Ken-Betwa project protest: મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાની સરહદ પર નિર્માણાધીન ઢોઢન ડેમ સાઈટ અત્યારે એક ગંભીર સંઘર્ષનું મેદાન બની છે, જ્યાં આદિવાસી મહિલાઓ પોતાના માસૂમ બાળકો સાથે સળગવા માટે તૈયાર ચિતાઓ પર સૂઈને સરકારના વિકાસના દાવાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. કેન-બેટવા લિંક પ્રોજેક્ટ(Ken-Betwa project) હેઠળ બની રહેલા ઢોઢન ડેમના સ્થળ પર સ્થાનિક આદિવાસી સમાજે ફરી એકવાર ઉગ્ર આંદોલન છેડ્યું છે. આ વખતે આંદોલન અત્યંત સંવેદનશીલ અને જોખમી વળાંક પર પહોંચ્યું છે. ‘જય કિસાન સંગઠન’ ના નેતા અમિત ભટનાગરની ધરપકડના વિરોધમાં સેંકડો આદિવાસી પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આદિવાસી મહિલાઓ બાળકો સાથે ચિતા પર સૂતી
આ આંદોલનનું સૌથી ભયાનક પાસું ‘ચિતા આંદોલન’ છે. આદિવાસી મહિલાઓ પોતાના દૂધ પીતા બાળકોને ખોળામાં લઈને લાકડાની ચિતાઓ પર સૂઈ ગઈ છે. તેમની એક જ માંગ છે કે જે જમીન પર ડેમ બનાવીને તેમને ઘર ઉજાડવામાં આવી રહ્યા છે, તે જ જમીન પર તેમને જીવતા સળગાવી દેવામાં આવે. હાલમાં આ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને વાતાવરણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો: આવા જજો હોય ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી?
કેન-બેતવા પ્રોજેક્ટમાં વિસ્થાપનનો મોટો ખતરો
કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ (Ken-Betwa river link project) ભારત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યપ્રદેશની કેન નદીનું પાણી ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારની બેટવા નદીમાં વાળવાનો છે. સરકારનો દાવો છે કે આનાથી લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
પરંતુ આ પ્રોજેક્ટની બીજી બાજુ અત્યંત કાળી છે. આ પ્રોજેક્ટના કારણે પન્ના ટાઈગર રિઝર્વનો મોટો હિસ્સો જળમગ્ન થઈ જશે અને સેંકડો આદિવાસી ગામોનું અસ્તિત્વ ખતમ થઈ જશે. આદિવાસીઓનો વિરોધ એ બાબત પર છે કે જે જંગલ અને જમીન સાથે તેમની પેઢીઓ જોડાયેલી છે, તે તેમને પૂછ્યા વગર અને યોગ્ય પુનઃવસવાટની ખાતરી આપ્યા વગર છીનવી લેવામાં આવી રહી છે. તેમના માટે આ માત્ર જમીનનો ટુકડો નથી, પણ તેમની સંસ્કૃતિ અને આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે.

વહીવટીતંત્રનું દમનકારી વલણ
આ આંદોલન ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે પન્ના પોલીસે આદિવાસીઓનો અવાજ ગણાતા અમિત ભટનાગરની ધરપકડ કરી. આદિવાસીઓનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર લોકશાહી ઢબે થતા વિરોધને દબાવવા માટે બળપ્રયોગ કરી રહ્યું છે. અગાઉ પણ જ્યારે આદિવાસીઓએ દિલ્હી જઈને પોતાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા અને તેમના દાણા-પાણી પણ રોકી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી
હવે ડેમ સાઈટ પર કલમ 163 (અગાઉની 144) લાગુ કરીને તેમને પોતાના જ ગામ અને જંગલમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. આદિવાસીઓનું કહેવું છે કે સરકાર તેમને જમીન ખાલી કરવા મજબૂર કરવા માટે દમનકારી નીતિઓ અપનાવી રહી છે, જેના કારણે તેમને આત્મદાહ જેવા આત્યંતિક પગલાં ભરવાની ફરજ પડી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ધરપકડ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે, પરંતુ જમીન સ્તર પર આદિવાસીઓનો રોષ કઈક અલગ જ કહાની કહી રહ્યો છે.
મુખ્યધારાના મીડિયાની ઉદાસીનતા
દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જ્યારે સેંકડો આદિવાસી મહિલાઓ બાળકો સાથે ચિતા પર સૂઈને મરવા તૈયાર છે, ત્યારે દેશનું મુખ્યધારાનું મીડિયા આ સમાચારને પૂરતું મહત્વ આપી રહ્યું નથી. વિકાસના મોટા અહેવાલોમાં આદિવાસીઓના આંસુ અને તેમની ચીસો ક્યાંક દબાઈ ગઈ છે. જો આ જ ઘટના કોઈ મોટા શહેરમાં બની હોત તો કદાચ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાયો હોત. મીડિયાની આ ઉદાસીનતાને કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ છે. તેમને લાગે છે કે સરકાર અને મીડિયા બંને તેમની અવગણના કરી રહ્યા છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં હંમેશા ગરીબ અને આદિવાસીઓએ જ બલિદાન આપવું પડે છે, જ્યારે તેનો લાભ મોટા ભાગે શહેરો અને ઉદ્યોગોને મળતો હોય છે.
આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં
ભવિષ્યની અનિશ્ચિતતા અને લાંબો સંઘર્ષ
કેન-બેટવા પ્રોજેક્ટ સામેનો આ સંઘર્ષ હવે માત્ર જમીન બચાવવા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે આદિવાસીઓના અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ બની ગયો છે. આદિવાસી નેતા દિવ્યા અહિરવારના જણાવ્યા મુજબ, ગામેગામથી લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. જો સરકાર જલ્દીથી કોઈ મધ્યસ્થી નહીં કરે અથવા આદિવાસીઓની વાજબી માંગણીઓ નહીં સંતોષે, તો સ્થિતિ વધુ વણસી શકે છે.
यह प्रेसनोट और वीडियो छतरपुर में डैम को लेकर लंबे समय से चल रहे सत्याग्रहियों की तरफ़ से आया है। इसे शेयर कर ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचाकर आदिवासी बहनों-भाइयों के साथ सॉलिडैरिटी दिखायें।
प्रेस नोट – 10/05/2026
धोड़न डैम बना ‘रणक्षेत्र’, जलने को तैयार चिताओं पर लेटे मासूम… pic.twitter.com/3dRHm9AEBN
— Shwetank (@Shwetank0) May 10, 2026
ચિતા પર સૂતી મહિલાઓની તસવીરો એ વાતનું પ્રતીક છે કે હવે આ સમાજ પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. વિકાસના નામે થતા આ વિનાશ સામે આદિવાસીઓ છેલ્લી ઘડી સુધી લડવા તૈયાર છે. વહીવટીતંત્ર અત્યારે માત્ર ધરપકડ અને લાઠીચાર્જથી કામ ચલાવી રહ્યું છે, પણ લોકરોષનો જે જુવાળ ઉઠ્યો છે તેને શાંત કરવા માટે સંવેદનશીલ સંવાદની જરૂર છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો ભારતની જળ જોડાણ યોજના પર જ પ્રશ્નાર્થો ઊભા થશે.
આ પણ વાંચો: ‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું











