‘આ દરબારનો એરિયા છે..’ કહી ભાવનગરમાં દલિત દંપતી પર હુમલો

Kaliyabid Bhavnagar

ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો કહી, ગાળો ભાંડી માર માર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદનું ઝેર કેટલું ઊંડું છે તેનો પુરાવો આ ઘટના પરથી મળે છે.

મામલો શું હતો?

નીલમબાગ પોલીસ મથકેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, ફરિયાદી પ્રગતિબેન હિમાંશુભાઈ શાહ (રહે. કાળિયાબીડ) ગત તારીખ 16/04/2026ના રોજ રાત્રિના સમયે તેમના પતિ હિમાંશુભાઈ સાથે રાબેતા મુજબ વોકિંગમાં નીકળ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આ દંપતી શાંતિનગરના નાકા પાસે આવેલી ફૂટપાથ પર વિશ્રામ કરવા માટે બેઠું હતું. આ દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યો – એક મહિલા અને બે પુરુષો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ પણ કારણ વગર દંપતી સાથે રકઝક શરૂ કરી હતી. આરોપીઓએ દંપતીને ધમકાવતા પ્રશ્ન કર્યો હતો કે, “તમે અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો?”

આ પણ વાંચો: હાથ-પગ વગરની Payal Nag એ વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને હરાવી

જ્ઞાતિસૂચક અપમાન કરી હિંસક હુમલો કર્યો

જ્યારે પીડિત દંપતીએ તેમને આ રીતે ટોકવા પાછળનું કારણ પૂછ્યું અને પોતાની ઓળખ આપતા જણાવ્યું કે તેઓ ‘વણકર’ (અનુસૂચિત જાતિ) સમાજમાંથી આવે છે, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ પીડિતોની જ્ઞાતિ પ્રત્યે અત્યંત નિમ્ન સ્તરના અપશબ્દો અને જ્ઞાતિસૂચક ગાળો બોલી અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં આરોપી પુરુષોએ હિમાંશુભાઈને પકડીને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

હુમલો એટલો ગંભીર હતો કે, આરોપી પૈકીના એક શખ્સે જમીન પર પડેલો સિમેન્ટનો બ્લોક ઉપાડી હિમાંશુભાઈના મોઢા પર મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમને નાકના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સાથે રહેલી મહિલા આરોપીએ પણ પ્રગતિબેન સાથે ઝઘડો કરી, તેમને જોરથી નીચે પછાડી દઈ શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આરોપીઓએ હોસ્પિટલ સુધી પીછો કર્યો

હુમલાખોરોએ ભયનું વાતાવરણ ઉભું કરતા જાહેરમાં એવી ધમકી આપી હતી કે, “આ દરબારનો વિસ્તાર છે, અહીં ફરી ક્યારેય દેખાયા તો જાનથી મારી નાખીશું.” આ ઘટના બાદ ઈજાગ્રસ્ત હાલતમાં દંપતીને તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આશ્ચર્ય અને ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓની હિંમત એટલી ખુલી ગઈ હતી કે તેઓ દંપતીનો પીછો કરતા હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં પણ આરોપીઓએ પીડિતોને ધમકાવતા કહ્યું હતું કે, “હજુ સમજી જજે, નહિતર અહીં રહેવું મુશ્કેલ થઈ જશે.”

આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

પીડિત દંપતીએ હિંમત દાખવીને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મિત્રની મદદથી તપાસ કરતા હુમલો કરનાર શખ્સોના નામ પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા હોવાનું ખુલ્યું હતું. નીલમબાગ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 351(2), 351(3), 54 તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: શિક્ષકોના જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીએ કૉલેજ પરથી કૂદી આપઘાત કર્યો

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Snehal
Snehal
24 days ago

Keeping Shah surname and when something happens using atrocity act.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x