જામનગર જિલ્લાના એક ગામમાંથી 12 વર્ષની દલિત દીકરીનું અપહરણ થયાની ઘટનાને 7 દિવસ વીતી જવા છતાં કોઈ પત્તો ન લાગતા દલિત સમાજ રોષે ભરાયો છે. પોલીસ હજુ સુધી સગીરાને શોધવામાં નિષ્ફળ રહી છે. પોલીસ તંત્રની આ ઢીલી કામગીરીને લઈને દલિત સમાજ, પીડિત પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોતાની વ્હાલસોયી દીકરીનો કોઈ પત્તો ન લાગતાં ચિંતિત બનેલા પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
40 વર્ષના શખ્સ પર અપહરણનો આક્ષેપ
પરિવારજનો દ્વારા પોલીસ વડાને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, આશરે 40 વર્ષની ઉંમરના એક શખ્સ દ્વારા આ 12 વર્ષની સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સાત-સાત દિવસથી દીકરી ઘરથી દૂર હોવાને કારણે પરિવાર રાત-દિવસ ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. દલિત સમાજના આગેવાનો અને પરિવારજનોએ એવી પણ ભીતિ અને આશંકા વ્યક્ત કરી છે કે આટલા દિવસો વીતી ગયા હોવાથી માસૂમ દીકરી સાથે કોઈ અનિચ્છનીય કે અઘટિત ઘટના બની હોઈ શકે છે, જે પરિવાર માટે અત્યંત ડરામણી સ્થિતિ છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા
પોલીસ તપાસમાં ભેદભાવ અને ઢીલનો આક્ષેપ
આ મામલે દલિત સમાજના આગેવાનોએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ ચૂકી હોવા છતાં પોલીસ તપાસમાં ભારે બેદરકારી અને ઢીલ દાખવવામાં આવી રહી છે.
આવેદનપત્ર આપતી વખતે આગેવાનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, પીડિત દીકરી દલિત સમાજની હોવાના કારણે જ કદાચ પોલીસ તંત્ર આ કેસને જોઈએ તેવી ગંભીરતાથી લઈ રહ્યું નથી. જો કોઈ સદ્ધર કે અન્ય વર્ગની દીકરી હોત તો અત્યાર સુધીમાં આખું તંત્ર દોડતું થઈ ગયું હોત, પરંતુ આ કિસ્સામાં માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં

24 કલાકનું અલ્ટીમેટમ અને ઉગ્ર આંદોલનની ચીમકી
દલિત સમાજે જામનગર જિલ્લા પોલીસ પ્રશાસનને આ મામલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને 24 કલાકની આખરી સમયમર્યાદા (અલ્ટીમેટમ) આપી છે. તેમની માંગ છે કે નિર્ધારિત સમયમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે અને સગીરાને સહીસલામત રીતે શોધીને તેના પરિવારને સોંપવામાં આવે. જો આગામી 24 કલાકમાં કોઈ નક્કર પરિણામ નહીં આવે, તો સમગ્ર જામનગર જિલ્લામાં દલિત સમાજ દ્વારા ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની તમામ જવાબદારી પોલીસની રહેશે.
આ પણ વાંચો: દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!











