મેરઠમાં ઠાકુર જાતિનો યુવક દલિત મહિલાની હત્યા કરી તેની દીકરીને ઉપાડી જવાનો મામલો ઉગ્ર બની રહ્યો છે. અપહરણ કરાયેલી યુવતીનો 24 કલાક પછી પણ કોઈ પત્તો નથી. આરોપી પારસ રાજપૂત યુવતીની માતાની હત્યા કરી તેને ઉપાડી ગયું છે.
આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે, આરોપી યુવક યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાતિનો હોવાથી પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરી રહી અને આરોપીને બચાવવા પ્રયાસ કરી રહી છે. તેમણે યોગી સરકાર પર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરી આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવા માંગ કરી છે.

યુવતીના પરિવારે આરોપીની ધરપકડ ન થાય અને તે સુરક્ષિત રીતે મળી ન જાય ત્યાં સુધી મૃતક મહિલાના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓ તેમને સમજાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. છોકરીના પિતા કહે છે કે લગ્ન નક્કી થઈ ગયા હતા, પરંતુ આરોપીએ તેમની જિંદગી બરબાદ કરી નાખી છે.
આ પણ વાંચો: કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો

આ તરફ કપસાડ ગામમાં પીડિત પરિવારને મળવા જઈ રહેલા સપા ધારાસભ્ય અતુલ પ્રધાનને પોલીસે ગામમાં પ્રવેશતા અટકાવતા ઝપાઝપી થઈ અને તેઓ ગામની બહાર વિરોધ પ્રદર્શન પર બેઠા છે. લગભગ અઢી કલાક પછી, વહીવટીતંત્રે અતુલ પ્રધાનને પરિવારને મળવાની મંજૂરી આપી હતી. તેમણે પીડિતા સાથે લગભગ એક કલાક વાત કરી હતી.
દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે પીડિતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. આઝાદ સમાજ પાર્ટી અને ભારતીય કિસાન સંઘના કાર્યકરો પણ ગામમાં આવવા લાગ્યા છે. પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાથી વહીવટીતંત્રે ગામમાં 10 પોલીસ સ્ટેશનની પોલીસ, RAF અને અર્ધલશ્કરી દળો (PAC) તૈનાત કર્યા છે. આ દરમિયાન, અધિકારીઓ ફરીથી ગામમાં પહોંચ્યા હતા અને મૃતક મહિલાના પતિ સત્યેન્દ્રને પંચાયત ભવનમાં બોલાવીને તેમને મહિલાના અંતિમ સંસ્કાર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમણે ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મેરઠના ઠાકુરોનું પ્રભુત્વ ધરાવતા કપસાડ ગામમાં 45 વર્ષીય સુનિતાની હત્યા કરીને ઠાકુર જાતિનો પારસ રાજપૂત નામનો યુવક સુનિતાની 20 વર્ષીય પુત્રી રૂબીનું અપહરણ કરીને જતો રહ્યો છે. આ ઘટનાને સ્થાનિક દલિતો સમાજના આત્મસન્માન પર સીધા ઘા તરીકે જોઈ રહ્યા છે. પીડિતાના પરિવારે જાહેરાત કરી છે કે તેઓ તેમની પુત્રી સુરક્ષિત પરત ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરે, આ જાહેરાતથી વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર રહી કે લોકો ગુરુવારે મોડી રાત સુધી જાગતા રહ્યા, આ ઘટના શેરીઓ અને ચોકમાં ચર્ચાનો એકમાત્ર વિષય રહી.
આ પણ વાંચો: ગુજરાતમાં 27 લાખ લોકો મેદસ્વી, 58 ટકા પુરૂષો સામેલ
ગામની દલિત વસ્તીમાં ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે આ ફક્ત એક પરિવારનો મામલો નથી, પરંતુ સમગ્ર સમાજના આત્મસન્માનનો વિષય છે. દરમિયાન, ઠાકુરોની વસ્તીમાં પોલીસની હાજરી અને બહારના લોકોની હાજરી અંગે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. એક પણ પક્ષ ખૂલીને કશું બોલતો નથી પરંતુ અંદરખાને ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.
અગાઉ ક્યારેય ગામમાં જાતીય સંઘર્ષ થયો નથી
આશરે 15,000 ની વસ્તી ધરાવતા કપસાડમાં લાંબા સમયથી સામાજિક સંતુલન જળવાયેલું છે. ગામમાં આશરે 9,000 ઠાકુર, 3,000 અનુસૂચિત જાતિ, 2,000 પંડિત અને અન્ય સમાજના લોકો રહે છે. ગામમાં ક્યારેય કોઈ મોટો જાતિ સંઘર્ષ જોવા મળ્યો નથી. આ જ કારણ છે કે આ ઘટના ગ્રામજનોને વધુ અસ્વસ્થ કરી રહી છે. લોકો કહે છે કે આ એક જ ઘટનાએ ગામની લાંબા સમયની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?
ગામમાં સન્નાટો પ્રસર્યો, ચર્ચાઓનું બજાર તેજ
આરોપી, પારસ ઠાકુર ગામમાં કમ્પાઉન્ડર હોવાનું કહેવાય છે, જ્યારે સુનીલ સોમ મજૂર તરીકે કામ કરે છે. આમ છતાં, કોઈ પણ વ્યક્તિ આ ઘટના પાછળના હેતુ વિશે ખુલીને કશું બોલવા તૈયાર નથી. પીડિતાનો પરિવાર, આરોપી, ગામના વડા અને જવાબદારો બધા મૌન ધારણ કરીને બેસી ગયા છે. ગામમાં અટકળોનું બજાર ગરમ છે, પરંતુ બધું જ ગુપ્ત રીતે ચાલી રહ્યું છે. સૂત્રોના મતે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણ ગામની મુલાકાત લેશે, તેવા સમાચાર બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. સૂત્રોના મતે ન્યાય માટે લડવા અનેક જિલ્લાઓમાંથી દલિતોને અહીં પહોંચવા કહેવાયું છે.
दिनांक 08.01.2026 को थाना सरधना क्षेत्र अंतर्गत घटित घटना के संबंध में परिजनों की तहरीर पर दो अभियुक्तों के विरुद्ध गंभीर धाराओं में मुकदमा दर्ज किया गया है। अभियुक्तों की गिरफ्तारी एवं युवती की बरामदगी हेतु 10 से अधिक पुलिस टीमें विभिन्न जनपदों में सक्रिय हैं। घटना में घायल… pic.twitter.com/9E7BZ7XdZC
— MEERUT POLICE (@meerutpolice) January 9, 2026
બહારના લોકો પર પોલીસની નજર
પોલીસ વહીવટીતંત્ર હાલમાં હાઇ એલર્ટ પર છે. આખા ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે, અને મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. સરધાનાના પોલીસ અધિક્ષક આશુતોષ કુમાર અને ઇન્સ્પેક્ટર દિનેશ પ્રતાપ સિંહ નિયમિતપણે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને આરોપીની ધરપકડ સાથે છોકરી ટૂંક સમયમાં જ મળી આવશે.
આ પણ વાંચો: દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો














