દલિતો માટે ન્યાય મેળવવો દિન પ્રતિદિન દોહ્યલો બનતો જઈ રહ્યો છે. પંજાબના સંગરૂરમાં એક ગામમાં આમ આદમી પાર્ટી (AAP)ના સરપંચના સતત ત્રાસ અને સામાજિક સતામણીથી કંટાળીને 23 વર્ષીય દલિત યુવક સનમદીપ સિંહે ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. કનોઈ ગામના રહેવાસી અને વ્યવસાયે કડિયાકામ કરતા સનમદીપના આપઘાત બાદ તેના પરિવારે ન્યાયની માંગ સાથે હોસ્પિટલની મોર્ચરી બહાર અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા હતા.
પરિવારજનો આરોપી સરપંચ અને તેના સાગરીતોની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા કે પીએમ કરાવવા તૈયાર નહોતા. પરંતુ, 5 દિવસ બાદ પંજાબ પોલીસે ન્યાય આપવાના બદલે દલિત પરિવાર પર જ અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતકની માતા અને દાદીને ઢસડીને પોલીસ વાનમાં પૂરી દીધી અને પરિવારની ગેરહાજરીમાં ગેરકાયદેસર રીતે મૃતદેહની અંતિમ ક્રિયા કરી દીધી.

સરપંચની જૂની અદાવતમાં દલિત પરિવારની પજવણી
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2019થી થઈ હતી. સનમદીપના કાકા ગોરા સિંહના જણાવ્યા મુજબ, સનમદીપની એક ફરિયાદના આધારે 2019માં ગામના વર્તમાન AAP સરપંચ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસ પાછો ખેંચવા માટે સરપંચ પરિવાર પર સતત દબાણ કરી રહ્યો હતો. કેસ પાછો ન ખેંચાતા આશરે 5 મહિના પહેલાં સત્તાના જોરે સનમદીપના પરિવારના 7 સભ્યો વિરુદ્ધ કથિત રીતે ખોટી એફઆઈઆર નોંધાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો
આટલેથી ન અટકતા, દલિત પરિવારને આર્થિક અને સામાજિક રીતે ભાંગી નાખવા માટે સરપંચે આખા ગામમાં સીવર લાઇન નાખવાના કામમાંથી સનમદીપના પરિવારના 4 ઘરોને જાણીજોઈને બાકાત રાખી દીધા હતા. આ ઉપરાંત સનમદીપને મનરેગા (MGNREGA) હેઠળ મળતી મજૂરી અને કામથી પણ વંચિત કરી દેવાયો હતો. માનસિક ઉત્પીડન અને આર્થિક તંગીથી કંટાળીને સનમદીપે 25 સપ્ટેમ્બરે ઝેર ખાધું હતું અને 26 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
પીડિત પરિવાર પર પોલીસની બર્બરતા અને બળપ્રયોગ
ગુરુવારે બપોરે સંગરૂર સિવિલ હોસ્પિટલના મોર્ચરી ગેટ આગળ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા પરિવારજનો પર પોલીસે અચાનક બળપ્રયોગ કર્યો હતો. પીડિત પરિવારનો આરોપ છે કે પોલીસે તેમની સાથે અત્યંત બર્બરતા દાખવી હતી. સનમદીપની વૃદ્ધ દાદી અને માતાને પોલીસે ઢસડીને વાનમાં બેસાડી દીધી હતી. વિરોધ કરી રહેલા પરિવારના 8 સભ્યો અને 4 અન્ય લોકોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત
પરિવારની ગેરહાજરીમાં અને તેમની લેખિત કે મૌખિક સંમતિ વિના જ પોલીસે નગર નિગમના કર્મચારીઓ સાથે મળીને છાનામાના સનમદીપની અંતિમ ક્રિયા કરી નાખી હતી. આ ઘટના બાદ આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેનાથી ગામના દલિતોમાં ભય અને આક્રોશનો માહોલ છે. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસ પદાધિકારી રાજેન્દ્ર સિંહ દીપા સહિત 4 લોકોની પોલીસે સરકારી કામમાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધી ધરપકડ કરી છે.
પોલીસનો બચાવ: ‘મૃતદેહ સડી રહ્યો હતો’
બીજી તરફ, સમગ્ર વિવાદ અંગે સંગરૂરના DSP દલબીર સિંહ સિદ્ધુએ પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો છે. પોલીસનું કહેવું છે કે 5 દિવસથી મોર્ચરીમાં પડેલા મૃતદેહની હાલત સતત બગડી રહી હતી અને તેમાં સડો શરૂ થઈ ગયો હતો. સીનિયર મેડિકલ ઓફિસર દ્વારા પરિવારને અનેક નોટિસ પાઠવવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 301 હેઠળ મૃતદેહનું અપમાન કરવું કે તેને આવી સ્થિતિમાં છોડી દેવો એ ગુનો બને છે.
આ પણ વાંચો: IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!
ડીએસપીએ દાવો કર્યો હતો કે સનમદીપના પિતાની ફરિયાદ પર સંગરૂર સદર પોલીસ સ્ટેશનમાં 28 સપ્ટેમ્બરે જ સરપંચ, તેના ભાઈ, પૂર્વ પંચાયત સભ્ય અને એક મહિલા વિરુદ્ધ BNSની કલમ 108 અને 3(5) હેઠળ FIR દાખલ કરી દેવાઈ હતી. પરંતુ કેટલાક રાજકીય લોકો પરિવારનો ઉપયોગ કરીને વાતાવરણ બગાડી રહ્યા હતા અને ધરપકડ વગર પોસ્ટમોર્ટમ ન કરાવવાની જિદ્દ કરી રહ્યા હતા. જ્યારે પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી ત્યારે ભીડે પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો અને બસોના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
સત્તાની આડમાં કચડાતો દલિત સમાજ
આ ઘટનાએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા તથા દલિતોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ રાજ્ય સરકાર સામાજિક સમાનતાના દાવા કરે છે, તો બીજી તરફ શાસક પક્ષના સરપંચ વિરુદ્ધ પગલાં ભરવાને બદલે પીડિત દલિત પરિવારને જ જેલભેગો કરી, રાતોરાત શબનો નિકાલ કરી દેવાય છે. સનમદીપના પરિવારનો એક જ સવાલ છે કે શું પંજાબમાં દલિતો માટે ન્યાય માગવો એ ગુનો છે?
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરામાં અવ્યવસ્થા, ટ્રસ્ટની કામગીરી પર સવાલો











