ડૉ.આંબેડકર અને અમદાવાદ શહેરમાં આવેલો ખાનપુર વિસ્તાર ગુજરાતની આંબેડકરી ચળવળના ઈતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે. ખાનપુર ક્ષેત્ર માત્ર એક વિસ્તાર નથી, પરંતુ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામાજિક ક્રાંતિના ઈતિહાસ સાથે ઊંડેથી જોડાયેલું એક યાદગાર સ્થળ છે. વર્ષ 1931માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ગુજરાત અને અમદાવાદનો મહત્વપૂર્ણ પ્રવાસ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, એટલે કે 28 જૂન 1931ના રોજ બાબાસાહેબે ખાનપુરમાં આવેલી દલિત વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલની વિશેષ મુલાકાત લીધી હતી. તે સમયે વંચિત અને દલિત સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને તેઓ પોતાના બંધારણીય તથા સામાજિક અધિકારો પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આ હોસ્ટેલ ચલાવવામાં આવતી હતી. આ મુલાકાત દરમિયાન બાબાસાહેબે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને શિક્ષણને જ પ્રગતિનું સાચું સાધન બનાવવાની પ્રેરણા આપી હતી. આ ઘટના અંગેના ઐતિહાસિક અહેવાલો અને દસ્તાવેજો આજે પણ ઉપલબ્ધ છે, જે આ સ્થળના મહત્ત્વની સાક્ષી પૂરે છે. પરંતુ આ હોસ્ટેલ અને સ્થળનું આજે અમદાવાદમાં કોઈ નામનિશાન મળતું નથી. ત્યારે તેને લઈને આંબેડકરવાદીઓમાં નવેસરથી સળવળાટ શરૂ થયો છે.
ઐતિહાસિક શાળા નં. 6ની વર્તમાન સ્થિતિ
ખાનપુર ખાતે આવેલી મ્યુનિસિપલ શાળા નં. 6 એ જ ઐતિહાસિક વારસાનો એક ભાગ છે, જ્યાં અંદાજે 1939થી 1954 દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી. પરંતુ કાળક્રમે આ શાળા બંધ થઈ ગઈ અને હાલમાં આ શાળા હયાત છે કે કેમ તથા તે જમીન પર કોનો કબજો છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ આ સ્થળનો સર્વે નંબર 4141 છે અને ત્યાં આશરે 1500 વાર જેટલી કિંમતી જમીન આવેલી છે. જોકે, આ ઐતિહાસિક જમીન હાલ કઈ સ્થિતિમાં છે, તેનો વાસ્તવિક ઉપયોગ શું થઈ રહ્યો છે અને તે મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક છે કે કેમ, તે અંગેની સત્તાવાર પુષ્ટિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જમીન દફતર, સિટી સર્વે અને શાળા રેકોર્ડ પરથી થવી અત્યંત જરૂરી બની ગઈ છે.

આ પણ વાંચોઃ 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ
તપાસની માંગ અને જૂના દસ્તાવેજો જાહેર કરવાની રજૂઆત
આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે સર્વે નંબર 4141ની જમીનની માલિકી, હાલનો કબજો અને ઉપયોગ અંગે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જૂના શાળા રજિસ્ટર, રેવન્યુ રેકોર્ડ અને મિલકતના દસ્તાવેજો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આ તપાસમાં સાબિત થાય કે આ જમીન AMCના હસ્તક જ છે, તો આ કિંમતી જમીન કોઈ અન્ય હેતુ માટે વપરાઈ જાય તે પહેલાં તેને બચાવી લેવી જરૂરી છે. આ સ્થળનો ઉપયોગ બાબાસાહેબની સ્મૃતિને જીવંત રાખવા અને સમાજના કલ્યાણ માટે જ થવો જોઈએ તેવો સૂર વ્યક્ત થયો છે.
આ પણ વાંચોઃ ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ ,રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો
જમીન પર આંબેડકર ભવનના નિર્માણનો પ્રસ્તાવ
જો તપાસમાં આ જમીન સરકારી કે AMC હસ્તક હોવાનું માલૂમ પડે, તો તે જગ્યા પર એક આધુનિક ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન’નું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ભવન માત્ર એક ઈમારત બનીને ન રહેતા, એક સક્રિય જ્ઞાન કેન્દ્ર તરીકે કામ કરશે. અહીં એક સમૃદ્ધ પુસ્તકાલય અને અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવે, જ્યાં ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે.

આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્ર અને માર્ગદર્શન સેન્ટર શરૂ કરવામાં આવે, જેથી અહીંથી તાલીમ મેળવીને યુવાનો સરકારી અને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી શકે. સાથોસાથ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું એક મોટું કેન્દ્ર બનાવીને બાબાસાહેબના વિચારધારા અને વિચારોને જીવંત રાખવાનો આ શ્રેષ્ઠ પ્રયાસ બની રહેશે. તંત્રે આ ઐતિહાસિક જમીનનું રક્ષણ કરીને તેને શૈક્ષણિક અને સામાજિક હેતુ માટે ફાળવવાની દિશામાં વહેલી તકે કાનૂની અને વહીવટી પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ














