ગાંધીધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની બાજુમાં અને પાવર હાઉસ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં વિતાવેલા 40 વર્ષો બાદ પણ 150 થી વધુ પરિવારો માનવ અધિકારોના ન્યૂનતમ ધોરણોથી વંચિત છે. પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, પાકા રસ્તા, ગટર-ડ્રેનેજ, શૌચાલય, આંગણવાડી કે શાળા જેવી પાયાની જરૂરિયાતો વિના આ લોકો જીવન વિતાવી રહ્યા છે. આ ગંભીર માનવ અધિકાર ભંગ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) સમક્ષ કેસ નંબર 1402/6/14/2025 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. NHRC દ્વારા તા. 24 ઓગસ્ટ 2026 ના રોજ આ બાબત ધ્યાને લઈ આગામી 2 અને 3 સપ્ટેમ્બર 2026ના રોજ ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજવાનો આદેશ કર્યો છે.
ગાંધીનગરમાં NHRC દ્વારા આ મામલે સુનાવણી યોજાશે
આયોગ દ્વારા નક્કી કરાયેલ સમયપત્રક મુજબ બે દિવસીય સુનાવણી ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે યોજાશે. આ સુનાવણીમાં પીડિતો અને ફરિયાદીઓને જરૂરી સહાય પૂરી પાડવા માટે ગુજરાત પોલીસ અકાદમીના ડિરેક્ટર ડૉ. લીના પાટીલ (IPS) ને મુખ્ય નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) ડી.પી. ચુડાસમા અને અન્ડર સેક્રેટરી (Human Rights) ક્ષિતિજ જે. પુરોહિત સહાયક નોડલ અધિકારીઓ તરીકે જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: ખાતરનો ઉપયોગ ‘ખાતર ઉપર દિવેલ’ તો સાબિત નહીં થાય ને?
NHRC એ સંબંધિત સરકારી સત્તાધિકારીઓ અને પોલીસ વિભાગને 2 સપ્ટેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણ તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ અહેવાલો માત્ર HRCNet પોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે અને ઈ-મેઈલ મારફતે મોકલેલા જવાબ માન્ય ગણાશે નહીં.
મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ
વિસ્તારમાં 40 વર્ષથી વીજળીનું કનેક્શન ન હોવાને કારણે રાત્રિના સમયે સમગ્ર ઝૂંપડપટ્ટી ઘોર અંધારામાં ગરકાવ થઈ જાય છે. આ કારણે મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષા સામે સતત જોખમ તોળાતું રહે છે. આ ઉપરાંત, બાળકો માટે નજીકમાં આંગણવાડી કે પ્રાથમિક શાળાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર પણ વિપરીત અસર પડી રહી છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા

સ્થાનિક સત્તાધિકારીઓ પાસે પાયાની સુવિધાઓની માંગણી
માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ ઉકાભાઈ પરમાર દ્વારા આ પરિવારોની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરી વિસ્તારમાં તુરંત પાકા રસ્તાઓ અને ગટર-ડ્રેનેજ લાઈન બિછાવવાની માંગ કરવામાં આવી છે. તે સિવાય દરેક પાત્ર પરિવારને કાયદેસરનું વીજ કનેક્શન તથા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને મહિલાઓ તથા બાળકોની સલામતી માટે સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો લગાવવા આગ્રહ કરાયો છે. સાથોસાથ બાળકો માટે નજીકમાં જ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની સુવિધા ઊભી કરવા તેમજ પુરુષો અને મહિલાઓ માટે અલગ કોમ્યુનિટી શૌચાલય-મૂત્રાલય અને કોમ્યુનિટી હોલ બનાવવાની સ્પષ્ટ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
પીડિતોને ન્યાય મળશે તેવો વિશ્વાસ
ફરિયાદીએ જણાવ્યું છે કે, 21મી સદીમાં પણ 150 થી વધુ પરિવારો ચાર ચાર દાયકાથી પાયાની સવલતો માટે ઝૂરતા હોય તે માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. ઔદ્યોગિક રીતે સમૃદ્ધ ગણાતા કચ્છ-ગાંધીધામમાં આવી પરિસ્થિતિ શરમજનક છે. ઓપન હિયરિંગ દરમિયાન આયોગ સમક્ષ તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને પીડિતોને તમામ સરકારી સુવિધાઓ કાયદેસર રીતે સ્થળ પર મળે તેવો નિર્ણય આયોગ દ્વારા લેવાશે તેવી આશા છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!











