UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી

UGC ના કડક આદેશ છતાં ગાંધીનગરની IITE યુનિવર્સિટી દ્વારા 11 મહિનાની કરાર આધારિત ભરતીમાં SC, ST, OBCની નિયમોનો ભંગ, બધી સીટો જનરલથી ભરાશે.
Gandhinagar IITE recruitment

ગાંધીનગર: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ માટે 45 દિવસ કે તેથી વધુ સમયગાળાની તમામ હંગામી અને કરાર આધારિત ભરતીઓમાં પણ અનામત નીતિનો ચુસ્તપણે અમલ કરવા વારંવાર તાકીદ કરવામાં આવી છે. યુજીસીના સચિવ પ્રોફેસર મનિષ આર. જોશીએ તાજેતરમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ ઓફિશિયલ પરિપત્ર (D.O. No. F.3-9/2024) જાહેર કરીને આ નિયમોનું પુનરાવર્તન કર્યું હતું.

આ પરિપત્રમાં અગાઉના DoPTના 15-5-2018 અને 21-11-2022 તેમજ સપ્ટેમ્બર 2024ના પત્રોનો હવાલો આપીને સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ હંગામી નિમણૂક જે 45 દિવસ કે તેથી વધુ સમય માટેની હોય, તેમાં SC, ST, OBC માટેની અનામત નીતિ લાગુ કરવી ફરજિયાત છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ અને શિક્ષણ મંત્રાલયે પણ આ જોગવાઈઓના કડક પાલન પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!

આમ છતાં, ગુજરાત સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ‘ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન’ (IITE) યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બહાર પાડવામાં આવેલી 11 મહિનાના કરાર આધારિત ભરતીની જાહેરાતમાં આ કેન્દ્રીય નિયમોની ધરાર અવગણના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) દ્વારા તારીખ 06 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા માહિતી બ્રોશર અનુસાર, વિવિધ શૈક્ષણિક (Teaching) અને વહીવટી (Administrative) જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની અંતિમ તારીખ 15 જૂન 2026 છે.

આ સત્તાવાર જાહેરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 24 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. જેમાં સોશિયલ સાયન્સ, સાયન્સ, ઇંગ્લિશ, લાઇફ સાયન્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ, ગુજરાતી, સંસ્કૃત, પર્ફોર્મિંગ આર્ટ્સ, ફિઝિકલ એજ્યુકેશન અને કમ્પ્યુટર સાયન્સ જેવા મહત્વના વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 50,000 નક્કી કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક રીતે, આ તમામ 24 શૈક્ષણિક જગ્યાઓની સામે કેટેગરીના ખાનામાં માત્ર ‘જનરલ’ (General) લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં દલિત પોલીસકર્મીઓને સવર્ણ હિંદુઓ ભાડે ઘર નથી આપતા!

આ જ પ્રકારે, વહીવટી વિભાગની અંદર ડાયરેક્ટર ટ્રેનિંગ, ડાયરેક્ટર રિસર્ચ, સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, નેટવર્ક એન્જિનિયર, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, રિસર્ચ એડવાઇઝર અને મેડિકલ ડૉક્ટર સહિતની કુલ 9 વહીવટી જગ્યાઓ જાહેર કરાઈ છે. આ જગ્યાઓનું માસિક વેતન રૂપિયા 35,000 થી લઈને 1, 25, 000 સુધીનું છે. આ તમામ 9 વહીવટી જગ્યાઓ પણ અનામતના કોઈ પણ ક્વોટા વગર, માત્ર ‘જનરલ’ કેટેગરી હેઠળ જ વર્ગીકૃત કરીને ભરવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીસીના સ્પષ્ટ દિશાનિર્દેશો હોવા છતાં, રાજ્યની એક પ્રતિષ્ઠિત સરકારી યુનિવર્સિટી દ્વારા હંગામી અને કરાર આધારિત ભરતીમાંથી એસસી, એસટી અને ઓબીસી અનામત સંપૂર્ણપણે નાબૂદ કરીને તમામ 33 જગ્યાઓ સામાન્ય વર્ગથી ભરવાનો આ નિર્ણય કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન સૂચવે છે.

યુજીસીએ પોતાના પત્રમાં 2023-24 અને 2024-25 દરમિયાન થયેલી આવી કરાર આધારિત નિમણૂકોનો ડેટા પણ પોર્ટલ પર અપલોડ કરવા આદેશ કર્યો હતો, જેથી પારદર્શિતા જળવાઈ રહે. આ સંજોગોમાં, આઈઆઈટીઈ ગાંધીનગર દ્વારા નિયમોથી વિપરીત જઈને માત્ર જનરલ કેટેગરી માટે જ ભરતી બહાર પડાતા વહીવટી તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને અનામત વર્ગના લાયક ઉમેદવારો આ બંધારણીય અધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x