દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાતરડાથી કાપી નાખ્યો

TCSમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા દલિત યુવકની તેની સવર્ણ પ્રેમિકાના ભાઈએ રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી-દોડાવીને દાતરડાથી હત્યા કરી.
dalit news

પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી ઓનર કિલીંગની એક ભયાનક ઘટના સામે આવી છે. ટીસીએસ જેવી પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં નોકરી કરતા એક દલિત યુવકને કથિત સવર્ણ જાતિની યુવતી સાથે પ્રેમ હતો. યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેના પરિવારને યુવક દલિત સમાજનો હોવાથી આ સંબંધ સામે વાંધો હતો. યુવતીના પરિવારે પહેલા ધાક-ધમકી આપીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો. પરંતુ એ પછી પણ યુવતી માની નહીં એટલે તેમણે તેના પ્રેમી દલિત યુવકની હત્યા કરવાનું નક્કી કરી લીધું. એ પછી તેને છેતરીને સમાધાનના બહાને રાત્રે બહાર બોલાવ્યો અને રસ્તા વચ્ચે બાઈક ઉભું રાખી દાતરડાથી હુમલો કરી રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી-દોડાવીને હત્યા કરી નાખી. ઓનર કિલીંગની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે.

નાગરાજ મંજુળેની ‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટના

ઘટના ગઈકાલ તા. 27 જુલાઈ 2025ને રવિવારની છે. જેમાં દલિત યુવકની તેની પ્રેમિકાના ભાઈ દ્વારા ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. મૃતક 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર કવિન સેલ્વા ગણેશ છે. હત્યા કર્યા પછી આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અને કવિનના પરિવારે તેને જાતિ આધારિત ઓનર કિલિંગનો મામલો ગણાવ્યો છે. પ્રેમિકાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો એટલે દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી.

યુવક અને યુવતી અલગ જાતિના હોવાથી હત્યા કરાઈ?

મામલો તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાનો છે. કવિન સેલ્વા ગણેશ તુતીકોરિન જિલ્લાના અરુમુગમંગલમ ગામનો રહેવાસી હતો અને ચેન્નાઈમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે શાળાના સમયથી જ એક છોકરી સાથે પ્રેમસંબંધમાં હતો. કવિન અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી આવે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડનો પરિવાર અતિ પછાત વર્ગ (MBC)નો છે.

આ પણ વાંચો: સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’

dalit news

હત્યાનો આરોપી છોકરીનો ભાઈ 21 વર્ષીય સુરજીત છે, તેના માતા-પિતા પોલીસમાં નોકરી કરે છે. એટલે જ તેને કાયદાનો જરાય ડર નહોતો. આરોપ છે કે છોકરીના પરિવારે કવિન દલિત જાતિનો હોવાથી તેમનો પ્રેમ સંબંધ મંજૂર નહોતો. છોકરીના માતા-પિતાએ પણ કવિનને ઘણી વખત ધમકી આપી હતી.

રસ્તા વચ્ચે બાઈક રોકી દાતરડાથી હુમલો કર્યો

મૃતક દલિત યુવક કવિનની માતાની ફરિયાદ મુજબ, રવિવારે કવિન તેના દાદાની બગડતી તબિયત અંગે તેની પ્રેમિકા યુવતીની સલાહ લેવા KTC નગર ગયો હતો. ત્યાં યુવતીનો ભાઈ સુરજીત પણ હાજર હતો. તેને કવિન પહેલાથી પસંદ નહોતો, કારણ કે તે દલિત સમાજમાંથી આવતો હતો. તેણે મનોમન કાવતરું ઘડ્યું અને પછી કવિનને તેના માતાપિતા તેની સાથે વાત કરવા માંગે છે તેમ કહીને પોતાની સાથે લઈ ગયો હતો. કવિને તેના પર વિશ્વાસ કર્યો અને તેની સાથે બાઈક પર બેસી ગયો. બંને થોડે દૂર ગયા કે તરત સુરજીતે અચાનક રસ્તા વચ્ચે બાઇક રોકી દીધી. પછી તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે, “દલિત થઈને તેં મારી બહેન સાથે પ્રેમ કરવાની હિંમત કેવી રીતે કરી?”

હોસ્પિટલથી 200 મીટર દૂર હત્યા કરી

ત્યારબાદ સુરજીતે દાતરડું કાઢ્યું અને કવિન પર અનેકવાર હુમલો કર્યો. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે કવિને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરજીતે તેનો પીછો કર્યો અને હોસ્પિટલથી લગભગ 200 મીટરના અંતરે તેને મારી નાખ્યો. પહેલા તો સુરજીત સ્થળ પરથી ભાગી ગયો. બાદમાં તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસે સુરજીતની ધરપકડ કરી છે. તેના અને તેના માતાપિતા સામે BNS તેમજ SC/ST Act ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટનાના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે.

પરિવારે કવિનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

બીજી તરફ, કવિનના પરિવારે તેનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. તેઓ સુરજીતના માતાપિતા સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે સુરજીતના માતાપિતા પણ હત્યામાં સામેલ છે. કવિનની માતાએ ફરિયાદમાં કહ્યું છે કે સુરજીતના માતાપિતાને શરૂઆતથી જ તેમના સંબંધો સામે વાંધો હતો. તેઓએ વારંવાર કેવિનને હેરાન કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. એ પછી પણ કવિન અને યુવતીને અલગ ન કરી શક્યા તો કવિનની હત્યા કરી નાખી. યુવતીના માતાપિતા બંને પોલીસમાં છે, એટલે તેઓ તેમની વગનો ઉપયોગ કરી શકે છે.

કવિન યુનિ.નો ગોલ્ડ મેડાલિસ્ટ હતો, 2 લાખ પગાર હતો

મૃતક દલિત યુવક કવિન કેટલો પ્રતિભાશાળી હતો તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે, તે યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ હતો. ફર્સ્ટ ક્લાસ સાથે તેણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ચેન્નાઈમાં TCS જેવી દેશની સૌથી પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને મહિને રૂ. 2 લાખ પગાર મેળવતો હતો. તેમ છતાં તેને તેની દલિત જાતિ નડી ગઈ. આરોપીઓએ તેની પ્રતિભાને બદલે તેની જાતિ જોઈ.

ઓનર કિલીંગમાં તમિલનાડુ દેશમાં અગ્રેસર

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઓનર કિલીંગની ઘટનાઓમાં તમિલનાડુ અગ્રેસર છે. દર વર્ષે અહીં ઓનર કિલીંગની અનેક ઘટનાઓ બને છે. પેરિયાર જેવા વિચારકની ભૂમિ પર આ પ્રકારની ઘટનાઓ બને તે ચિંતાજનક ગણાય. એ પણ ત્યારે, જ્યારે રાજ્યમાં ડીએમકેની પ્રગતિશીલ સરકાર સત્તામાં છે. કવિનની પ્રેમિકાના પરિવારે તેની જાતિ જોઈને તેની હત્યા કરી નાખી.

યુવતીના માતાપિતા બંને પોલીસમાં છે. એ સ્થિતિમાં કવિનના પરિવારને ન્યાય મળશે કે નહીં તે પણ સવાલ છે. કેમ કે, ભારતમાં પોલીસની છાપ પહેલેથી ખરાબ છે.

આ પણ વાંચો: ‘આ ડાકણ છે’ કહી એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાયા

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

શાહરૂખ ખાન આમીર ખાન અઝહરુદ્દીન અરબાઝ ખાન તથા મોહન ભાગવત નાં જમાઈ મોહસીન અખ્તર મીર આ બધાં ને જમાઈ બનાવી લીધા છે પરંતુ ત્યાં કોઈ વિરોધ નથી પરંતુ ગરીબ પરિવારો જીવવાની કોશિશ કરે તો આતંકવાદી સંગઠનો જાગૃત થાય છે…

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x