સુરતમાં દલિત બાળકને જૈન શખ્સે એટલો માર્યો કે પેશાબ કરી ગયો!

સુરતમાં દડો અડી જતાં 9 વર્ષના દલિત બાળકને જૈન શખ્સે બેરહેમીથી ફટકારી જાતિવાદી અપમાન કર્યું, ડરના માર્યા માસૂમને પેન્ટમાં પેશાબ થઈ ગયો!
surat-dalit-child-assault-atrocity-case-althan
surat-dalit-child-assault-atrocity-case-althan

કથિત જીવદયામાં માનતા લોકો દલિતો પ્રત્યે કઈ હદે ધૃણા અને નફરત ધરાવે છે તેનો એક તાજો દાખલો સુરતમાંથી સામે આવ્યો છે. અહીંના પોશ વિસ્તાર ગણાતા અલથાણની એક હાઇરાઇઝ સોસાયટીના કિડ્સ ઝોનમાં માત્ર રમતાં-રમતાં દડો અડી જવાની મામૂલી બાબતે એક મનુવાદી શખ્સે 9 વર્ષના માસૂમ દલિત બાળકને નિર્દયતાથી ફટકાર્યો હતો. આટલેથી ન અટકતા, માસૂમને જમીન પર નીચે પાડી, જાતિ વિષયક અત્યંત અપમાનજનક શબ્દો કહી બળજબરીથી ઘૂંટણીયે બેસાડી માફી મંગાવી હતી. સવર્ણ અહંકારના આ આતંક અને ભયથી ધ્રૂજી ઉઠેલા માસૂમ બાળકને પેન્ટમાં જ પેશાબ થઈ ગયો હતો અને આઘાતમાં તાવ ચડી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરી ભૌતિક વિકાસ વચ્ચે પણ મનુવાદી અને જાતિવાદી ઝેર લોકોના મનમાં કેટલું ઊંડે સુધી વ્યાપેલું છે.

દડો અડી જતાં સવર્ણ અહંકાર જાગી ગયો

ઘટનાની વિગત મુજબ, અલથાણ સ્થિત રાજહંસ સિન્ફોનીયા સોસાયટીમાં રહેતા અને અઠવાલાઇન્સની પી.ટી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન સોનાલીયાનો 9 વર્ષનો પુત્ર હિતાર્થ 2 ઓક્ટોબરના સાંજે 7:00 વાગ્યાના સુમારે સોસાયટીના કિડ્સ ઝોનમાં પોતાના મિત્રો સાથે સ્માઈલી બોલથી રમી રહ્યો હતો. રમત-રમતમાં અચાનક બોલ સોસાયટીમાં જ રહેતા વર્ધાન અમરીશભાઈ શાહની દીકરીને વાગી ગયો હતો.

નિર્દોષ બાળકથી થયેલી આ ભૂલથી ઉશ્કેરાયેલા વર્ધાન શાહે માસૂમ બાળક પાસે આવીને “જોઈને નથી રમી શકતો?” તેમ કહીને તેના મોં પર ઉપરાછાપરી 5 થી 6 આકરા લાફા ઝીંકી દીધા હતા. વર્ધાન શાહના આ હુમલાથી બાળક ભયભીત થઈ ગયું હતું.

નિર્દોષ બાળકને ઘૂંટણિયે પડાવી માફી મગાવી

માર માર્યા બાદ પણ આરોપીનો જાતિવાદી અહંકાર સંતોષાયો નહોતો. તેણે માસૂમ હિતાર્થને જમીન પર નીચે પાડી દીધો હતો અને “તું નીચ જાતિનો છે, મારી દીકરીની માફી માગ!” તેમ કહીને જાતિ વિષયક ભારે અપમાનજનક ગાળો આપી હતી. આરોપીએ બળજબરીથી કાન પકડાવી તેને ઘૂંટણીયે બેસાડી માફી મંગાવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં દલિત ડોક્ટરને જાતિ નડીઃ મકાનનો સોદો રદ કરાયો!

બાળકના મિત્રોએ ઘરે જઈને પરિવારને જાણ કરતા માતા-પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો 9 વર્ષનો માસૂમ અત્યંત ડરેલી હાલતમાં ચોધાર આંસુએ રડી રહ્યો હતો. તેના ગાલ પર મારના સોજા આવી ગયા હતા અને આતંકના કારણે બાળકના કપડાંમાં જ પેશાબ નીકળી ગયો હતો.

CCTVમાં બર્બરતા કેદ, આઘાતમાં બાળકને તાવ આવી ગયો

બનાવ બાદ પરિવારે સોસાયટીની ઓફિસમાં જઈને CCTV ફૂટેજ તપાસતા આરોપી વર્ધાન શાહ (રહે. ફ્લેટ નં. 719, ઈ-ટાવર) માસૂમ બાળકને બેરહેમીથી માર મારતો અને અત્યાચાર ગુજારતો સ્પષ્ટપણે કેદ થયો હતો. આ ઘટનાના આઘાતમાં 9 વર્ષનો હિતાર્થ રાત્રે ઊંઘમાંથી ચમકીને જાગી જતો હતો અને તેને સખત તાવ ચડી ગયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતાં પરિવારે તેને તાત્કાલિક ભટાર ખાતે આવેલી મૃદુલ હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો હતો.

એટ્રોસિટી એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધાયો

બાળકની સારવાર કરાવ્યા બાદ પ્રોફેસર માતા જાગૃતિબેને અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી વર્ધાન અમરીશભાઈ શાહ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 115(2) તેમજ SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ 1989 ની કલમ 3(1)(r) મુજબ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આ મામલાની આગળની તપાસ ‘H’ ડિવિઝનના ACP ઝેડ.આર. દેસાઈને સોંપવામાં આવી છે.

શહેરી ભૌતિકતા પાછળ છૂપાયેલી મનુવાદી માનસિકતા

મોંઘી સોસાયટીઓમાં રહેતા અને આધુનિક ગણાતા વર્ગના મનમાં દલિતો પ્રત્યે આજે પણ કેટલું ઝેર ભરેલું છે, આ ઘટના તેનો જ્વલંત પુરાવો છે. જો યુનિવર્સિટીના પ્રોફેસરના 9 વર્ષના માસૂમ બાળક સાથે માત્ર દડો વાગવા જેવી બાબતમાં જાતિવાદી ભેદભાવ રાખી આટલી બર્બરતા આચરવામાં આવતી હોય, તો સામાન્ય દલિતો સાથે આ જાતિવાદી તત્વો કેવું વર્તન કરતા હશે તેની તો કલ્પના જ કરવી રહી.

આ પણ વાંચોઃ સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x