બંગાળમાં ભાજપ નેતાઓએ ‘શાકાહાર’ પડતો મૂકી ‘માછલી’ ખાવાનું શરૂ કર્યું!

દેશભરમાં માંસાહારના નામે દલિતો, મુસ્લિમોને ટાર્ગેટ કરનાર ભાજપે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે માછલી ખાવાનું શરૂ કર્યું છે. ભાજપના મોટા નેતાઓ જાહેરમાં મચ્છી-ભાત ખાઈ રહ્યાં છે.
Bengal BJP eating fish

પશ્ચિમ બંગાળની રાજકીય રણભૂમિમાં આ વખતે ‘માછલી’ માત્ર ભોજન નથી, પરંતુ સત્તા મેળવવાનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધી વિકાસ, ભ્રષ્ટાચાર અને રોજગારી જેવા મુદ્દાઓ ગાજતા હતા, પરંતુ આ વખતે લડાઈ લોકોની થાળી સુધી પહોંચી છે. જે ભાજપના નેતાઓ દેશના અન્ય ભાગોમાં માંસાહાર કરનારાઓને ટાર્ગેટ કરવામાં ક્યારેય પાછીપાની નથી કરતા, તેઓ આજે બંગાળમાં માછલી ખાઈ રહ્યાં છે.

તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભાજપ પર ‘હિન્દી-ભાષી પક્ષ’ અને ‘બંગાળી સંસ્કૃતિ વિરોધી’ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હવે જાહેરમાં માછલી ખાઈને અને હાથમાં માછલી લઈને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

ભાજપના નેતાઓએ માછલી ખાવાનું શરૂ કર્યું

તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં એક એવો ડર પેદા કર્યો છે કે જો ભાજપ સત્તા પર આવશે, તો તે બંગાળીઓની ઓળખ અને પરંપરાગત ભોજન એવા ‘માછલી-ભાત’ પર પ્રતિબંધ મૂકી દેશે. આ નેરેટિવ ભાજપ માટે જીતવામાં મોટો અવરોધ સાબિત થઈ શકે તેમ હતો, કારણ કે બંગાળમાં માછલી એ માત્ર ખોરાક નથી પણ જીવનશૈલી છે. આથી, ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રણનીતિ બદલીને પોતે પણ માછલી પ્રેમી હોવાનું નાટક શરૂ કર્યું છે. જે પક્ષ હંમેશા હિન્દુત્વ અને શાકાહારના નામે મતોનું ધ્રુવીકરણ કરે છે, તેણે બંગાળના દરિયાકાંઠે આવતા જ પોતાની ધાર્મિક અને નૈતિક માન્યતાઓને જાણે પેટીમાં પૂરી દીધી છે.

Bengal BJP eating fish

આ પણ વાંચો: દલિત સગીરાએ છેડતીથી કંટાળી ડીઝલ છાંટી આત્મદહન કર્યું

ભાજપના મોટા નેતાઓએ મચ્છી આરોગી

ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાનો પરંપરાગત શાકાહારનો અને સાત્વિક આહારનો આગ્રહ સંપૂર્ણપણે ત્યજી દીધો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અનુરાગ ઠાકુર તાજેતરમાં બંગાળની મુલાકાતે હતા ત્યારે તેઓ અત્યંત ઉત્સાહથી માછલી અને ભાત આરોગતા જોવા મળ્યા હતા. આ કોઈ સાધારણ ભોજન નહોતું, પણ કેમેરા સામે કરવામાં આવેલું એક સોશિયલ એન્જિનિયરિંગ હતું. તેવી જ રીતે, નાગાલેન્ડના ભાજપ નેતા તેમજેન ઈમ્ના અલોંગ પણ બંગાળી માછલીના સ્વાદના ગુણગાન ગાતા નજરે પડ્યા હતા.

આ દ્રશ્યો જોઈને સામાન્ય માનવીને પ્રશ્ન થાય છે કે જે માંસાહાર ઉત્તર ભારતમાં વિવાદ અને હિંસાનું કારણ બને છે, તે જ માંસાહાર બંગાળમાં ભાજપ માટે ‘પવિત્ર પ્રસાદ’ કેવી રીતે બની ગયો?

ભાજપના નેતાઓ હાથમાં માછલાં પકડી પ્રચાર કરે છે

ભાજપના ઉમેદવારો હવે મતદારોને રીઝવવા માટે એટલી હદે ઉતરી આવ્યા છે કે તેમણે પક્ષના ઝંડાને બદલે હાથમાં માછલીઓ પકડવાનું શરૂ કર્યું છે. ભાજપ ઉમેદવાર રાકેશ સિંહ જ્યારે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા ત્યારે તેમના બંને હાથમાં બે મોટી માછલીઓ હતી. તેઓ રસ્તા પર ચાલીને લોકોને એવો સંદેશ આપવા માંગતા હતા કે તેઓ બંગાળીઓના ખાણીપીણીના અધિકારોના રક્ષક છે. આ જ રીતે ડો. શરદ્વત મુખર્જીએ પણ હાથમાં માછલી પકડીને પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!

આ પ્રકારનું પ્રદર્શન એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે ભાજપના નેતાઓ પોતાની મૂળભૂત વિચારધારા સાથે ગમે તેવા સમાધાન કરી શકે છે. જે નેતાઓ માંસાહારના વિરોધમાં ભાષણો આપતા થાકતા નથી, જેઓ માંસાહારના નામે દલિતો, મુસ્લિમોને ટાર્ગેટ કરે છે, તેઓ જ આજે મતોની લાલચમાં માંસ ખાય છે.

Bengal BJP eating fish

ભાજપના નેતાઓના દંભને ઓળખો

ભાજપની આ આખી વ્યૂહરચના પાછળ માત્ર અને માત્ર સત્તાની ભૂખ છુપાયેલી છે. એક તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં માંસાહાર કરનારાઓ પ્રત્યે નફરત ફેલાવવામાં આવે છે અને ખાનપાન પર નિયંત્રણો લાદવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ બંગાળમાં જીતવા માટે એ જ નેતાઓ માંસાહારી બની જાય છે. જનતાએ આ ગંભીર બાબત પર ધ્યાન આપવું પડશે કે ભાજપ માટે વિચારધારા માત્ર એક મહોરું છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે, ત્યારે તેમને માંસાહાર પણ નડતો નથી અને તેઓ ખુદ મિજબાનીઓ માણવા લાગે છે.

બંગાળની જનતાને છેતરવા માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ વાસ્તવમાં મતદારોની બુદ્ધિનું અપમાન છે. જે નેતાઓ વોટ માટે પોતાની થાળી બદલી શકે છે, તેઓ સત્તા મળ્યા પછી જનતાના હિતોનું કેટલું રક્ષણ કરશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં નવી OBC યાદી પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x