મનુવાદીઓ કેટલા નિમ્ન સ્તરના લોકો છે તેના આમ તો અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે, પરંતુ તેમના બેવડા ધોરણોની પોલ ખોલી નાખતું સૌથી મોટું ઉદાહરણ નકલી જાતિ પ્રમાણપત્રો બનાવી એસસી, એસટી, ઓબીસીના હકો પર તરાપ મારીને ચૂંટણી લડીને મંત્રીપદ મેળવી લેવાનું છે. આવા આમ તો અનેક ઉદાહરણો સામે આવી ચૂક્યા છે. પરંતુ તાજો દાખલો મધ્યપ્રદેશ સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રતિમા બાગરીનો છે. આરોપ છે કે, પ્રતિમા બાગરી પોતે રાજપૂત જાતિના હોવા છતાં નકલી એસસી સર્ટિફિકેટ બનાવીને તેના આધારે એસસી અનામત સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હાલ રાજ્યકક્ષાના મંત્રી બની ગયા છે.
મામલો અઢી વર્ષથી દબાવી રાખવામાં આવ્યો
મધ્યપ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી અને સતના જિલ્લાની રૈગાંવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રતિમા બાગરીના જાતિ પ્રમાણપત્રને લઈને ચાલી રહેલો કાનૂની વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. જબલપુર હાઈકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ અવનિન્દ્ર કુમાર સિંહની બેન્ચે આ મામલે રાજ્ય સરકારની ઢીલી નીતિ સામે લાલ આંખ કરી છે.

છેલ્લા અઢી વર્ષથી પેન્ડિંગ આ કેસમાં કોર્ટે રાજ્ય સ્તરની હાઈ લેવલ કાસ્ટ સ્ક્રૂટની કમિટીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આગામી 60 દિવસની અંદર મંત્રીના જાતિ પ્રમાણપત્રની સત્યતા તપાસીને અંતિમ નિર્ણય લેવામાં આવે. કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે શા માટે આ તપાસને એક વર્ષથી દબાવી રાખવામાં આવી હતી. અદાલતે નિર્દેશ આપ્યો છે કે તપાસ સમિતિએ પ્રતિમા બાગરીને સાંભળવાની પૂરતી તક આપવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં 30 જૂન, 2026 પહેલા આ અંગેનો આદેશ પસાર કરવો પડશે, અન્યથા અરજદાર ફરીથી કાનૂની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે.
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!
રાજપૂત હોવા છતાં એસસી સીટ અનામત સીટ પર ચૂંટણી લડી?
આ સમગ્ર વિવાદની પાછળ મુખ્ય દલીલ પ્રતિમા બાગરીની સામાજિક પૃષ્ઠભૂમિ છે. કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ અહિરવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે પ્રતિમા બાગરી વાસ્તવમાં રાજપૂત સમાજના છે અને તેમણે રાજકીય લાભ ખાતર અનુસૂચિત જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું છે. રૈગાંવ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે, જ્યાંથી તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
અરજદારની દલીલ છે કે મધ્યપ્રદેશના ભૌગોલિક વર્ગીકરણ મુજબ બઘેલખંડ, બુંદેલખંડ અને મહાકૌશલ વિસ્તારોમાં ‘બાગરી’ જ્ઞાતિ રાજપૂત સમાજમાં આવે છે, જ્યારે માત્ર માળવા-નિમડ વિસ્તારમાં જ આ જ્ઞાતિને SC શ્રેણીમાં રાખવામાં આવી છે. 2003 અને 2007ના સરકારી આદેશો મુજબ રાજપૂત પૃષ્ઠભૂમિ ધરાવતા બાગરી પરિવારો અનુસૂચિત જાતિના લાભો માટે પાત્ર નથી, તેમ છતાં પ્રતિમા બાગરીએ સત્તાનો દુરુપયોગ કરીને આ સર્ટિફિકેટ બનાવડાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બોલો લો! ઉનામાં બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજ ઝડપાઈ
મંત્રી પદ અને સભ્યપદ પર તોળાતું જોખમ
હાઈકોર્ટના આ કડક વલણ બાદ હવે પ્રતિમા બાગરીના મંત્રી પદ અને ધારાસભ્ય પદ પર જોખમ તોળાઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાઓ પ્રદીપ અહિરવાર અને ડો. વિક્રમ ચૌધરીએ આક્રમક રીતે જણાવ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ પ્રતિમા બાગરી હવે માત્ર બે મહિનાના જ મંત્રી રહ્યા છે. જો જાતિ તપાસ સમિતિ તેમના પ્રમાણપત્રને ગેરકાયદેસર ઠેરવે છે, તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું પડશે અને તેમની ચૂંટણી પણ રદ થઈ શકે છે.
આ મામલો માત્ર એક વ્યક્તિની જાતિનો નથી પરંતુ એક અનામત બેઠક પર વાસ્તવિક દલિત ઉમેદવારના બંધારણીય અધિકાર છીનવી લેવાનો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સંમતિ બાદ હવે સ્ક્રૂટની કમિટીએ નિર્ધારિત સમયમર્યાદામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું પડશે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે જે સવર્ણો દલિતોની અનામતને ગાળો ભાંડવાની એક પણ તક જતી નથી કરતા, તેઓ તક મળ્યે દલિત બનીને અનામત લાભ લઈ લેતા પણ ખચકાતા નથી.
આ પણ વાંચો: વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?












