‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું

લિફ્ટ માંગવા જેવી સામાન્ય બાબતે જાતિવાદી તત્વોએ દલિત યુવકને તેની પત્નીની હાજરીમાં ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું.
dalit news

જાતિવાદી તત્વો દલિતોને કઈ હદે નફરત કરે છે, કઈ હદે તેમને તેમની હેસિયત બતાવી દેવા માટે સતત તત્પર રહે છે, તેની સાબિતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને તેની પત્નીની હાજરીમાં જ જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર મારીને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, બળજબરીથી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવતી વખતે જાતિવાદી તત્વોએ તેને “તમારી આ જ હેસિયત છે” કહીને ભયાનક અપમાન કર્યું હતું.

મામલો જાતિવાદનો ગઢ ગણાતા યુપીનો છે. અહીંના મૈનપુરીમાં માનવતાને લજવતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક દલિત યુવકે બાઇક સવાર પાસે લિફ્ટ માંગવી ભારે પડી હતી. જાતિવાદી તત્વોએ દલિત યુવક અને તેની પત્નીને ઢોર માર માર્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ યુવકને તેની પત્નીની હાજરીમાં જ જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું હતું અને ‘તમારી આ જ હેસિયત છે’ કહીને અપમાનિત કર્યો હતો. આ હુમલામાં યુવકનું માથું ફોડી નાખવામાં આવ્યું છે અને તેની પાસેથી રોકડ તથા મોબાઈલની લૂંટ પણ ચલાવવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત યુવકે મજૂરી માંગતા માલિકે ગોળના ઉકળતા કૂંડમાં ફેંકી દીધો!

યુવકે લિફ્ટ માંગતા જાતિવાદી ગુંડાઓ ઉશ્કેરાયા

ઘટનાની વિગતો મુજબ, ખજુરિયા ગામનો રહેવાસી રિંકુ જાટવ 29 એપ્રિલ 2026ની સાંજે તેની પત્ની નિશા અને એક વર્ષના બાળક સાથે સાસરીમાંથી પરત ફરી રહ્યો હતો. રાત્રે આશરે 8 વાગ્યે એલાઉ પહોંચ્યા બાદ કોઈ વાહન ન મળતા તેણે સ્થાનિક રહેવાસી સુનીલ યાદવ પાસે લિફ્ટ માંગી હતી. લિફ્ટ માંગવાની વાત સાંભળતા જ સુનીલ યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિસૂચક અપશબ્દો બોલવા લાગ્યો હતો. રિંકુએ આ વર્તનનો વિરોધ કરતા સુનીલે તેને બાવળના ડંડા વડે માર માર્યો હતો.

ઘેરાબંધી કરીને હુમલાખોરોએ લૂંટ ચલાવી

પીડિતના જણાવ્યા અનુસાર, જ્યારે તે પત્ની સાથે ચાલતો ગામ તરફ આગળ વધ્યો, ત્યારે રસ્તામાં ગૌશાળા પાસે સુનીલ યાદવ અને તેના બે સાથીઓ આદેશ યાદવ અને ઉમેદ યાદવે તેને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ રિંકુને જમીન પર પાડી દઈ લાત-ઘૂસા માર્યા હતા અને માથામાં પથ્થર મારીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. વચ્ચે પડનારી તેની પત્ની નિશાને પણ આરોપીઓએ છોડી નહોતી અને તેની સાથે પણ મારપીટ કરી હતી. હુમલાખોરોએ રિંકુના ખિસ્સામાંથી ₹2,000 રોકડા અને મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો.

આ પણ વાંચો: ખાટલે બેસવા બદલ દલિત વૃદ્ધને જાતિવાદી તત્વોએ ઢોર માર માર્યો

અમાનવીયતાની પરાકાષ્ઠા

રિંકુએ પોલીસ અધિક્ષકને આપેલી અરજીમાં અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, મારામારી દરમિયાન જાતિવાદી તત્વોએ પોતાના જૂતામાં પાણી ભરીને તેને બળજબરીપૂર્વક પીવડાવ્યું હતું. આ દરમિયાન હુમલાખોરો સતત તેને જાતિસૂચક ગાળો આપી તેની હેસિયત બતાવવાની વાત કરતા રહ્યા હતા. આ અમાનવીય વર્તન બાદ હુમલાખોરો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.

ન્યાય માટે એસપી કચેરીએ રજૂઆત કરાઈ

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ સુનાવણી ન થતા પીડિત પરિવારે 1 મે 2026ના રોજ પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે. રિંકુએ જણાવ્યું કે આ ઘટના બાદ તેનો પરિવાર ભારે દહેશતમાં જીવી રહ્યો છે અને આરોપીઓ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સામાજિક સંગઠનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસ અધિક્ષકે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x