આદિવાસી સમાજના હક-અધિકારોની રક્ષા કરવાની જેમના માથે જવાબદારી છે તે સરકારી અધિકારીઓ જ તેમના અધિકારો પર તરાપ મારે તો ન્યાય કોની પાસે માંગવો? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે, કેમ કે આદિવાસીઓ માટે રક્ષક જ ભક્ષક બન્યાં હોય તેવી એક ચોંકાવનારી ઘટના બની છે.
મામલો મધ્ય પ્રદેશના છિંદવાડાનો છે. અહીં સરકારી અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની કરોડો રૂપિયાની કિંમતી જમીન સાવ સસ્તામાં ખરીદી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ તામિયામાં મહેસૂલ અધિકારીઓએ અંદરોઅંદર મિલીભગત કરીને ભારિયા જનજાતિના એક ગરીબ પરિવારની બાપ-દાદા વખતની 11 એકર જમીન, જેની બજાર કિંમત આશરે રૂપિયા 6.60 કરોડ થાય છે, તે માત્ર 6 લાખ રૂપિયામાં ખરીદી લીધી છે.

આ હાઇ-પ્રોફાઇલ કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને છિંદવાડા જિલ્લા કલેક્ટર હરેન્દ્ર નારાયણે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે.
અધિકારીઓ રક્ષક મટી ભક્ષક બન્યાં
મળતી સત્તાવાર માહિતી મુજબ, તામિયાના પ્રખ્યાત ચૌરા પઠાર અને પાતાલકોટ વ્યૂ પોઈન્ટ પાસે મુખ્ય રોડની બાજુમાં આવેલી આ મૂલ્યવાન જમીન તત્કાલીન તહેસીલદાર ઉમરાવ વારલેની પત્ની પ્રિયંકા વારલે, બીએમઓ જિતેન્દ્ર શાહ અને જુન્નારદેવના એસડીએમ કામિની ઠાકુરના પિતા દિલીપ સિંહના નામે રજિસ્ટર્ડ કરવામાં આવી છે. કાનૂની ગૂંચવણોથી બચવા માટે ખરીદનાર આ તમામ વ્યક્તિઓ પણ આદિવાસી સમાજના જ હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: બુટલેગરોએ ભીમ આર્મીના બે કાર્યકરોને રસ્તામાં આંતરી હત્યા કરી
ભોગ બનનાર ભારિયા પરિવાર પાસે આ વિસ્તારમાં તેમના પૂર્વજોની કુલ 22 એકર જમીન હતી. પિતા નાન્હોં ભારતીના અવસાન બાદ તેમની પુત્રીઓ વિપ્પા ભારતી અને સિમિના બાઈ વચ્ચે લાંબા સમયથી જમીનની સીમા અને વહેંચણી અંગે વિવાદ ચાલતો હતો. બંને બહેનોના અવસાન બાદ વારસદારો વધતા વિવાદ વધુ વકર્યો હતો, જેનો લાભ વહીવટી તંત્રના જવાબદારોએ ઉઠાવ્યો હતો. આ દરમિયાન સિમિના બાઈના પુત્ર રામદાસ ભારતી પાસેથી 11 એકર જમીનની રજિસ્ટ્રી કરાવી લેવામાં આવી હતી.

ઈ કેવાયસીના બહાને સહીઓ કરાવી, અંગૂઠા મરાવી લીધી
પીડિત પરિવારના સભ્ય બિસન લાલ ભારતીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જુન્નારદેવ એસડીએમ ગત વર્ષે તેમના ઘરે જમીન માંગવા આવ્યા હતા. જ્યારે પરિવારે જમીન આપવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તત્કાલીન પટવારી લેખરામ યદુવંશી અને કોટવાળે સરકારી યોજના હેઠળ ફરજિયાત ઈ-કેવાયસી (e-KYC) કરાવવાના બહાને પરિવારના સભ્યો પાસેથી કોરા કાગળો પર અંગૂઠા અને સહીઓ લઈ લીધા હતા. બાદમાં આ સહીઓ અને અંગૂઠાના નિશાનનો અનધિકૃત ઉપયોગ કરીને જમીનની આંતરિક વહેંચણી કરાવી દેવામાં આવી હતી. સરકારી રેકોર્ડ મુજબ, તહેસીલ કચેરીમાં 02 મે 2025ના રોજ નામ ટ્રાન્સફર માટે અરજી દાખલ થઈ હતી અને માત્ર 28 દિવસમાં એટલે કે 30 મેના રોજ ટ્રાન્સફર મંજૂર કરી દેવાયું હતું. ત્યારબાદ 02 જુલાઈ 2025 ના રોજ આ જમીનની સત્તાવાર રજિસ્ટ્રી કરાવીને જમીન અધિકારીઓના પરિવારજનોના નામે ચડાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!
11 એકર જમીન માત્ર 6 લાખ રૂપિયામાં પડાવી લીધી
તામિયા સ્થિત આ વ્યાવસાયિક જમીનની વાસ્તવિક બજાર કિંમત પ્રતિ એકર આશરે 60 લાખ રૂપિયા છે, જ્યારે સરકારી ગાઇડલાઇન મુજબ પણ તેની કિંમત 27 લાખ રૂપિયા પ્રતિ એકર થાય છે. આ હિસાબે 11 એકર જમીનની સત્તાવાર કિંમત કરોડોમાં થાય છે, જેને માત્ર 3 લાખ રૂપિયા ચેકથી અને 3 લાખ રૂપિયા રોકડા ચૂકવીને હડપી લેવામાં આવી છે.
કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (NCST)ના વરિષ્ઠ સલાહકાર પ્રકાશ ઉઇકેએ આ ઘટનાને આદિવાસીઓના આર્થિક શોષણનો ક્રૂર મામલો ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. આ વિવાદ અંગે તામિયાના વર્તમાન તહેસીલદાર સંજય મસરામે જણાવ્યું છે કે કલેક્ટરના આદેશથી તપાસ ચાલી રહી છે અને અહેવાલ આવ્યા બાદ જ કાયદેસરના પગલાં લેવાશે.
આ પણ વાંચો: આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા











