રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!

રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.
Ram Mandir Donation Scam
Ram Mandir Donation Scam

અયોધ્યાના રામ મંદિરમાંથી મંદિરમાં કામ કરતા લોકો અને ટ્રસ્ટીઓ દ્વારા દાનમાં આવતા 200 કરોડ રૂપિયાથી વધુની રકમ ખાઈ જવાનો આરોપ લાગ્યો છે ત્યારે આ કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે અને તેમાં મંદિરના ટ્રસ્ટી ચંપત રાય સહિત ચાર લોકો સામે સોના, ચાંદી અને હીરાજડિત ઈંટો ગુમ કરી દેવાયાની ફરિયાદ નોંધાઈ છે. રામ જન્મભૂમિ આંદોલનના અગ્રણી કાર્યકર સંતોષ દુબેએ અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એક સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે દાવો કર્યો છે કે રામ મંદિર આંદોલન દરમિયાન દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી અંદાજે 1,250 સોના, ચાંદી, હીરા જડિત અને અષ્ટધાતુની કિંમતી ઇંટો ગુમ થઈ ગઈ છે.

રામના નામે કરોડો રૂપિયાના આર્થિક ગોટાળા

રામ મંદિર ચળવળ વખતે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે દેશભરના કારસેવકો અને રામભક્તોને મંદિર નિર્માણ માટે ઇંટો દાન કરવાની અપીલ કરી હતી. આ આહવાન પર કરોડો લોકોએ પોતાની પરસેવાની કમાણીમાંથી સોના, ચાંદી અને અષ્ટધાતુની કિંમતી ઇંટો અર્પણ કરી હતી. સંતોષ દુબેના જણાવ્યા અનુસાર, આ દાનમાં મોરેશિયસથી આવેલી એક અત્યંત કિંમતી ઇંટ અને મુંબઈના એક ઉદ્યોગપતિ દ્વારા આપવામાં આવેલી હીરા જડિત ઇંટનો પણ સમાવેશ થાય છે.

પરંતુ, વર્તમાન સમયમાં આ આસ્થા પ્રતીક સમાન ઇંટો ક્યાં ગઈ, તેનો ટ્રસ્ટ પાસે કોઈ હિસાબ નથી. ધર્મને ધંધો બનાવી દેનારા તત્વોએ ભગવાનના નામે આવેલા દાન પર ખુલ્લેઆમ તરાપ મારી છે. “રામ નામ કી લૂટ મચી હૈ” જેવી સ્થિતિ આજે અયોધ્યાના વ્યવસ્થાપનમાં જોવા મળી રહી છે, જે શ્રદ્ધાળુઓની પવિત્ર ભાવનાઓ સાથે ક્રૂર મજાક સમાન છે.

આ પણ વાંચોઃ રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં

ટ્રસ્ટના ઉચ્ચ પદાધિકારીઓ શંકાના દાયરામાં

સંતોષ દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા, મંદિર પ્રશાસક ગોપાલ રાવ અને ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદમાં આ તમામ શંકાસ્પદો વિરૂદ્ધ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધીને તેમના પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માગ કરવામાં આવી છે.

બીજી તરફ, આટલા ગંભીર આક્ષેપો છતાં ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમના સાથીઓનું કહેવું છે કે તેઓ નાદુરસ્ત તબિયતના કારણે જવાબ આપવાની સ્થિતિમાં નથી. જ્યારે અનિલ મિશ્રા પણ સારવાર અર્થે ઉત્તર પ્રદેશની બહાર હોવાનું સામે આવ્યું છે. સત્તાધીશોની આ મૌન નીતિ તેમની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા કરે છે.

ડ્રાઇવરમાંથી કરોડપતિ: મિલકતોની તપાસની માંગ

આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત ટિન્નુ યાદવ નામના વ્યક્તિની છે, જે અગાઉ ઓટો-રિક્ષા ચલાવતો હતો અને બાદમાં ચંપત રાયના ડ્રાઇવર તરીકે જોડાયો હતો. આરોપ છે કે ધર્મના નામે ચાલી રહેલી આ ગેરરીતિઓનો સીધો ફાયદો ઉઠાવીને આ વ્યક્તિ આજે અયોધ્યા અને લખનૌમાં હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને બેનામી જમીનો સહિત આશરે રૂ. 20 કરોડથી વધુની અસ્કયામતોનો માલિક બની બેઠો છે.

જે લોકો અગાઉ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હતા, તેઓ મંદિર વ્યવસ્થાપનમાં આવ્યા બાદ અચાનક અબજોપતિ કેવી રીતે બની ગયા? સંતોષ દુબેએ આ તમામ વ્યક્તિઓની સંપત્તિની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. અગાઉ પણ રામ મંદિર નિર્માણ માટે ખરીદાયેલી જમીનોના સોદામાં ચંપત રાયની ભૂમિકા અને નાણાકીય ભ્રષ્ટાચાર અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા હતા, જે આ આખા નેટવર્ક તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચોઃ રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં

એસઆઈટીની તપાસ અને દરોડા

દિવસેને દિવસે વકરી રહેલા આ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસની ચાર સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ મામલે તપાસ તેજ કરી દીધી છે. તપાસ સમિતિએ મંગળવારે અયોધ્યામાં સળંગ 6 કલાક સુધી મંદિરની દાનપેટીઓમાંથી નાણાં એકત્ર કરવાની, તેની ગણતરી કરવાની, પેકિંગ અને બેંકમાં જમા કરાવવાની તમામ વહીવટી પ્રક્રિયાઓની બારીકાઈથી તપાસ કરી છે.

હિંદુઓની આસ્થાની હરાજી કરી દેવાયા જેવી સ્થિતિ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં છેલ્લા એક વર્ષ દરમિયાન દાન વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા કેશ-કાઉન્ટિંગ ટીમ અને ટ્રસ્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન કેશ-કાઉન્ટિંગ ટીમ સાથે જોડાયેલા મનીષ યાદવના એક ઠેકાણેથી આશરે રૂ. 36 લાખની રોકડ રકમ રિકવર થઈ હોવાના અહેવાલો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ બાકી છે. આ ઉપરાંત કેશ કાઉન્ટિંગના અન્ય સભ્યો અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રાની નાણાકીય લેવડદેવડ અને મિલકતો પણ હાલ તપાસના દાયરામાં છે. ધર્મના નામે આચરાયેલું આ આર્થિક મહાકૌભાંડ એ સાબિત કરે છે કે મંદિરમાં બેઠેલા ભ્રષ્ટ તત્વોએ હિંદુઓની આસ્થાની હરાજી કરી દીધી છે.

આ પણ વાંચોઃ બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x