોલીસ સ્ટેશનને સ્થાનિક લોકો દ્વારા સૂચના મળી હતી કે, વર્ની જૈન કોલેજની પાછળ અને ગુરુનાનક ધર્મશાળાની નજીક આવેલા એક જાહેર રસ્તા પર એક અજાણ્યો યુવક લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં પડ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ત્યાં હાજર તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જ યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જ્યારે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા ત્યારે તેની ઓળખ ૩૩ વર્ષીય રાજકુમાર ઉર્ફે છન્નુ તરીકે થઈ હતી, જે સ્થાનિક અનુસૂચિત જાતિ (દલિત) સમાજનો હતો.
આ પણ વાંચોઃ ‘ભૈયા જરા રાસ્તા દેના’ કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!
દારૂ પાર્ટીમાં ત્રણ સવર્ણ ગુંડાઓએ હદ વટાવી
પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને તુરંત જ ક્રાઈમ સીન અને ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આસપાસની તપાસ અને કડીઓ જોડતા પોલીસને જાણવા મળ્યું કે, મૃતક રાજકુમાર શનિવારે રાત્રે સિવિલ લાઇન્સ વિસ્તારમાં સ્થિત સમ્યક રાજનાયક ઉર્ફે રાહી જૈન (ઉંમર ૩૮ વર્ષ) નામના વ્યક્તિના ઘરે આયોજિત એક ખાનગી દારૂની પાર્ટીમાં સામેલ થવા માટે ગયો હતો. આ મહેફિલમાં ઘરમાલિક રાહી જૈન ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ ગજેન્દ્ર નરવરિયા ઉર્ફે ગજેન્દ્ર સિંહ રાજપૂત (ઉંમર ૩૭ વર્ષ) અને ગૌરવ રૈકવાર (ઉંમર ૨૫ વર્ષ) પણ હાજર હતા.
સવર્ણોના પગની માલિશ કરવાનો ઈનકાર કરતા હત્યા
પોલીસ પૂછપરછ અને તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, દારૂના નશામાં ધુત થયેલા ત્રણેય કથિત ઉચ્ચ જ્ઞાતિના આરોપીઓએ દલિત યુવક રાજકુમારને ઓર્ડર આપીને પોતાના પગની માલિશ કરવા માટે દબાણ કર્યું હતું. રાજકુમારે તેમનો આ ઓર્ડર માનવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ત્રણેય નશાખોરો ઘરમાં રાખેલા ચામડાના બેલ્ટ અને લોખંડના રોડ વડે રાજકુમાર પર તૂટી પડ્યા હતા અને તેના પર ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલાના કારણે ગંભીર આંતરિક અને બાહ્ય ઈજાઓ થવાથી રાજકુમારનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

હત્યાને છુપાવવા મૃતદેહ રસ્તા પર ફેંકી દીધો
પોતાના હાથે હત્યા થઈ ગઈ હોવાની જાણ થતાં જ ગુનાને છુપાવવા માટે ત્રણેય આરોપીઓએ એક કાવતરું ઘડ્યું હતું. તેમણે અંધારામાં રાજકુમારના શવને ગુરુનાનક ધર્મશાળા પાસેના રસ્તા પર ફેંકી દીધો હતો, જેથી સવારે લોકોને એવું લાગે કે તેનું મોત કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી એટલે કે રોડ અકસ્માતમાં થયું છે. જો કે, પોલીસની તપાસ સામે આ કાવતરું ટકી શક્યું નહીં. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોને દબોચી લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર દીકરીની પિતાએ પોલીસ સામે જ હત્યા કરી











