એક બાજુ મનુવાદીઓ ધર્મના નામે લાખો લીટર દૂધ નદીઓમાં વહાવી દે છે, બીજી તરફ દેશના લાખો આદિવાસી બાળકો કૂપોષણથી પીડાઈ રહ્યાં છે. જો કે, ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં આવેલી એક સરકારી આદિવાસી રહેણાંક શાળામાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. અહીં હોસ્ટેલમાં રવિવારે પીરસવામાં આવેલું ભોજન માસૂમ બાળકો માટે કાળ સાબિત થયું છે. કાકાબંધા આશ્રમ શાળામાં મધ્યાહન ભોજન લીધા પછી ધોરણ 5 માં અભ્યાસ કરતી એક નાની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 100 થી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે બીમાર પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગ અને મધ્યાહન ભોજન યોજનાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે.
ઝેરી ભોજન લેતા 100 વિદ્યાર્થીઓને ઉલટી થઈ
રવિવારની સવારે શાળામાં બાળકોને પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં પાણીમાં આથેલા ભાત એટલે કે ‘પાખાલા’, મસળેલા બટાકા અને આંબાની ચટણીનો સમાવેશ થતો હતો. આ ભોજન લીધાના ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીઓની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. બાળકોને અચાનક ઉબકા આવવા, સતત ઉલટીઓ થવી અને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો.

આ પણ વાંચો: ધાનેરાના કુંડીમાં આખલાના વિવાદમાં દલિત મહિલાનો પગ ભાંગી નાખ્યો
એકસાથે 100 થી વધુ બાળકોની હાલત કથળતા શાળા પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો અને શિક્ષકોની મદદથી તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, અનેક બાળકોની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા તેમાંથી 67 જેટલા વિદ્યાર્થીઓને બારીપદાની પી.એમ.આર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ધોરણ 5ની આદિવાસી વિદ્યાર્થીનીનું મોત થયું
સારવાર દરમિયાન સૌથી દુઃખદ સમાચાર મંગળવારે સવારે આવ્યા હતા. ધોરણ 5 ની વિદ્યાર્થિની રૂપાલી બેસરાની તબિયત સોમવાર રાતથી જ લથડતી જતી હતી, જેના કારણે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં રાખવામાં આવી હતી. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રૂપાલીએ મંગળવારે વહેલી સવારે દમ તોડી દીધો હતો. જિલ્લા કલેક્ટર હેમાકાંત સાયએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હાલમાં 66 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અને 41 જેટલા બાળકો સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. હજુ પણ કેટલાક નવા બાળકોને લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સરકારે આ મામલે ગંભીરતા દાખવીને મેડિકલ ટીમોને સીધી શાળામાં પણ તૈનાત કરી છે જેથી અન્ય બાળકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે.
આ પણ વાંચો: દલિત નેતાએ મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્રે જીવલેણ હુમલો કર્યો

કલેક્ટરે હેડ માસ્તરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા
આ સમગ્ર દુર્ઘટનામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે રવિવારે જે ભોજન બાળકોને આપવામાં આવ્યું હતું તે શાળાના સત્તાવાર મેન્યૂમાં સામેલ જ નહોતું. હેડ માસ્ટર જયંત કુમાર પાણિગ્રાહીએ નિયમોનું ઉલ્લંઘન કરીને મેન્યૂ બહારની ખાદ્ય સામગ્રી તૈયાર કરાવી હતી. આ ગંભીર બેદરકારી અને કર્તવ્યમાં ચૂક બદલ જિલ્લા કલેક્ટરે હેડ માસ્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ દ્વારા મૃતક બાળકીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટરે ખાતરી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ આ અક્ષમ્ય ભૂલ માટે જવાબદાર હશે, તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો
ઘટનાની જાણ થતા જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને રસ્તા રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ રસગોવિંદપુર-જાલેશ્વર હાઈવે જામ કરી દીધો હતો અને મૃતક વિદ્યાર્થીનીના પરિવાર માટે ન્યાય તથા યોગ્ય વળતરની માંગ કરી હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ઓડિશાના આવાસ અને શહેરી વિકાસ મંત્રી કૃષ્ણ ચંદ્ર મહાપાત્રાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રૂપાલી બેસરાના પરિવારને 7 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!
આદિવાસી વિદ્યાર્થીઓની શાળાઓમાં સુધારો જરૂરી
સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન બાદ બાળકો બીમાર પડવાની ઘટનાઓ દેશમાં ચિંતાજનક રીતે વધી રહી છે. અગાઉ કોઈમ્બતુર અને બિહારના મધેપુરામાં પણ ભોજનમાં ગરોળી પડવા જેવી બેદરકારીઓને કારણે સેંકડો બાળકો હોસ્પિટલ પહોંચ્યા હતા. મયૂરભંજની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બાળકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. માત્ર મેન્યૂ નક્કી કરવાથી કામ પૂરું થતું નથી, પરંતુ ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને પીરસવામાં આવતી વસ્તુઓની ચોકસાઈ રાખવી અનિવાર્ય છે.
જો આ રીતે જ બેદરકારી ચાલતી રહેશે તો ગરીબ અને આદિવાસી વાલીઓનો સરકારી શિક્ષણ વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે. હાલમાં સમગ્ર ઓડિશામાં આ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે અને લોકો જવાબદારો સામે કાયમી પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: શિક્ષકોના જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીએ કૉલેજ પરથી કૂદી આપઘાત કર્યો











