વિકલાંગ દલિત વરરાજાને જાતિવાદીઓએ ઘોડા પરથી ઉતારી ફટકાર્યા

દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.
Disabled Dalit groom beaten

દેશમાં લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ દલિતોના વરઘોડા પર જાતિવાદી તત્વોના હુમલા પણ શરૂ થઈ ચૂક્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના દમોહમાં બની છે. અહીંના હટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિજોરી પાઠક ગામમાં મંગળવારે સાંજે એક દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડો નીકળ્યો હતો. એ દરમિયાન ગામના કેટલાક જાતિવાદી તત્વોએ વરઘોડાને રોકી, વરરાજાને ઘોડા પરથી નીચે પછાડીને લાકડીઓ વડે માર માર્યો હતો. આ હુમલા બાદ લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી અને ભયભીત બનેલા પરિવારજનો વરરાજા સાથે સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

જાતિવાદી માનસિકતાનું વરવું પ્રદર્શન

ઘટનાની વિગતો મુજબ, બિજોરી પાઠક ગામના રહેવાસી ગરીબા અહિરવારના 23 વર્ષીય પુત્ર ગોલુ અહિરવારના લગ્ન નક્કી થયા હતા. મંગળવારે તેની જાન છતરપુર જિલ્લાના બક્સવાહા વિસ્તારમાં જવા માટે તૈયાર હતી. ગામની પરંપરા મુજબ, જાન પ્રસ્થાન કરે તે પહેલાં સાંજે અંદાજે પાંચ વાગ્યાની આસપાસ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગોલુ અહિરવાર, જે જન્મથી વિકલાંગ છે, તે ઘોડા પર સવાર હતો અને પરિવારના સભ્યો તેમજ મિત્રો લગ્નના ગીતો અને ડીજેના તાલે ઉજવણી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવતી ચૈત્રી નવરાત્રિએ મંદિરમાં દર્શન કરવા ગઈ, જાણો પછી શું થયું

જ્યારે આ વરઘોડો ગામના લોધી મહોલ્લા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનીક માથાભારે તત્વોએ રસ્તો રોકી લીધો હતો. આરોપીઓએ દલિત સમાજનો યુવક ઘોડા પર સવાર થઈને તેમના વિસ્તારમાંથી નીકળે તે બાબતે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. આરોપીઓએ જાતિવાદી ગાળો ભાંડી વરરાજાને તુરંત ઘોડા પરથી નીચે ઉતરવા માટે ધમકી આપી હતી.

Disabled Dalit groom beaten

વિકલાંગ વરરાજા પર પણ દયા ન આવી

પીડિત વરરાજા ગોલુએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, “હું વિકલાંગ છું અને ઘોડા પર માંડ બેઠો હતો, છતાં આરોપીઓએ મને બળજબરીથી નીચે પછાડી દીધો. મેં વિનંતી કરી કે આજે મારા લગ્ન છે, પણ તેમણે કંઈ સાંભળ્યું નહીં અને લાઠી-ડંડા વડે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું.” હુમલાખોરોએ ગોલુને જમીન પર પછાડીને લાતો અને મુક્કાઓથી માર માર્યો હતો, જેના કારણે તેને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ અને સોજા આવ્યા છે.

પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું

આ હિંસા માત્ર વરરાજા સુધી સીમિત ન રહી. ગોલુની માતા વિદ્યા અહિરવાર અને બહેન મનીષા જ્યારે તેને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો. માતા વિદ્યાએ રડતા રડતા જણાવ્યું કે, આરોપીઓએ તેમની પુત્રી મનીષા સાથે ઝપાઝપી કરી હતી અને તેને પણ માર માર્યો હતો. પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ અફરાતફરીનો લાભ લઈને આરોપીઓએ મનીષાના ગળામાંથી સોનાના ઘરેણાંની લૂંટ પણ ચલાવી છે. હુમલામાં મુખ્ય આરોપીઓ તરીકે ગુડ્ડુ સિંહ, ક્રિષ્ના, હાકમ અને પલટુના નામ સામે આવ્યા છે.

Disabled Dalit groom beaten

આ પણ વાંચો: દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો

વરઘોડો સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો

ગામમાં રક્ષણના અભાવે અને જાતિવાદી તત્વોના આતંકને કારણે વરરાજા પક્ષે લગ્નની વિધિઓ અટકાવી દીધી હતી. હાર-તોરા અને લગ્નના કપડાંમાં સજ્જ વરરાજા ગોલુ, તેના ઈજાગ્રસ્ત માતા-બહેન અને સમગ્ર વરઘોડો હટા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. લગ્નનો માહોલ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ફેરવાઈ ગયો હતો. દલિત વરરાજા પરના હુમલાની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસે તુરંત વરરાજાનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું.

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

હટા પોલીસ સ્ટેશનના પ્રભારી સુધીર કુમાર બેગીએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, “ગરીબા અહિરવારની ફરિયાદ પર વિશ્વનાથ લોધી, બિચ્છુ લોધી, પલટુ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ SC-ST એટ્રોસિટી એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) તેમજ મારપીટ અને લૂંટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.”

આ પણ વાંચો: ‘તમેય સ્માર્ટ ફોન વાપરવા માંડ્યા?’ કહી દલિત યુવકને જાતિવાદીઓએ માર માર્યો

ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાયું

ઘટનાને પગલે બિજોરી પાઠક ગામમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય દલિત પરિવારોમાં ડર ન ફેલાય તે માટે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત રક્ષણ હેઠળ મોડી રાત્રે બારાતને છતરપુર જવા રવાના કરવામાં આવી હતી. આ ઘટનાએ 21મી સદીના ભારતમાં સામાજિક સમાનતાના વાસ્તવિક ચિત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે દોડી રહી છે.

આ પણ વાંચો: દલિત ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન બનાવી દીધી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x