ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સરકારી ભરતી પરીક્ષાઓમાં ઓબીસી સમાજના યુવાનોને થઈ રહેલા અન્યાય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુવાઓને સંગઠિત કરવા સમાજને મજબૂત કરવાની ચર્ચા કરાઈ હતી.
કોળી સમાજની બિઝનેસ સમિટ યોજાશે
આ સાથે સમાજમાં શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક રીતે યુવાને મજબૂત કરવાની ચર્ચા પણ કરાઈ. કોળી સમાજે વિવિધ સરકારી ભરતીઓમાં ઓબીસી સમાજને થતા અન્યાય મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. વિવિધ પ્રશ્નોને લઈને કોળી સમાજ સરકારમાં રજૂઆત કરશે તેવું નક્કી કરાયું છે. આ બેઠકમાં કેટલાક જિલ્લામાં સમાજના સભ્યોને જવાબદારી પણ સોંપાઈ છે. હવે દર ૩ મહિને સમાજની કારોબારી બેઠક મળી વિવિધ મુદાઓ પર ચર્ચાઓ કરાશે તેવું સર્વાનુમતે નક્કી કરાયું છે. આવનારા સમાજમાં કોળી સમાજની બિઝનેસ સમિટ પણ મળશે તેવી પણ જાહેરાત કરાઈ.
આ પણ વાંચોઃ GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ શું કહ્યું?
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે, આ વખતે બેઠક માટે અમે ગાંધીનગર પસંદ કર્યું છે. કારણ કે, ગાંધીનગર સત્તાનું કેન્દ્ર છે. ઓબીસી સમાજના યુવાનોને સરકારી ભરતી પરીક્ષાઓમાં ભારોભાર અન્યાય થાય છે, આ બહુ મોટો મુદ્દો છે. તેના પર કેવી રીતે લડત આપવી તેના વિશે ચર્ચા કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં સંગઠનમાં હોદ્દા આપવાના બાકી છે, તેની જાહેરાત માટે મળ્યાં હતા. આ સિવાય સમાજને એક કરવા માટેની પણ આ બેઠક છે. આજે કચ્છના યુવાનો પણ બેઠકમાં આવ્યા છે. સમાજની પ્રગતિને ધ્યાને રાખીને મહત્વ અપાય છે. કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે છે.
આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ રજી.ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી ની બેઠક ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી જેમાં મને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય ની જવાબદારી સોંપવામાં આવેલ છે તો મારા પર વિશ્વાસ દાખવવા બદલ ખૂબ ખૂબ આભાર, @hirabhaisolanki pic.twitter.com/HtxInNPPmT
— ashok gohil akki (@ashokgohil007) July 13, 2025
સરકારી ભરતીઓમાં અન્યાય સહન નહીં કરીએઃ બળદેવ સોલંકી
સંગઠનના મહામંત્રી બળદેવ સોલંકીએ કહ્યું કે, આજની આ બેઠકમાં મુખ્ય મુદ્દા સામાજિક બાબતો છે. જિલ્લા, તાલુકા અને ગામમાં સમાજ મજબૂત બને. કુરિવાજ સહિતના મુદ્દાઓ છે, યુપીએસસી-જીપીએસસી અને અન્ય ભરતીમાં અન્યાય થાય છે તેના પર ચર્ચા કરી, તેના ઉકેલની દિશામાં વિચાર કર્યો છે. જો સરકાર ઓબીસી યુવાનો સાથે ભરતી પરીક્ષાઓમાં હજુ પણ અન્યાય ચાલુ રાખશે તો તેને સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવશે?
મહિલાઓના વિકાસ માટે કામ કરીશુંઃ દિવ્યેશ ચાવડા
પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડાએ કહ્યું કે, પરીક્ષા અને ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે જેની રજૂઆત સરકારમાં કરાશે તેની આજે ચર્ચા કરાઈ. શૈક્ષણિક, સામાજિક અને સમાજના યુવાનો આર્થિક રીતે સદ્ધર બને તે મુદ્દો ચર્ચાયો. આવનાર સમયમાં કોળી સમાજની બિઝનેસ સમીટ મળવાની છે. મહિલાઓના વિકાસ માટે સમાજ કામ કરશે. મહિલામાં શિક્ષણ ઓછું હતું તે વધ્યું અને સચિવાલયમાં સમાજની મહિલાઓ કામ કરે છે. સરપંચોમા પણ અનેક ગામમાં કોળી સમાજની મહિલા છે. તેમને પણ આગળ આવવા આહ્વાન કરીએ છીએ.
આ પણ વાંચોઃ પાટણમાં ઠાકોર સમાજે યુવાનોને અદ્યતન લાઈબ્રેરી ભેટમાં આપી