બિહારની રાજધાની પટનાના ધનરૂઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવતી અને કાયદો-વ્યવસ્થાની પોલ ખોલતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અહીંની એક ખાનગી શાળા (DAV પબ્લિક સ્કૂલ) ના ગણિતના શિક્ષક અવિનાશ રાય પર ધોરણ 3 માં ભણતી 7 વર્ષની માસૂમ દલિત વિદ્યાર્થિની સાથે દોઢ મહિના સુધી સતત બળાત્કારનો પ્રયાસ કરવા અને બે વખત બળાત્કાર ગુજારવાનો આક્ષેપ થયો છે.
બાળકીની માતાના જણાવ્યા મુજબ, શાળાના વેકેશન દરમિયાન જ્યારે દીકરીને હોમવર્ક કરવાનું કહ્યું, ત્યારે તેણે રડતાં-રડતાં શાળાએ જવાની ના પાડી દીધી હતી. પ્રેમથી પૂછતાં બાળકીએ જણાવ્યું કે તેના ગણિતના શિક્ષકે તેની સાથે સ્ટાફ રૂમમાં ગંદું કામ કર્યું છે.

લોખંડની સ્કેલ ગરમ કરીને ડામ આપ્યો, જાનથી મારવાની ધમકી આપી
પીડિત બાળકીએ જણાવ્યું કે, જ્યારે શિક્ષકે તેને સ્ટાફ રૂમમાં બોલાવી ત્યારે તે તેની બહેનપણીઓ સાથે ગઈ હતી, પરંતુ શિક્ષકે અન્ય છોકરીઓને બહાર મોકલી દીધી હતી. તે એકલી પડતાં જ શિક્ષકે તેના ગાલ અડપલાં શરૂ કર્યા હતા. બાળકીએ જ્યારે શાળામાં શીખવવામાં આવેલા ‘ગુડ ટચ-બેડ ટચ’ ના નિયમ મુજબ આ કૃત્યનો વિરોધ કર્યો, ત્યારે હેવાન બનેલા શિક્ષકે સ્કેલને લાઈટરથી ગરમ કરીને તેના હાથ પર ડામ આપવાનો પ્રયત્ન કર્યો અને મોઢું દબાવી દીધું હતું. એટલું જ નહીં, બાળકીનું માથું દીવાલ સાથે ભટકાવીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જો કોઈને કહીશ તો મમ્મી-પપ્પાને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
આ પણ વાંચો: પાલિતાણામાં સિંહે ધોળા દિવસે માલધારી પર હુમલો કરતા ફફડાટ
સવર્ણ આરોપીને બચાવવા SC/ST એક્ટ ન લગાવાયો
આ ઘટના અંગે પીડિત પરિવારે 24 મે 2026 ના રોજ એસપી ઓફિસની મુલાકાત લીધી હતી અને બાદમાં 25 મે 2026 ના રોજ ધનરૂઆ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ પરિવારનો આક્ષેપ છે કે પોલીસે માત્ર પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને જાણીજોઈને SC/ST એક્ટ લગાવ્યો નથી.
પીડિત માતાએ આક્રોશ સાથે જણાવ્યું કે, “હું દલિત (SC) સમાજમાંથી આવું છું અને ગુનો કરનાર શિક્ષક સવર્ણ છે. વળી, પોલીસ સ્ટેશનના પ્રભારી પણ સવર્ણ જ્ઞાતિના હોવાથી જ્ઞાતિવાદી માનસિકતા રાખીને આ કેસમાં કડક કલમો ઉમેરવામાં આવી નથી”. આ ઉપરાંત પીડિત પરિવારને અત્યાર સુધી બાળકીના મેડિકલ રિપોર્ટની નકલ પણ સોંપવામાં આવી નથી.

સરન્ડર બાદ પણ પોલીસે ભેદી મૌન સેવ્યું, સોશિયલ મીડિયા પર મામલો ગાજ્યો
પરિવારના જણાવ્યા મુજબ, એફઆઈઆર નોંધાયાના 20 થી 25 દિવસ સુધી પોલીસે આરોપીની ધરપકડ કરી નહોતી. બાદમાં આરોપીએ જાતે પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું હોવા છતાં પોલીસે પરિવારને આ અંગે કોઈ જ સત્તાવાર માહિતી આપી નહોતી. ન્યાય માટે વલખાં મારતા પરિવારે આખરે જુલાઈ મહિનામાં સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ મામલો વાયરલ થતાં જ ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ અને અન્ય સામાજિક સંસ્થાઓ પીડિત પરિવારના સમર્થનમાં આવી છે અને શાળાને કાયમ માટે બંધ કરવાની તેમજ પ્રિન્સિપાલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 49 ટકા વિદ્યાર્થીઓ ધો. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી
પોલીસ અધિકારીનું શું કહેવું છે?
ધનરૂઆ પોલીસ સ્ટેશનના પ્રભારી અમિત કુમારે આ અંગે બચાવ કરતાં જણાવ્યું હતું કે, ઘટના સમયે તેઓ હાજર નહોતા પરંતુ માહિતી મળતા જ કાર્યવાહી કરાઈ હતી. આરોપી ફરાર હોવાથી તેના પર દબાણ લાવવા તેની પત્નીને કસ્ટડીમાં લેવાઈ હતી, જે બાદ તેણે આત્મસમર્પણ કર્યું હતું.
તપાસની ગુપ્તતા જાળવવા મેડિકલ રિપોર્ટ પરિવારને અપાયો નથી. SC/ST એક્ટ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે ઉપલબ્ધ તથ્યોના આધારે કાર્યવાહી થઈ છે, જો પરિવાર અલગથી અરજી આપશે તો આગળની કલમો ઉમેરવામાં આવશે.
હાલમાં ભય અને માનસિક આઘાતના કારણે પીડિત બાળકીનું શાળાએ જવાનું બંધ કરાવી દેવાયું છે. પીડિતાની માતાએ આરોપી શિક્ષકને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો: કચ્છ બ્લાસ્ટના 4 મૃતકોના પરિવારોને રૂ. 1.09 કરોડ વળતર ચૂકવાયું











