મનુવાદી હિંદુ ધર્મમાં જો દલિતો હિંદુ બનવા જશે તો તેમની હાલત પણ ભાજપના આ મહિલા ધારાસભ્ય જેવી થશે તે નક્કી છે. મામલો ઉત્તરપ્રદેશનો છે. અહીં લખનઉથી ભાજપના દલિત મહિલા ધારાસભ્ય જયદેવી કૌશલે (MLA Jayadevi Kaushal ) રૂ. 78 લાખના ખર્ચે એક મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. પણ જેવું મંદિર બનીને તૈયાર થઈ ગયું કે, તરત મનુવાદીઓએ તેમને અંદર પ્રવેશતા અટકાવી દીધાં હતા અને તેમને પૂજા કરવા દીધી નહોતી. આમ જેમણે મંદિર બનાવ્યું તેને જ તેની જાતિને કારણે અંદર પ્રવેશીને પૂજા નહોતી કરવા દેવાઈ.
મામલો શું છે?
લખનૌના કાકોરી વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે દલિત સમાજમાંથી આવતા ભાજપના ધારાસભ્ય જય દેવી કૌશલે પોતાના પ્રયાસોથી આશરે રૂ. 78 લાખ મંજૂર કરાવ્યા હતા. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ભવ્ય જીર્ણોદ્ધાર અને પૂજા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના તાલુકા અધ્યક્ષ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ‘ભૈયા જરા રાસ્તા દેના…’કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!
પરંતુ જ્યારે ધારાસભ્ય જય દેવી કૌશલ પોતે પૂજા કરવા માટે ગર્ભગૃહ કે પૂજા સ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક મનુવાદી તત્વોએ તેમને રોકી દીધા. ધારાસભ્યના જણાવ્યા અનુસાર, તમામ વ્યવસ્થાઓ હોવા છતાં અને ખુદ તેઓ મુખ્ય દાતા હોવા છતાં તેમને ન તો પૂજા કરવા દેવામાં આવી કે ન તો આરતીનો લહાવો મળ્યો. એક પંડિત દ્વારા માત્ર પાંચ ઈંટો મુકાવીને વિધિ પૂરી કરવામાં આવી અને દલિત મહિલા ધારાસભ્ય માત્ર મૂક દર્શક બનીને ઊભા રહેવા મજબૂર બન્યા. ધારાસભ્યે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે તેમની સાથે આ વર્તન માત્ર તેમની જાતિના કારણે કરવામાં આવ્યું છે.
પૂર્વ મંત્રી પતિનો રોષ અને આક્રોશ
આ ઘટનાથી માત્ર ધારાસભ્ય જ નહીં, પરંતુ તેમના પતિ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પણ ભારે નારાજ છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મંદિર પરિસર પર કેટલાક લોકોએ પોતાનો માનસિક અને સામાજિક એકાધિકાર સ્થાપિત કરી લીધો છે. કૌશલ કિશોરે જણાવ્યું કે માત્ર આ જ નહીં, પરંતુ અન્ય એક મંદિરના નિર્માણ માટે પણ આશરે રૂ. 70 લાખ પાસ કરાવવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રીએ ચેતવણી આપી છે કે કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં આ પ્રકારે અસ્પૃશ્યતા અને જાતિગત ભેદભાવ જરાય સ્વીકારી શકાય નહીં અને આ સમગ્ર મામલાની ફરિયાદ પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત યુવકને થાંભલા સાથે ઉંધો લટકાવી માર મારતા મોત

જાતિવાદી હિન્દુ ધર્મ, RSS અને ભાજપની વિચારધારા પર સવાલો
આ ઘટનાએ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર (RSS) ના “સબકા સાથ, સબકા વિકાસ” અને સનાતની એકતાના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ભાજપ અને RSS હંમેશા હિન્દુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિના નામે દલિતો અને પછાત વર્ગોને પોતાના રાજકીય હિતો માટે ઉપયોગ કરતા આવ્યા છે, પરંતુ જ્યારે સામાજિક સમાનતા અને સન્માનની વાત આવે છે, ત્યારે તેમની જ પાર્ટીના દલિત જનપ્રતિનિધિઓને પણ જાતિના આધારે અપમાનિત કરવામાં આવે છે.
આ ઘટના સાબિત કરે છે કે RSSની પ્રયોગશાળામાં તૈયાર થતી અને ભાજપ દ્વારા પોષવામાં આવતી મનુવાદી અને જાતિવાદી માનસિકતા આજે પણ જમીની સ્તરે અકબંધ છે. લાખો રૂપિયાનું ભંડોળ આપનાર દલિત મહિલા ધારાસભ્ય જો સત્તામાં હોવા છતાં મંદિરના ઉદ્ઘાટનમાં પૂજાથી વંચિત રહેતી હોય, તો સામાન્ય દલિતોની શું દશા હશે તેની કલ્પના જ સહેલી છે.
ભાજપના શાસનમાં દલિતો પરના અત્યાચારો અને જાતિગત ભેદભાવની આ માનસિકતા હિન્દુ ધર્મના નામે સમાજને વિભાજિત કરવાનું કામ કરી રહી છે. શું ભાજપ હાઈકમાન્ડ આ જાતિવાદી માનસિકતા ધરાવતા સ્થાનિક પદાધિકારીઓ સામે કોઈ કડક અને દાખલારૂપ પગલાં લેશે ખરી?
આ પણ વાંચો: CJI સૂર્યકાંત શર્માના હાથે ડિગ્રી લેવા કાયદાના વિદ્યાર્થીઓનો ઈનકાર











