સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?

દેશમાં નાના ધંધા વધ્યા, પણ શું કમાણી લઘુતમ વેતન જેટલી પણ છે? મજબૂરીનો આ સ્વરોજગાર વિકાસ છે કે ગરીબોની લાચારી?
self-employment increasing but not earning

ચંદુ મહેરિયા

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO) ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં સ્વરોજગારીનો દર ૪૨.૫ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૧૬.૩ મિલિયનથી વધુ લોકો સ્વરોજગારથી રોજી મેળવતા હતા. ભારતમાં સ્વરોજગારથી રોજી મેળવતા અસંગઠિત અને નાના વ્યવસાયોની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૭.૩૪ કરોડ હતી. ૨૦૨૫માં તે વધીને ૭.૯૨ કરોડ થઈ છે. એટલે એક જ વરસમા સ્વરોજગારના ક્ષેત્રમાં ૫૮ લાખ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો વધ્યા છે.

જે લોકો બીજા પાસેથી પગાર કે વેતન મેળવવાને બદલે પોતાનો ધંધો કે વ્યવસાય કરીને કમાણી કે આવક મેળવે છે તે સ્વરોજગાર(Self Employment) છે. નાનકડી દુકાન, ખુમચો, લારી, ફેરી, જાહેર સડકો અને સ્થળો પર ફરસાણ બનાવી વેચે, શાકભાજી, ફળો અને દૂધની ફેરી કરે, અગરબત્તી બનાવે, બીજાના ઘરના કામો કરે, કપડાં કે ઘરની મરામતનું કામ, સ્થાનિક સેવાઓ આપે, આઈસ્ક્રીમ, ગોળા, બરફ અને કુલ્ફી વેચે, રમકડાં અને ફુગ્ગા વેચે- આવા બીજા અનેક કામો સ્વરોજગાર ગણાય. સ્વરોજગાર કરનાર વ્યક્તિ કામ શોધનાર મટી બીજાને કામ આપનાર બને છે. તે માલિક કે નોકરીદાતાને બદલે ગ્રાહકો પાસેથી વેતન કે પગાર મેળવે છે.

આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…

સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે. જોકે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે. જેમકે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો ધરાવતી હોવી જોઈએ અને કોઈના તાબામાં કામ કરવા રાજી ન હોય તેવા સ્વભાવની હોવી જોઈએ. તેનામાં કૌશલ્ય, અથાક મહેનત, મજબૂત પ્રતિભા અને સેવાના ગુણ હોવા આવશ્યક છે. સ્વરોજગાર કરતી વ્યક્તિની આવક કે કમાણી બજારની માંગ પર નિર્ભર હોય છે અને તે અનિશ્ચિત હોય છે તેથી તેની આવક પણ નિશ્ચિત હોઈ શકતી નથી. સ્વરોજગારના આરંભે જોખમ અને અનિશ્ચિતતા હોય છે. બચત અને મૂડી જરૂરી છે. જે વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઉત્તરદાયી હોવાનું વલણ ન હોય તે સ્વરોજગારમાં સફળ થઈ શકે નહીં.

લાભદાયક વ્યવસાયનો વિચાર ધરાવતી અને સફળ વ્યવસાયી બનવા માંગતી વ્યક્તિ બાંધ્યા પગારની સલામત નોકરી છોડીને સ્વરોજગાર અપનાવે તો તે સાહસ છે પરંતુ બધા સ્વરોજગારને સાહસ માનવા તે ભ્રામક છે. અન્ય રોજગારની તકના અભાવે સ્વરોજગાર કરવો તે વ્યક્તિની મજબૂરી છે. સલામત અને ચોક્કસ વેતનની નોકરીઓ ઓછી છે તેના કારણે લોકો સ્વરોજગાર કરે છે તે સચ્ચાઈ સ્વીકારવી રહી. એક અંદાજ પ્રમાણે પોણા ભાગના લોકો અન્ય રોજીનો સારો વિકલ્પ ન મળતાં સ્વરોજગાર કરે છે તે હકીકત કડવું સત્ય છે.

આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તકની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ( NSO)નો તાજેતરનો અહેવાલ “અસંગઠિત ક્ષેત્રના ઉધ્યમોનું વાર્ષિક સર્વેક્ષણ ૨૦૨૫” નાના વ્યવસાયો અને સ્વરોજગારની વાસ્તવિક આર્થિક સ્થિતિની વિસ્તૃત જાણકારી આપે છે અને કેટલીક ચોંકાવનારી સચ્ચાઈ ઉજાગર કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલ આ સર્વેક્ષણ ઘણું વ્યાપક હતું. દેશભરના કુલ ૬,૭૦,૬૫૦ વ્યવસાયો તેમાં આવરી લીધા હતા. તેમાં શહેરોના ૩.૭૬ લાખ અને ગામડાનાં ૨.૯૪ લાખ વ્યવસાયોને સામેલ કર્યા હતા.

