રાજકોટમાં સ્વઘોષિત પ્રામાણિક પક્ષ ભાજપના એક કોર્પોરેટર પર ગેરકાયદે ચાલતું એક કારખાનું તૂટતું અટકાવવા રૂ. 4 લાખ માંગ્યાનો આક્ષેપ લાગ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નં-16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવ દ્વારા પુનિત સોસાયટી મેઇન રોડ પર આવેલા ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશન ન થાય તે માટે 2 વર્ષ પહેલાં રૂપિયા 4 લાખ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ખુદ ભાજપના પૂર્વ કાર્યકર કમલેશ ગોસાઈએ કર્યો છે. જોકે, નરેન્દ્ર ડવે આ આક્ષેપોને તદન ખોટા ગણાવ્યા છે. કારખાનાના માલિકને ગત 31 મે, 2023ના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. બાદમાં 9 એપ્રિલ, 2025ના વધુ એક નોટિસ આપ્યા બાદ ગઈકાલે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયું હતું.
ભાજપના જ પૂર્વ કાર્યકર અને રાજકોટના વોર્ડ નં-16માં પુનિત સોસયાટી મેઈન રોડ પર કારખાનું ધરાવતા કમલેશ ગોસાઈએ જણાવ્યું હતું કે, પ્લાન પાસ કરાવ્યા વિના મેં બાંધકામ બનાવ્યું હતું. બે માળનું બાંધકામ કરેલું હતું અને નરેન્દ્ર ડવે સ્થાનિક કોર્પોરેટર હોવાથી જણાવ્યું હતું કે બાદમાં તમારો પ્લાન પાસ થઈ જશે. કોર્પોરેટરો સાથે મે વહીવટ કર્યો હતો. હું ભાજપનો સક્રિય કાર્યકર પણ હતો તેમ છતાં પણ બીજી વખત વહીવટ ન કર્યો એટલે હાલ મારા કારખાનાનું ડિમોલિશન કરાવવામાં આવ્યું છે. વર્ષ 2023માં કારખાનાનું બાંધકામ થયું હતું અને તે વખતે મેં કોર્પોરેટર નરેન્દ્ર ડવને રૂપિયા 4 લાખ આપ્યા હતા.
આ પણ વાંચો: નક્સલવાદી હુમલામાં ભાવનગરના દેવગાણાનો દલિત જવાન શહીદ
તે વખતે તેમણે મને એવું કહ્યું હતું કે, ઉપર સાહેબને દેવાના છે જેથી કવરમાં આપજો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, અહીં કોઇપણ જગ્યાએ બાંધકામ ચાલતુ હોય અને બહાર રેતીનો ઢગલો કે કોઈપણ વસ્તુ પડી હોય તો તેના પણ રૂપિયા 5,000 આ કોર્પોરેટર લઈ જાય છે.
આ મામલે કોર્પોરેટર નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે, આક્ષેપ કરનારા ભાઈ સાથે મારે કંઈ લેવાદેવા નથી. 260(1)ની નોટિસ તે ભાઈને જ્યારે આવી ત્યારે તે મારી પાસે આવ્યા હતા કે આ નોટિસનો જવાબ લખતા મને આવડતો નથી. ત્યારે મેં તે ભાઈને કહ્યું હતું કે, તમે પ્લાન કમ્પ્લિશન લઈ લો. તે વખતે તેમણે કહ્યું હતું કે, આ મારું દસ્તાવેજવાળું કારખાનું નથી, પરંતુ ખેતરના ખરાબામાં છે. તે વખતે મેં તેમને જણાવ્યું હતું કે, આમાં મારું કંઈ ચાલે નહીં. રૂપિયા 4 લાખની વાત તદન ખોટી છે. લોકો મારી પાસે વધુ પડતા આવે છે અને હું સેવાકીય કામો કરું છું તેને બદનામ કરવા માટેની આ કોશિશ છે.
આ પણ વાંચો: આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો