નેતાઓએ વાયદો ન પાળ્યો, આદિવાસીઓએ જાતે પહાડ કાપી રસ્તો બનાવ્યો

ભાજપના નેતાઓ રસ્તો બનાવી આપવાનું કહી ફરી જતા આદિવાસીઓએ દશરથ માંઝીની જેમ આખો પહાડ કાપીને પોતાના માટે રસ્તો બનાવ્યો.
Aadivasi news

આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાનો શહીદ દિવસ છે, ત્યારે આ દેશનો આદિવાસી સમાજ ધારે તો શું કરી શકે તેની આ વાત છે. સરકાર અને લોકપ્રતિનિધિઓના પોકળ દાવાઓ તેમજ વહીવટીતંત્રની ઉદાસીનતા સામે મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકોએ અનોખો આક્રોશ ઠાલવ્યો છે.

વર્ષો સુધી પાકા રસ્તા માટે વહીવટી કચેરીઓના ધક્કા ખાધા પછી પણ જ્યારે કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે આ આદિવાસીઓએ સરકારી સહાયની આશા છોડીને પોતે જ પહાડ કાપીને રસ્તો બનાવવાનું કાર્ય ઉપાડી લીધું છે. ‘બિહારના માઉન્ટેન મેન’ દશરથ માંઝીના જીવનમાંથી પ્રેરણા લઈને આ ગ્રામજનોએ એક થઈને આત્મનિર્ભરતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની ઘટના

ઘટના મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની ઉબાદગઢ ગ્રામ પંચાયત હેઠળ આવતા ખોડી પલાસ ફળિયાનો છે. આશરે 30 થી 35 પરિવારો અને 250 થી વધુની વસ્તી ધરાવતા આ આદિવાસી વિસ્તારમાં આઝાદીના દાયકાઓ પછી પણ મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે કોઈ કનેક્ટિવિટી નહોતી. ચૂંટણી સમયે મોટા-મોટા નેતાઓ મતો માંગવા માટે વિસ્તારની મુલાકાત લેતા અને રસ્તો બનાવવાની જાહેરાતો કરતા હતા. જોકે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ આ તમામ વાયદાઓ સરકારી ફાઈલો નીચે દબાઈ જતા હતા.

આ પણ વાંચો: દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!

ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે સગર્ભાઓ, દર્દીઓ અને વૃદ્ધોને ઝોળી અથવા ખાટલા પર બેસાડીને પથરાળ અને ડુંગરાળ રસ્તાઓ પરથી પસાર થઈને મુખ્ય માર્ગ કે હોસ્પિટલ સુધી પહોંચાડવા પડતા હતા. તાજેતરમાં જ ગામના એક 14 વર્ષીય સખારામ નામના બાળકને બીમારીના સમયે રસ્તો ન હોવાને કારણે ઝોળીમાં સુવડાવીને સ્થાનિક તબીબ પાસે લઈ જવો પડ્યો હતો. ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ વધુ વણસી જતી અને કાદવ-કીચડને કારણે શાળા, હોસ્પિટલ કે બજાર સુધી પહોંચવું પણ અશક્ય બની જતું હતું.

પોતાની બચતમાંથી રૂ. 10-10 હજારનું ભંડોળ ભેગું કર્યું

સરકારી તંત્રની આ શરમજનક ઉપેક્ષાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની મહેનતની કમાણીમાંથી 10-10 હજાર રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું. આ એકત્રિત થયેલી રકમમાંથી તેમણે જેસીબી (JCB) મશીન ભાડે રાખ્યું અને સરકારી તંત્રની રાહ જોયા વિના આખો પહાડ કાપવાનું નક્કી કર્યું. રસ્તાના નિર્માણ માટે આખું ગામ બે ટુકડીઓમાં વહેંચાઈ ગયું છે અને દરરોજ 40 લોકો શ્રમદાન કરી રહ્યા છે.

Aadivasi news

માત્ર પુરુષો જ નહીં, પરંતુ ઘરનું રસોઈકામ અને ખેતીનું કામ પતાવ્યા પછી ગામની મહિલાઓ પણ ખભેખભા મિલાવીને પહાડ કાપવાના અને પથ્થરો હટાવવાના કામમાં જોડાઈ છે. ગ્રામીણ મહિલા રૂમતી બાઈના જણાવ્યા મુજબ, પીવાનું પાણી, ખેતીનું ખાતર અને બિયારણ જેવી જીવનજરૂરી સામગ્રી પણ માથા પર ઉપાડીને લાવવી પડતી હોવાથી લોકો રસ્તાના થાકને કારણે જ બીમાર પડી જતા હતા.

આ પણ વાંચો: હિંદુ યુવા વાહિનાના નેતાને રેપ કેસમાં જામીન મળતા ફૂલ-હાર કરાયા

એક અઠવાડિયામાં 1 કિ.મી.નો રસ્તો તૈયાર કર્યો

ગ્રામજનોએ પોતાની મહેનતથી માત્ર એક જ સપ્તાહમાં અંદાજે એક કિલોમીટર જેટલો પહાડી રસ્તો સમતળ કરીને તૈયાર કરી દીધો છે. હાલમાં ફંડની રકમ પૂરી થઈ ગઈ હોવા છતાં ગ્રામજનો હિંમત હાર્યા નથી અને આગળનો રસ્તો ખોદવા માટે ફરીથી નાણાં ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

એસડીએમે સરકારી જવાબ આપી બચાવ કર્યો

આ બાબતે બડવાનીના એસડીએમ (SDM) ભૂપેન્દ્ર રાવતે જણાવ્યું છે કે આ આખી વસાહત વન વિભાગના ક્ષેત્રમાં આવતી હોવાથી કાનૂની અડચણો છે, જેનું હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ ગ્રામીણ સડક વિકાસ પ્રાધિકરણ (MPRRDA) ના જનરલ મેનેજર અંકિત અવસ્થીએ બચાવ કરતા જણાવ્યું કે ઉબાદગઢ ગામ મુખ્ય માર્ગ સાથે જોડાયેલું છે, પરંતુ તેના આંતરિક ફળિયાને જોડવા માટે ‘મુખ્યમંત્રી મજરા-ટોલા સડક યોજના’ હેઠળ સર્વેક્ષણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને 100 થી વધુ વસ્તી ધરાવતી વસાહતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

જોકે, સરકારી કાગળો અને સર્વેક્ષણો વચ્ચે આદિવાસીઓએ પોતાની સુવિધા માટે જાતે જ રસ્તો બનાવીને વહીવટી તંત્રની આળસને અરીસો બતાવ્યો છે.

આ પણ વાંચો: દલિત સગીરાને દુકાનદારે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x