દેશમાં સૂક્ષ્મ અને નાના વ્યવસાયો તથા સ્વરોજગારમાં વધારો થયો છે અને લગાતાર વધારો થતો રહે છે પરંતુ સ્વરોજગાર કરનારની કમાણી લઘુતમ વેતન કરતાં પણ ઓછી છે તે સત્ય આ સરકારી સર્વેક્ષણમાં જાણવા મળે છે. રોજગાર અને વેપારમાં વૃધ્ધિ આર્થિક ગતિવિધિનો સંકેત માની શકાય પરંતુ NSO નો રિપોર્ટ દર્શાવે છે કે નાના વેપારની આવક, ઉત્પાદકતા અને સામાજિક સલામતી ખૂબ જ નબળી છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દરેક ધંધાદીઠ સરેરાશ કુલ મૂલ્યવર્ધન(GROSS VALUE ADDED-GVA) વાર્ષિક રૂ. ૨.૫ લાખ છે. તે માસિક રૂ. ૨૦,૮૮૦ અને દૈનિક રૂ. ૬૮૫ થાય છે. કામદારદીઠ GVA રૂ. ૧.૬ લાખ છે. એ હિસાબે દર મહિને રૂ. ૧૩.૩૦૦ અને રોજના રૂ.૪૪૦ થાય છે. પરંતુ રૂ. ૪૪૦ પણ સ્વરોજગાર કે નાનો ધંધો કરનાર વ્યક્તિની રોજની વાસ્તવિક કમાણી નથી. તેમાં કાચો માલ, ધંધાની જગ્યાનું ભાડુ, વીજળી, પરિવહન અને બીજા ખર્ચ સામેલ છે તે બાદ કરતાં તેની રોજની આવક રૂ. ૪૪૦ થતી નથી.

આ પણ વાંચો: UPSC 2024માં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને હવે EWS પર 9મો રેન્ક મેળવ્યો!

દેશના મોટાભાગના રાજ્યોમાં બિનખેતીક્ષેત્રના અસંગઠિત શ્રમિકોનું માસિક રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ લઘુતમ વેતન નક્કી કરેલ છે. એટલે સ્વરોજગાર કરનાર કે નાના ધંધા કરનાર વ્યક્તિને લઘુતમ વેતનથી પણ ઓછી આવક થાય છે.

આ સ્થિતિનો ખ્યાલ આવતા એવો સવાલ થવો સ્વાભાવિક છે કે જો આટલી ટૂંકી કમાણી હોય તો લોકો નાનો ધંધો કે સ્વરોજગાર શા માટે કરે છે? તેનો સરળ જવાબ તો બેઠા કરતાં બજાર ભલી છે. ગરીબો માટે પર્યાપ્ત કમાણી કરવાની પૂરતી તકો નથી. પર્યાપ્ત રોજગારની તકોના અભાવે તે સ્વરોજગાર તરફ વળે છે અને ભવિષ્યમાં સ્થિતિ સુધરશેના આશાવાદમાં જીવે છે. અધિકતર ગરીબો તો બીજા કામના અભાવે લાચારીથી સ્વરોજગાર કરે છે સ્વરોજગાર છોડવાનો તેમનો વિચાર બેરોજગાર રહેવાનો કે કશું ન કમાવાનો, તેથી ભૂખે મરવાનો છે એટલે તે સ્વરોજગારને પકડી રાખે છે.

અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓ, સ્વરોજગાર કરનાર માટે વેપારનો વિસ્તાર કરવો કઠિન છે. નવી મશીનરી ખરીદવા તે સક્ષમ નથી. આધુનિક મશીનો માટે તે રોકાણ કરી શકે તેમ નથી. ધંધાના વિકાસ માટે તેમને બેન્કોનું ધિરાણ સરળતાથી મળતું નથી. મર્યાદિત પૂંજી અને પૂરતી નાણાકીય સહાયતાનો અભાવ તેમના માર્ગની મુખ્ય અડચણો છે. સીમિત મૂડી, નબળી સામાજિક સલામતી, ઓછી આવક અને ઓછું ઉત્પાદન આ ક્ષેત્રના મુખ્ય પડકારો છે.

આ પણ વાંચો: દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી

સ્વરોજગાર અને સૂક્ષ્મ તથા લઘુ વેપારના વિકાસ માટે સરકારે સરળ અને સસ્તી બેન્ક લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમના ઉત્પાદનને બજાર સુધી કે ગ્રાહકની માંગ સુધી લઈ જવાના માર્ગો ખોળવા જોઈએ. નવી ટેકનિકની સહાયતા, ધંધાનો પ્રચાર, કૌશલ્ય વિકાસ અંગેની તાલીમ – જેવી સુવિધાઓ ઉભી કરવાથી નાના વ્યવસાયીઓને રક્ષણ મળશે. રોજગારની તકો કાયમી બનશે. નવા રોજગાર પેદા થઈ શકશે.

દેશની આર્થિક વૃધ્ધિ, નવી રોજગારીનું નિર્માણ અને આત્મ નિર્ભરતાનો આધાર સ્વરોજગાર અને નાના ધંધા બની શકે તેમ છે. આજે સ્વરોજગારનો વિકાસ થયો છે હવે તેમાં કમાણી કઈ રીતે વધી શકે તેમ છે તેના રસ્તા શોધવાના છે. જો દુનિયામાં સ્વરોજગારનું પ્રમાણ કુલ રોજગારમાં ૪૦ ટકા કરતાં પણ વધુ હોય અને કેટલાક સ્વરોજગાર સારી કમાણી આપતા હોય ત્યારે સ્વરોજગારને રોજગારની સશક્ત તક અને આર્થિક વ્રુધ્ધિનો મજબૂત આધાર માનીને તેને પ્રાથમિકતા આપવી જોઈએ.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: મિલ મજૂર Naran Vora : દલિત અસ્મિતાની અનોખી મિસાલ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x