કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં

કચ્છના ખાંડેક ગામે 14મી એપ્રિલના દિવસે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર વિશે અસામાજિક તત્વોએ દીવાલો પર અપશબ્દો લખતા પોલીસ ફરિયાદ કરાઈ.
Khandek Kutch Abusive words about Dr Ambedkar

કચ્છ: એક તરફ આજે આખો દેશ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમને વંદન કરી રહ્યો છે, વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને રેલીઓ કાઢીને તેમના મૂલ્યોને યાદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છના રાપર તાલુકાના ખાંડેક ગામમાં કેટલાક અજાણ્યા જાતિવાદી અસામાજિક તત્વોએ ગામની જાહેર દીવાલો પર ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અત્યંત અભદ્ર અને અપમાનજનક શબ્દો લખીને સામાજિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર કચ્છ પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને દલિત સમાજ સહિતના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

જાહેર દિવાલ પર બાબાસાહેબ વિશે અપશબ્દો લખ્યાં

ઘટનાની વિગત મુજબ, વહેલી સવારે જ્યારે ખાંડેક ગામના લોકોની નજર દીવાલો પર લખાયેલા આ અપશબ્દો પર પડી ત્યારે ગામમાં તણાવની સ્થિતિ પેદા થઈ હતી. દેશના સર્વોચ્ચ કાયદાના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ વિશે આવા હીન કક્ષાના શબ્દોનો પ્રયોગ થતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા અનેક સામાજિક આગેવાનો પણ ખાંડેક ગામે પહોંચ્યા હતા. બહુજન સમાજના આગેવાનોનો આરોપ છે કે આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય નથી, પરંતુ ચોક્કસ માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાના ઈરાદે કરવામાં આવેલું વ્યવસ્થિત કાવતરું છે.

આ પણ વાંચો: દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો

પરિસ્થિતિની ગંભીરતા અને લોકોના રોષને પારખી જઈને આડેસર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી ખાંડેક ગામે દોડી આવ્યો હતો. ગામમાં કોઈ અનિચ્છનીય હિંસક બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ ગામના પ્રવેશદ્વારો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ગુનેગારોને વહેલી તકે પકડવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ

દલિત સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

બીજી તરફ, સામાજિક આગેવાનો અને સ્થાનીય સંગઠનોએ આ મામલે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. તેઓએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી 48 કલાકમાં આ કૃત્ય આચરનારા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

આગેવાનોએ માંગ કરી છે કે આ કેસમાં માત્ર ફરિયાદ જ નહીં, પરંતુ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મહાપુરુષોનું અપમાન કરવાની હિંમત ન કરે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. આ લખાય છે ત્યાં સુધી ગામમાં સ્થિતિ અજંપાભરી શાંતિ જેવી છે, પરંતુ લોકોમાં ન્યાયની માંગ પ્રબળ બની રહી છે.

આ પણ વાંચો: સુરતમાં મહિલાઓએ 29 કિલો કાંસામાંથી ડો.આંબેડકરની પ્રતિમા બનાવી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x