ભાજપની સરકાર જ્યારથી ગુજરાત અને દેશમાં સત્તામાં મજબૂત થઈ છે ત્યારથી દલિતોના હક-અધિકારો પર મોટાપાયે તરાપ મારવાનું શરૂ કરી દેવાયું છે. દલિતોની અનામતની સીટો પુરી ભરાતી નથી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરીને ભાજપના મળતિયાઓ દ્વારા લાખો દલિત કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ ગરીબ દલિત પરિવારોને હવે મફત સરકારી અનાજ માટે પણ ઈ કેવાયસીના નામે ‘હજુ પણ તેઓ ગરીબ છે અને મફત અનાજની તેમને જરૂર છે’ તેવી હાજરી પુરાવવી ફરજિયાત કરી દેવાઈ છે. જેના કારણે અભણ અને મજૂર વર્ગના લોકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.
અમદાવાદમાં જો મફત અનાજ મેળવતા લોકો 30 એપ્રિલ 2025(આજે છેલ્લો દિવસ) સુધીમાં પોતાના રેશનકાર્ડનું ઈ કેવાયસી ન કરાવે તો તેમને મળવાપાત્ર સરકારી અનાજના જથ્થા પર બ્રેક મારી દેવામાં આવશે. આવું ન થાય તે માટે અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં આવેલા ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટ’ દ્વારા રેશનકાર્ડ ઈ-કેવાયસી વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગીતામંદિર, મજૂરગામ, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારના 300થી વધુ લોકોએ લાભ લીધો હતો.
આ પણ વાંચો: ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?
કેમ્પના આયોજકોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નહીં કરનાર કાર્ડધારકને અનાજ મેળવવામાં મુશ્કેલી પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગીતામંદિર આસપાસના વિસ્તારમાં રહેતા દલિતો મોટાભાગે દૈનિક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે આખો દિવસ પાડીને સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને ઈ કેવાયસી કરાવવાનો સમય નથી હોતો. આથી અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું. જેથી લોકો ઘરઆંગણે જ ઈ કેવાયસી કરાવી શકે. હાલ મોટાભાગના લોકો ઈ કેવાયસી માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે. મજૂરવર્ગને આ રીતે દિવસ પાડીને સરકારી કચેરીઓના ધક્કા કરવા પોસાય તેમ નથી. આથી આ કેમ્પમાં તેમને ઈ કેવાયસી કરી અપાયું હતું.
ગીતામંદિર વિસ્તારના એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે, ઉઁમરને કારણે મને ચાલવામાં તકલીફ પડી રહી છે. સરકારે રેશનકાર્ડની ખરાઈ કરાવવાનો નિયમ લાગુ કર્યો છે પણ હું સરકારી કચેરીએ જઈને લાઈનમાં ઉભી રહી શકું તેમ નથી. સારું થયું આ કેમ્પ યોજાયો અને મારું કામ ઘર આંગણે જ થઈ ગયું. બાકી સરકારી કચેરીઓ બહાર લાગતી લાંબી લાઈનોમાં ઉભા રહી કામ કઢાવવાનું મારું ગજું નથી. આમ પણ એક ધક્કામાં સરકારમાં કોઈ કામ થતું નથી.
ઉલ્લેખનીય છે કે, મજૂરગામ વિસ્તારમાં કાર્યરત ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટ’ તેની ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. મજૂરગામ ચાર રસ્તા પાસે આવેલી ટ્રસ્ટની ઓફિસ સમાજલક્ષી પ્રવૃત્તિઓથી સતત ધમધમતી રહે છે. ટ્ર્સ્ટ દ્વારા મેડિકલ કેમ્પ, મહિલા જાગૃતિ અભિયાનો, વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો, સ્કોલરશીપ માર્ગદર્શન, બહુજન મહામાનવોના જન્મદિવસની ઉજવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સંસ્થાના મોભીઓ સર્વશ્રી ડી.કે.સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ અને ભીખાભાઈ દુલેરા દલિત સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ ઈ કેવાયસી કેમ્પ તેમની આ સેવાભાવનાનું જ પરિણામ છે.
આ પણ વાંચો: પહેલગામ હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર